Sat Sep 05 2026

Logo

કન્ટેનર નીચે દબાયેલી રિક્ષાનો ખુરદો બોલાઈ ગયો: બેનાં મોત, એક ગંભીર

2026-07-08 18:50:52
Author: Yogesh C. Patel
કન્ટેનર નીચે દબાયેલી રિક્ષાનો ખુરદો બોલાઈ ગયો: બેનાં મોત, એક ગંભીર

થાણે: બાજુમાંથી પસાર થતી રિક્ષા પર કેમિકલ ભરેલું કન્ટેનર પડતાં રિક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હોવાની ઘટના થાણેના ઘોડબંદર રોડ પર બની હતી. આ ઘટનામાં રિક્ષા ડ્રાઈવર સહિત બેનાં મોત નીપજ્યાં, જ્યારે એક ગંભીર રીતે ઘવાયો હતો.

પોલીસના જણાવ્યા મુજબ અકસ્માતમાં મૃત્યુ પામેલાઓની ઓળખ રિક્ષા ડ્રાઈવર દશરથ પવાર અને રિક્ષામાં બેસેલા પ્રવાસી મોહમ્મદ અમીન તરીકે થઈ હતી. રિક્ષામાં હાજર બીજા પ્રવાસીને આ ઘટનામાં ગંભીર ઇજા થઈ હોવાથી સારવાર માટે તેને નજીકની હૉસ્પિટલમાં લઈ જવાયો હતો.

ઘોડબંદર રોડ પર આનંદ નગર પરિસરમાં બુધવારની બપોરે 12.30 વાગ્યે આ ઘટના બની હતી. રિક્ષા અને કન્ટેનર ટ્રક એક જ દિશામાં જઈ રહી હતી. કન્ટેનર ટ્રકના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં વાહન ઊંધું વળી ગયું હતું.

ટ્રક ઊંધી વળી ત્યારે તેના પરનું કન્ટેનર બાજુમાંથી પસાર થતી રિક્ષા પર પડ્યું હતું, જેને કારણે રિક્ષા આખી દબાઈ ગઈ હતી. જોકે કન્ટેનર ઊંધું વળવા છતાં તેમાંનું કેમિકલ રસ્તા પર ફેલાયું નહોતું. અકસ્માતની જાણ થતાં ટ્રાફિક પોલીસ રેસ્ક્યુ ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ક્રેનની મદદથી ક્ધટેનરને રસ્તાને કિનારે ખસેડવામાં આવ્યું હતું. કન્ટેનરના વજનને કારણે રિક્ષાનો ખુરદો બોલાઈ ગયો હતો, એવું ટ્રાફિક વિભાગના સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટર રાહુલ મ્હસકેએ જણાવ્યું હતું.

ઘટનાને કારણે ટ્રાફિક જૅમ થઈ ગયો હતો અને કલાકો સુધી વાહનવ્યવહાર પર અસર થઈ હતી. અકસ્માતગ્રસ્ત વાહનોને રસ્તા પરથી દૂર ખસેડવામાં આવ્યા પછી વાહનવ્યવહાર પૂર્વવત્ કરવામાં આવ્યો હતો. (પીટીઆઈ)