મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે મુંબઈ, પુણે અને પિંપરી-ચિંચવડ મ્યુનિસિપલ વિસ્તારોમાં સરકારી જમીન પર ૧ જાન્યુઆરી, ૨૦૧૧ સુધી ઉભા થયેલા દબાણોને નિયમિત કરવા માટે એક વ્યાપક નીતિ ઘડવા માટે ૧૦ સભ્યોની સમિતિની રચના કરી છે.
અહીં જાહેર કરાયેલી એક સત્તાવાર યાદી મુજબ, કોંકણ વિભાગીય કમિશનરના નેતૃત્વ હેઠળની સમિતિને ત્રણ મહિનાની અંદર સ્પષ્ટ અને અંતિમ ભલામણો સાથેનો અહેવાલ મહેસૂલ વિભાગને સુપરત કરવા માટે કહેવામાં આવ્યું છે.
મહેસૂલ વિભાગે આ વર્ષે ૨૫ માર્ચે રાજ્યભરમાં સરકારી જમીન પર ૧ જાન્યુઆરી, ૨૦૧૧ પહેલાં થયેલા ગેરકાયદેસર દબાણોને નિયમિત કરવાનો નીતિગત નિર્ણય લીધો હતો, પરંતુ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન અને પિંપરી-ચિંચવડ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિસ્તારોને આ નિર્ણયના દાયરામાંથી બાકાત રાખવામાં આવ્યા હતા. સરકારે જણાવ્યું હતું કે આ ત્રણ મ્યુનિસિપલ વિસ્તારોમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની માલિકીની જમીન પરના અતિક્રમણો માટે એક વ્યાપક નીતિ જરૂરી છે.
સમિતિ સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટી (એસઆરએ), મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (મ્હાડા) અને અન્ય સંબંધિત સત્તામંડળોની હાલની નીતિઓનો અભ્યાસ કરશે અને અતિક્રમણોને નિયમિત કરવા માટે એક વ્યાપક નીતિની ભલામણ કરશે.
આ સમિતિમાં કોંકણ વિભાગીય કમિશનર અધ્યક્ષ તરીકે અને મુંબઈ શહેર, મુંબઈ ઉપનગર તથા પુણે જિલ્લાના જિલ્લા કલેક્ટરો, એસઆરએ ,બીએમસી, પીએમસી અને પીસીએમસી ના પ્રતિનિધિઓ તેમ જ મુંબઈ, મુંબઈ ઉપનગર અને પુણેના જમીન રેકોર્ડ અધિક્ષકો સભ્યો તરીકે સામેલ છે. કોંકણ વિભાગની વિભાગીય કમિશનર કચેરીના સંયુક્ત કમિશનર (સામાન્ય વહીવટ) સભ્ય-સચિવ રહેશે.