Wed Jul 08 2026

Logo

પાકિસ્તાનમાં કરાચી નજીક કાર્ગો વિમાન ગુમઃ નૌકાદળ-વાયુસેના શોધખોળમાં જોડાયા

Karachi   2026-07-08 18:39:23
Author: Mumbai Samachar Team
Article Image

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં કરાચીથી લગભગ ૩૦૦ કિમી પશ્ચિમમાં અરબ સાગરમાં રડારમાંથી એક બોઇંગ કાર્ગો વિમાન ગુમ થયું હોવાના અહેવાલ છે. પાકિસ્તાને આ કાર્ગો વિમાનને શોધવા માટે નૌકાદળ અને વાયુસેનાને તહેનાત કર્યા છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.

યુએઇના શારજાહથી કરાચી જઇ રહેલી કેટુ એરવેઝની બી૭૩૭ કાર્ગો ફ્લાઇટ નેવિગેશન સિસ્ટમમાં ખામી સર્જાઇ હોવાની સૂચના આપ્યા બાદ મંગળવારે મોડી સાંજે રડારમાંથી ગાયબ થઇ ગઇ હતી. આ વિમાનમાં પાંચ ક્રૂ સભ્યો સવાર હતા. કેટુ એરવેઝ કરાચીની ખાનગી એરલાઇન છે. જેની સ્થાપના મે ૨૦૧૮માં થઇ હતી.

પાકિસ્તાન એરપોર્ટ ઓથોરિટી(પીપીએ)ના એક નિવેદન અનુસાર રેસ્ક્યુ કોઓર્ડિનેશન સેન્ટરને સક્રિય કરવામાં આવ્યું છે અને ગુમ થયેલા વિમાનની શોધખોળ માટે વિવિધ એજન્સીઓના માધ્યમથી સમુદ્રમાં એક સંકલિત શોધ અને બચાવ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાનના નૌકાદળે શોધ અને બચાવ અભિયાનમાં જોડાવા માટે યુદ્ધ જહાજ પીએનએસ ઝુલ્ફિકાર તહેનાત કર્યું છે. જ્યારે પાકિસ્તાન વાયુસેનાનું સાબ સર્વેલન્સ વિમાન પણ આ અભિયાનમાં ભાગ લઇ રહ્યું છે. મીડિયા અહેવાલ મુજબ કાર્ગો વિમાનને શોધવા માટે પાકિસ્તાન નૌકાદળ અને વાયુસેનાએ શોધવાળા વિસ્તારમાં વધારાના જહાજ અને વિમાનો તહેનાત કર્યા છે.

પીએએના એક નિવેદન અનુસાર આ પહેલા મંગળવારે રાત્રે જ્યારે કેટુ એરવેઝની બી૭૩૭ ફ્લાઇટે ૨૧૧૮ પર નેવિગેશન સિસ્ટમમાં ખામી સર્જાયાની જાણ કરી હતી ત્યારે કરાચી એરિયા કંટ્રોલ સેન્ટર(એસીસી)એ તાત્કાલિક તેને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.