Thu Jul 09 2026

Logo

કચ્છમાં ચોમાસું ખેંચાતાં ઘાસચારાની ગંભીર કટોકટી: નાની બન્નીમાં ભૂખમરાથી ૩ ભેંસોના મોતથી તંત્ર દોડતું થયું

2026-07-09 10:46:00
Author: Mumbai Samachar Team
Article Image

ભુજ: કચ્છી નૂતન વર્ષ 'અષાઢી બીજ' ના આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે કચ્છ જિલ્લામાં હજુ સુધી સાર્વત્રિક વરસાદ ન પડતાં ઘાસચારા અને પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે. ખાસ કરીને પશુપાલન પર નભતા ભાતીગળ બન્ની-પચ્છમ, સીમાવર્તી લખપત અને અબડાસા જેવા વિસ્તારોમાં ચરિયાણનો પ્રશ્ન અત્યંત ગંભીર બન્યો છે. સીમાડાઓ સાવ ખાલી થઈ જતાં માલધારીઓને તેમના પશુઓનું પેટ ભરવા નાકે દમ આવી ગયો છે. આ કપરી પરિસ્થિતિ વચ્ચે નખત્રાણા તાલુકાના નાની બન્ની વિસ્તારમાં આવેલા લૈયારી ગામે ઘાસના અભાવે ભૂખમરાથી એક માલધારીની ત્રણ લાખેણી ભેંસોના મોત નીપજતાં સમગ્ર જિલ્લામાં અરેરાટી સાથે ચિંતા વ્યાપી ગઈ છે.

કચ્છ જિલ્લામાં ૧૦ લાખથી વધુ પશુધન છે, જેમાં દૂધ ઉત્પાદનનું મુખ્ય કેન્દ્ર ગણાતા બન્ની પંથકના ૪૯ ગામો અને પચ્છમ વિસ્તારમાં જ અંદાજે બે લાખ જેટલા પશુઓ છે. સીમમાં ઘાસનું તણખલુંય ન બચતાં પશુઓને દિવસભર ભટક્યા બાદ ભૂખ્યા પેટે પરત ફરવું પડે છે. પશુઓને બચાવવા માટે માલધારીઓ જિલ્લા બહારથી મોંઘા ભાવે ચોખાના પરાળની ૨૫ કિલોની નાની ગાંસડીઓ ટ્રકો મારફતે મગાવી રહ્યા છે, જે કચ્છ સુધી પહોંચતા રૂા. ૨૦થી ૨૫ના ઊંચા ભાવે પડે છે. લખપત જેવા સરહદી તાલુકામાં તો પરિવહન ખર્ચ વધવાને કારણે ઘાસના ભાવ આસમાને પહોંચી ગયા છે. સ્થિતિ એટલી હદે વણસી છે કે ભૂખ્યા પશુઓથી બચાવવા માટે માલધારીઓએ ઘાસની ગાંસડીઓ ઘરના છાપરા પર સંતાડવી પડી રહી છે. નાની બન્નીના તલ, લૈયારી, છારી, ફુલાય અને વેડહાર વિસ્તારમાં જ ૧૨,૦૦૦ જેટલું પશુધન જોખમમાં મુકાયું છે. લુડબાય જૂથ ગ્રામ પંચાયતના સરપંચ જબ્બાર જતના જણાવ્યા મુજબ, જો તંત્ર તાકીદે રાહતદરે ઘાસ વિતરણ નહીં કરે તો માલધારીઓને ૪,૦૦૦થી વધુ પશુઓ સાથે હિજરત કરવાની નોબત આવશે.

નાની બન્નીના લૈયારી ગામે માલધારી જત ભુલાખાન વલીધાધની ત્રણ ભેંસોના ભૂખમરાથી મોતના અહેવાલથી જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા ચોંકી ઉઠ્યા હતા. આ અંગે તેમણે જણાવ્યું હતું કે, તંત્ર આ બાબતે અત્યંત ગંભીર છે અને સમગ્ર ઘટનાની તપાસ કરાવી રહ્યું છે. આ મામલે ધારાસભ્યો, પશુપાલન અધિકારીઓ અને તમામ પ્રાંત અધિકારીઓ સાથે બેઠક યોજીને જિલ્લામાં ઘાસની જરૂરિયાત અંગેનો અહેવાલ તૈયાર કરાયો છે અને રાજ્યના રાહત કમિશનરને તાકીદે ઘાસ ફાળવવા માટેની દરખાસ્ત મોકલી દેવામાં આવી છે.

કચ્છની આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈને પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહીરે મુખ્યમંત્રીને પત્ર પાઠવીને તાકીદે રજૂઆત કરી છે. તેમણે પત્રમાં જણાવ્યું છે કે, કચ્છમાં માનવવસ્તી કરતાં પશુધનની વસ્તી વધુ છે અને પશુપાલન અહીંના લોકોની આજીવિકાનો મુખ્ય સ્ત્રોત છે. હાલમાં વનવિભાગ પાસે કચ્છમાં જ પૂરતા પ્રમાણમાં સૂકા ઘાસનો જથ્થો ઉપલબ્ધ છે. જો આ જથ્થો સ્થાનિક મામલતદાર કચેરીઓને સોંપી દેવામાં આવે તો કોઈ પણ પ્રકારના વધારાના પરિવહન ખર્ચ વિના જરૂરિયાતવાળા પશુપાલકો સુધી ઝડપથી ઘાસ પહોંચાડી શકાશે. તેમણે પશુધનને બચાવવા માટે સરકારને ત્વરિત અને સંવેદનશીલ નિર્ણય લેવા અનુરોધ કર્યો છે.

દરમ્યાન, હવામાન વિભાગે કચ્છમાં ચોમાસાના સત્તાવાર આગમનની જાહેરાત કરી દીધી હોવા છતાં, જિલ્લામાં હજુ સુધી ૮૫ ટકા જેટલી વરસાદની મોટી ઘટ નોંધાઈ છે. જિલ્લાના ૧૦માંથી ૬ તાલુકાઓ હજુ પણ સાવ કોરાધાકોડ છે. બંગાળની ખાડીમાં સક્રિય થયેલી જે વરસાદી સિસ્ટમ પર કચ્છને મોટી આશા હતી, તે ગુજરાત પરથી પસાર થવાને બદલે મધ્યપ્રદેશ તરફ ફંટાઈ ગઈ છે અને ચોમાસુ ધરી હિમાલયની તળેટી તરફ સરકી ગઈ છે. આ કારણે આગામી એક સપ્તાહ સુધી નોંધપાત્ર વરસાદની કોઈ શક્યતા નથી. જોકે, જુલાઈના અંતિમ સપ્તાહમાં નવી સિસ્ટમ સક્રિય થતાં વરસાદ પડવાની આશા સેવાઈ રહી છે. હાલમાં તીવ્ર પવન અને અસહ્ય ઉકળાટને કારણે જનજીવન પ્રભાવિત થઇ રહ્યું છે.

(ઉત્સવ વૈદ્ય)
.