Mon Oct 05 2026

Logo

ડોમ્બિવલીની હૉસ્પિટલમાં ડૉક્ટરોની મારપીટના કેસમાં શિવસેનાના નગરસેવકની ધરપકડ

2026-07-08 18:31:56
Author: Yogesh C. Patel
ડોમ્બિવલીની હૉસ્પિટલમાં ડૉક્ટરોની મારપીટના કેસમાં શિવસેનાના નગરસેવકની ધરપકડ

થાણે: કેડીએમસી સંચાલિત ડોમ્બિવલીની હૉસ્પિટલમાં ડૉક્ટરો અને મેડિકલ સ્ટાફ સાથે કથિત મારપીટ કરવાના કેસમાં શિવસેનાના નગરસેવક રમેશ મ્હાત્રેની બુધવારે ધરપકડ કરવામાં આવી હતી. કલ્યાણના ડેપ્યુટી પોલીસ કમિશનર (ડીસીપી) અતુલ ઝેંડે જણાવ્યું હતું કે મ્હાત્રે અને તેના સાથીઓને વિષ્ણુનગર પોલીસે ફોજદારી ગુનામાં કસ્ટડીમાં લીધો હતો. મ્હાત્રે વિરુદ્ધ નોંધાયેલા ગુના પછી આ કાર્યવાહી કરવામાં આવી છે. વધુ તપાસ કરવામાં આવી રહી છે.

ડૉક્ટરોની મારપીટની ઘટના સોમવારની સાંજે ડોમ્બિવલીની હૉસ્પિટલમાં બની હતી. ઘટનાનો વીડિયો વાયરલ થતાં ભારે હોબાળો મચ્યો હતો. નવજાત શિશુને અન્ય હૉસ્પિટલમાં ખસેડવાની સલાહ તેના પરિવારને આપવામાં આવ્યા બાદ મ્હાત્રે અને તેના સાથીઓએ બે ડૉક્ટર અને કર્મચારીની મારપીટ કરી હતી.

નગરસેવકના આવા કૃત્યથી નાગરિકોમાં રોષ ફેલાયો હતો. નાગરિકોનો ગુસ્સો જોતાં અને ઈન્ડિયન મેડિકલ ઍસોસિયેશન (આઈએમએ) દ્વારા દબાણ લાવવામાં આવ્યા પછી મંગળવારની રાતે મ્હાત્રે સહિત છ જણ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ મામલે તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો આખા પરિસરનાં ક્લિનિક્સ અને હૉસ્પિટલો બંધ કરી દેવાની ચીમકી આઈએમએ દ્વારા આપવામાં આવી હતી. (પીટીઆઈ)