Thu Jul 09 2026

Logo

રાજ્યમાં વરસાદનું જોર ઘટશે, સાર્વત્રિક વરસાદની છે આગાહી, 24 કલાકમાં આટલા તાલુકામાં થઈ મેઘમહેર

2026-07-09 08:32:00
Author: Mayur Patel
Article Image

Ai Image


 

અમદાવાદઃ રાજ્યમાં આજથી વરસાદનું જોર ઘટશે. રાજ્ય પર એકથી વધુ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી સાર્વત્રિક વરસાદની આગાહી છે. છેલ્લા 24 કલાકમાં માત્ર 60 તાલુકામાં જ વરસાદ વરસ્યો છે.  માત્ર બે તાલુકામાં જ એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. નાનાપોંઢામાં 1.50 ઇંચ અને કપરાડામાં 1.34 ઇંચ વરસાદ વરસ્યો છે. 58 તાલુકામાં એક ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગે આપેલા વેધર મેપ પ્રમાણે, 9 જુલાઈથી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની તીવ્રતામાં થોડો ઘટાડો થઈ શકે છે. જોકે નવસારી, તાપી, વલસાડ અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અન્ય જિલ્લાઓમાં વરસાદનું જોર પ્રમાણમાં ઓછું રહેવાની સંભાવના છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી બે-ત્રણ દિવસ દરમિયાન દક્ષિણ-પશ્ચિમ ચોમાસું દેશના બાકીના વિસ્તારોમાં પણ આગળ વધવા માટે અનુકૂળ પરિસ્થિતિ છે. ગુજરાતમાં પણ અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અરબી સમુદ્ર તરફથી સતત ભેજ મળતા વરસાદની તીવ્રતા અન્ય વિસ્તારોની સરખામણીએ વધુ રહેવાની શક્યતા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે, જ્યારે નદી-નાળાઓના જળસ્તરમાં પણ વધારો થઈ શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો સરેરાશ વરસાદ સામાન્ય કરતાં 6 ટકા ઓછો નોંધાયો છે. તેમાં સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં સામાન્ય કરતાં 18 ટકા ઓછો વરસાદ નોંધાયો છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય કરતાં 5 ટકા વધુ વરસાદ વરસ્યો છે. જોકે હાલ સક્રિય હવામાન પ્રણાલીઓના કારણે આગામી દિવસોમાં વરસાદની ગતિવિધિમાં વધારો થવાની શક્યતા છે.

IMDના જણાવ્યા મુજબ, 11 જુલાઈ સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની ગતિવિધિ ચાલુ રહેશે. અનેક સ્થળોએ મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ ઉપરાંત 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.