મુંબઈઃ ગણેશોત્સવ દરમિયાન દોઢ, પાંચ, સાત કે દસ દિવસ સુધી અત્યંત ભાવભક્તિ અને લાડ-કોડથી બાપ્પાની સેવા-પૂજા કર્યા બાદ અનંત ચતુર્દશીના પાવન અવસરે ભારે હૈયે ગણેશ વિસર્જન કરવામાં આવે છે. "ગણપતિ બાપ્પા મોર્યા, પુઢચ્યા વર્ષી લવકર યા"ના ગગનભેદી નારા સાથે બાપ્પાનું દરિયામાં વિસર્જન કરવામાં આવે છે.
પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આટલી શ્રદ્ધાથી સ્થાપિત કરેલી ગણેશજીની પ્રતિમાનું જળમાં વિસર્જન શા માટે કરવામાં આવે છે? આ પરંપરા પાછળ માત્ર ધાર્મિક માન્યતા જ નહીં, પરંતુ મહાભારત કાળનો અનોખો પૌરાણિક સંદર્ભ અને ગહન વૈજ્ઞાનિક તથા પર્યાવરણીય કારણો પણ જોડાયેલા છે.
મહાભારત કાળની રોચક પૌરાણિક કથા:
પૌરાણિક માન્યતા અનુસાર, મહર્ષિ વેદવ્યાસે મહાભારત મહાકાવ્યની રચના કરવા માટે ભગવાન શ્રી ગણેશને તેને અવિરત લખવા માટે વિનંતી કરી હતી. ગણેશ ચતુર્થીના દિવસથી આ લેખનકાર્ય શરૂ થયું હતું. સળંગ 10 દિવસ સુધી એક પણ ક્ષણ અટક્યા વિના સતત લખવાને કારણે ગણેશજીના શરીરનું તાપમાન અતિશય વધી ગયું હતું.
10મા દિવસે એટલે કે અનંત ચતુર્દશીએ લેખનકાર્ય પૂર્ણ થયું ત્યારે વેદવ્યાસે જોયું કે બાપ્પાનું શરીર અગ્નિ જેવું તપી રહ્યું હતું. ગણેશજીના શરીરને શીતળતા આપવા માટે મહર્ષિ વેદવ્યાસ તેમને નજીકના સરોવરમાં લઈ ગયા અને પવિત્ર જળમાં સ્નાન કરાવ્યું. આ પૌરાણિક ઘટનાની સ્મૃતિમાં દર વર્ષે 10 દિવસની સેવા પછી અનંત ચતુર્દશીએ બાપ્પાને શીતળ જળમાં પધરાવીને વિસર્જન કરવામાં આવે છે.
આધ્યાત્મિક અને દાર્શનિક દ્રષ્ટિકોણ: 'સાકારમાંથી નિરાકાર' તરફ:
હિન્દુ દર્શન અનુસાર આપણું સમગ્ર બ્રહ્માંડ અને માનવ શરીર પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ—આ પાંચ તત્વોથી બનેલું છે. માટી (પૃથ્વી તત્વ) માંથી બનેલી મૂર્તિમાં પ્રાણપ્રતિષ્ઠા દ્વારા ઈશ્વરનું આવાહન કરવામાં આવે છે અને ઉત્સવ પૂર્ણ થતાં તેને ફરી જળ તત્વમાં વિલીન કરી દેવામાં આવે છે. વિસર્જન આપણને શીખવે છે કે સંસારમાં કંઈપણ કાયમી નથી. જેનું સર્જન થયું છે તેનું વિલીનીકરણ નિશ્ચિત છે. ઈશ્વરના સાકાર રૂપમાંથી નિરાકાર રૂપમાં પરિવર્તિત થવાની આ એક સુંદર આધ્યાત્મિક પ્રક્રિયા છે.
વૈજ્ઞાનિક અને પર્યાવરણીય મહત્વ:
પ્રાચીન સમયમાં ગણપતિની મૂર્તિઓ માત્ર શુદ્ધ કાચી માટી (શાડૂની માટી), હળદર, ચંદન અને ઔષધીય વનસ્પતિઓના મિશ્રણથી બનાવવામાં આવતી હતી. ચોમાસા દરમિયાન નદી-તળાવોમાં વરસાદનું નવું પાણી એકત્ર થતું હતું. ઔષધિયુક્ત માટીની મૂર્તિઓ જળમાં ઓગળવાથી પાણીમાં રહેલા હાનિકારક બેક્ટેરિયા નાશ પામતા હતા અને પાણી શુદ્ધ બનતું હતું. આ માટી જળાશયોના તળિયે બેસીને જળસંચય ક્ષમતા અને ફળદ્રુપતા વધારવામાં મદદરૂપ સાબિત થતી હતી.