આજે મુખ્ય પ્રધાન સુરત-વલસાડની મુલાકાતે
અમદાવાદઃ સતત ત્રણ દિવસથી શહેરને ધમરોળ્યા બાદ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદે પોરો ખાધો હતો. સમગ્ર ગુજરતમાં બુધવારે નહીવત વરસાદ વરસ્યો હતો. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અનુક્રમે સિઝનનો 34.13 અને 27.59 ટકા વરસાદ વરસ્યો હતો, જ્યારે મધ્ય પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છમાં અનુક્રમે 17.27, 14.09 અને 1.92 ટકા વરસાદ વરસ્યો છે, જે ઘણો જ ઓછો છે અને લગભગ નહીવત જેવો છે.
જોકે બુધવાર સવારથી રાજ્યભરમાં વરસાદની ગતિ ઘણી જ ધીમી રહી હતી. સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર દ્વારા આપવામાં આવેલા સવારે છથી સાંજે છ વાગ્યા સુધીના આંકડા અનુસાર રાજ્યના 59 તાલુકામાં વરસાદે માત્ર હાજરી નોંધાવી હતી. વલસાડના માત્ર બે તાલુકામાં એકથી દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો. આજથી વરસાદ ધીમો પડે તેવી સંભાવના છે, તેમ હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.
છેલ્લા 24 કલાકમાં (બુધવારે સવારે છ વાગ્યા સુધી) સુરત શહેરમાં 14.9 ઇંચ, પલસાણામાં 18.19 ઇંચ, કામરેજ 17.40 ઇંચ, નવસારીમાં 15 ઇંચ વરસાદ વરસ્યો હતો. સુરતમા ઠેર ઠેર પાણી ભરાઈ જવાને લીધે બુધવારે પણ જનજીવન ખોરંભે ચડેલું હતું. લોકો ઘુંટણિયાસમા પાણીમાં ચાલવા મજબૂર થયા હતા.
શહેરમાં રાહત અને બચાવ કામગીરી હેઠળ અત્યાર સુધીમાં 3,416 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે, જ્યારે 3862 લોકોનું સુરક્ષિત સ્થળાંતર કરી નજીકના કોમ્યુનિટી હોલ તેમજ શાળાઓમાં સુરક્ષિત આશ્રય અપાયો છે. જે તમામ માટે ફૂડ પેકેટ્સની વ્યવસ્થા કરવામાં આવી હતી. જોકે લોકોના માલસામન, વાહનોને પારાવાર નુકસાન થયું હોવાાન અહેવાલો છે. આ સાથે અબોલ પ્રાણીઓ પણ ભારે અઘરી સ્થિતિમાં મૂકાયા હતા.
શહેરમા પૂર જેવી સ્થિતિને ધ્યાનમાં લઈ રાજ્ય સરકારે શહેરમાં બચાવ અને રાહત કામગીરીને અસરકારક બનાવવા માટે સુરતના પૂર્વ મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલને મોટી જવાબદારી સોંપી હતી.
મળતી વિગત પ્રમાણે, સરકારે શાલિની અગ્રવાલને તરત જ સુરત પહોંચીને પૂરની રાહત કામગીરીમાં જોડાવા આદેશ આપ્યો છે. તેઓ પહેલા સુરતના મ્યુનિસિપલ કમિશનર રહી ચૂક્યા હોવાથી અહીંના વિસ્તારો, ડ્રેનેજ સિસ્ટમ અને સરકારી તંત્રને બહુ સારી રીતે જાણે છે. સુરતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ છે અને તંત્ર બચાવ કામગીરીમાં લાગેલું છે, તેથી આ મુશ્કેલ સમયમાં તેમનો અનુભવ ખૂબ ઉપયોગી સાબિત થશે, તેમ માનવામાં આવે છે.
દરમિયાન મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલે ટ્વીટ કરી હતી કે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા પ્રધાન અમિત શાહે મારી સાથે ટેલીફોનિક વાતચીત કરીને ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદની સ્થિતિ અંગેની વિગતો જાણી હતી. વહીવટીતંત્ર આગોતરા આયોજન અને સજ્જતાથી પરિસ્થિતિને પહોંચી વળે તે અંગે તેઓએ માર્ગદર્શન આપ્યું હતું અને કેન્દ્ર સરકાર તરફથી તમામ જરૂરી સહયોગની ખાતરી આપી હતી.
અતિભારે વરસાદની આ સ્થિતિમાં રાજ્ય સરકાર જાનમાલને નુકસાન નિવારવા માટે પ્રતિબદ્ધ છે. સંબંધિત જિલ્લાતંત્રો સાથે હું સીધા સંપર્કમાં છું, અને બચાવ-રાહત કામગીરીની સમીક્ષા કરી રહ્યો છું. રાજ્ય સરકાર પૂરી સતર્કતા સાથે તમામ જરૂરી પગલા લઈ રહી છે.
આ સાથે ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટની બેઠકમાં પણ વરસાદી સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. પ્રવક્તા પ્રધાન જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, પ્રવર્તમાન વરસાદી પરિસ્થિતિનો પ્રત્યક્ષ તાગ મેળવવા, અસરગ્રસ્તોની સ્થિતિ જાણવા અને રાહત-બચાવ કામગીરીનું જાત નિરીક્ષણ કરવા માટે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ આજે સુરત અને વલસાડ જિલ્લાની રૂબરૂ મુલાકાત લેશે.
આ ઉપરાંત, મુખ્ય પ્રધાને રાજ્યના તમામ વરસાદગ્રસ્ત વિસ્તારોમાં જે-તે જિલ્લાના સ્થાનિક પ્રધાનો તેમજ પ્રભારી પ્રધાનોને સ્થળ મુલાકાત લેવા આદેશ કર્યો છે. વહીવટી તંત્રની સજ્જતા અને આપત્તિ વ્યવસ્થાપનની તૈયારીઓની વ્યક્તિગત સ્તરે સમીક્ષા કરવા માટે પણ ખાસ સૂચના આપવામાં આવી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.