શ્રીનગરઃ અમરનાથ યાત્રા શરૂ થઈ ગઈ છે. રોજ મોટી સંખ્યામાં ભાવિકો અમરનાથ ગુફામાં પ્રભુ શિવના દર્શન કરવા માટે પદયાત્રા કરી રહ્યા છે. આ વર્ષે અમરનાથ યાત્રામાં એક મહિલાએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. એક પગ ગુમાવનારી મહિલાના મજબૂત મનોબળથી કઠિન યાત્રા અનેક ભાવિકો માટે પ્રેરણાદાયી બની રહી છે. બાલતાલના રસ્તેથી પદયાત્રા કરીને મહિલાએ પોતાની આ યાત્રા પૂરી કરી દીધી છે. દર વર્ષે અમરનાથ યાત્રા કરવા માટે દેશના અનેક રાજ્યોમાંથી શ્રદ્ધાળુઓ શ્રીનગર આવે છે.
વીડિયો પોસ્ટ કરતા જ વાયરલ
આસ્થા, શ્રદ્ધા, શક્તિ અને ધૈર્ય સાથે યાત્રા શરૂ થાય છે. શારીરિક ક્ષમતાની કસોટી કરતી યાત્રા દરેક માટે સરળ નથી. આ વખતે સોશિયલ મીડિયા પર આ યાત્રાનો એક વિડિયો જોરશોરથી શૅર થઈ રહ્યો છે. જે સમજાવે છે કે, મજબૂત મનોબળ હોય તો મેરૂ પર્વત ઉપર દિવ્યાંગ પણ ચઢી શકે છે. મહિલાની પદયાત્રા સમજાવે છે કે, જીવનમાં હાર જીત જેવું હોતું નથી, વ્યક્તિ કાં તો જીતે છે કાં તો શીખે છે. આ મહિલાનો એક પગ નથી. પ્રોસ્થેટિક પગ લગાવીને તે યાત્રા કરી રહી છે. અતિ કઠિન મનાતા બાલતાલના રસ્તેથી તે ગુફા સુધી પહોંચી હતી. આ મહિલાનું નામ નેહા ભટ્ટ હોવાનું જાણવા મળ્યું છે. પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેણે આ વીડિયો શૅર કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, એના હાથમાં લાકડી છે અને ફોરઆર્મ ક્રચની મદદથી તે વિકટ રસ્તાઓ પર ધીમે ધીમે આગળ વધી રહી છે.
આ કારણે પગ ગુમાવવો પડ્યો
કઠિન ચઢાણ હોવા છતા એના ચહેરા પરની સ્માઈલ 440 વૉલ્ટની છે. મહિલાનો આત્મવિશ્વાસ લોકોને પ્રેરિત કરી રહ્યો છે. અમરનાથ યાત્રામાં બાલતાલના રસ્તાને સૌથી કઠિન માર્ગ માનવામાં આવે છે. કારણ કે અહીંયા એક પણ રસ્તો સરળ નથી. ચઢાણ પણ મુશ્કેલ છે.
આ મહિલાએ પ્રોસ્થેટિક પગના સહારે યાત્રા પૂરી કરી લીધી છે, જે ખરેખર સરળ નથી. વીડિયોમાં નેહાની સાથે એની પાછળ એના સાથી પણ પદયાત્રા કરી રહ્યા છે. જે જરૂર પડ્યે નેહાની મદદ કરી રહ્યા છે. વીડિયોના કેપ્શનમાં નેહાએ એનો આભાર વ્યક્ત કર્યો છે. નેહાના સોશિયલ મીડિયા પ્રોફાઈલ અનુસાર વર્ષ 2021માં એક માર્ગ અકસ્માતમાં મહિલાએ પોતાનો એક પગ ગુમાવી દીધો હતો.
અકસ્માતથી માત્ર પગ તૂટ્યો પણ મનોબળ નહીં. અમરનાથ યાત્રાનો આ વીડિયો એની હિંમત અને મુશ્કેલીઓમાં પણ લડી લેવાની પ્રેરણા આપે છે. એક ઉદાહરણ પુરૂ પાડે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ લોકો એની હિંમત અને મજબૂત-લોખંડી ઈરાદાને દાદ આપી રહ્યા છે.
લોકોએ દાદ આપી
વિકટ ગણતી યાત્રા માટે જે શક્તિ ભર્યુ સાહસ કર્યું એની પ્રશંસા કરી રહ્યા છે. કેટલાક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું હતું કે, આ કોઈ સામાન્ય વીડિયો નથી પણ એક લોખંડી ઈચ્છાશક્તિની મિસાલ છે.
અન્ય યુઝરે લખ્યું કે, જ્યાં સ્વસ્થ શ્રદ્ધાળુઓ ઘોડા અથવા પાલખીનો સહારો લે છે ત્યાં નેહાએ પ્રોસ્થેટિક પગના સહારે પદયાત્રા પૂરી કરી લીધી છે. એક પ્રેરણા પૂરી પાડી છે. આના પરથી એટલી સમજ સ્વીકારી શકાય છે કે, દ્રઢ મનોબળ હોય તો પર્વતની ઊંચાઈ પણ સામાન્ય લાગે.