Sat Oct 03 2026

Logo

મહારાષ્ટ્ર વિધાનસભામાં હોબાળો: વરસાદને 'દૈવી ઘટના' ગણાવતા સ્પીકર અને આદિત્ય ઠાકરે વચ્ચે તકરાર

2026-07-08 19:51:03
Author: Mumbai Samachar Team
મહારાષ્ટ્ર વિધાનસભામાં હોબાળો: વરસાદને 'દૈવી ઘટના' ગણાવતા સ્પીકર અને આદિત્ય ઠાકરે વચ્ચે તકરાર

મુંબઈ: મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદ અને ટ્રાફિક જામની સ્થિતિ વચ્ચે વિધાનસભામાં ભારે હોબાળો થયો હતો. સ્પીકર રાહુલ નાર્વેકરે વરસાદને 'દૈવી ઘટના' ગણાવતા આદિત્ય ઠાકરેએ જંગલો કાપવા અને રામ મંદિર દાનના મુદ્દા ઉઠાવી વળતો પ્રહાર કર્યો હતો, જેના કારણે ગૃહ સ્થગિત કરવું પડ્યું હતું.

મહારાષ્ટ્ર વિધાનસભામાં આજે સ્પીકર રાહુલ નાર્વેકર અને શિવસેના (યુબીટી)ના વિધાન સભ્ય આદિત્ય ઠાકરે વચ્ચે રાજ્યમાં પડેલા ધોધમાર વરસાદ અને તેનાથી સંબંધિત ઘટનાઓના સંદર્ભમાં દૈવી ઘટના અંગે વાદવિવાદ થયો હતો. વિપક્ષી સભ્યોએ વરસાદની સ્થિતિનો મુદ્દો ઉઠાવવામાં વિલંબનો વિરોધ કરી જણાવ્યું હતું કે આ મુદ્દો ગૃહ સમક્ષ સૌથી મોટી ચિંતાનો વિષય છે.

સ્પીકર નાર્વેકરે કહ્યું કે ગૃહ ગુરુવારે ટૂંકા ગાળાની ચર્ચા હાથ ધરશે. જોકે, તેમણે ચોમાસાના પ્રકોપ માટે આબોહવા પરિવર્તનનો ઉલ્લેખ કરી એને  નિયંત્રિત  નથી કરી શકતો એમ પણ જણાવ્યું હતું. એનો જવાબ આપતા આદિત્ય ઠાકરેએ સવાલ કર્યો હતો કે 'શું મેન્ગ્રોવ્સ અને જંગલો કાપવા પર ચર્ચા થશે? એ પણ દૈવી ઘટના હતી એમ તમારું કહેવું છે?' સ્પીકરે સામો સવાલ કર્યો કે શું આદિત્ય ઠાકરે દૈવી ઘટના નિયંત્રિત કરી શકે છે? 

ત્યાર બાદ ઠાકરેએ અયોધ્યામાં રામ મંદિરમાં દાનમાં કથિત ઉચાપતનો મુદ્દો ઉઠાવ્યો. આના પરિણામે વિપક્ષ અને ટ્રેઝરી બેન્ચ વચ્ચે સૂત્રોચ્ચાર અને પ્રતિ-નારા થયા, જેના પગલે ગૃહ પાંચ મિનિટ માટે સ્થગિત કરવામાં આવ્યું.

મુંબઈ અને રાજ્યના અન્ય ભાગોમાં છેલ્લા કેટલાક દિવસોમાં પડેલા ધોધમાર વરસાદને કારણે વૃક્ષો પડવાની અનેક ઘટનાઓ બની, મૃત્યુ થયા, પાણી ભરાઈ ગયા અને રોડ, રેલ અને હવાઈ ટ્રાફિક ખોરવાઈ ગયો હતો.