નવી દિલ્હી: એર ઈન્ડિયાની સ્વિટ્ઝર્લૅન્ડ થી દિલ્હી આવતી ફ્લાઇટના કો-પાયલોટનો ઝ્યુરિચ એરપોર્ટ પર આલ્કોહોલ ટેસ્ટ પોઝિટિવ આવતા સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. કો-પાયલોટે આલ્કોહોલનું સેવન કર્યું હોવાથી એરપોર્ટ સત્તાવાળાઓ તેને ફ્લાઇટ ઓપરેટ કરતાં અટકાવ્યો હતો. તેમજ કો-પાયલોટને સામાન્ય મુસાફર તરીકે ભારત પાછા મોકલવામાં આવ્યો છે. એરલાઇનના જણાવ્યા અનુસાર અંતિમ તબીબી તપાસના અહેવાલ અને આંતરિક તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી પાયલોટ સસ્પેન્ડેડ રહેશે.
એર ઈન્ડિયાની સુરક્ષા અંગે ઝીરો-ટોલરન્સ નીતિ
એર ઈન્ડિયાએ આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, એર ઈન્ડિયા સુરક્ષા, નિયમો અથવા કંપનીના પ્રોટોકોલના કોઈપણ ઉલ્લંઘન બાબતે 'ઝીરો-ટોલરન્સ' નીતિ અપનાવે છે. નિયમો કે નીતિના ભંગની પુષ્ટિ થતાં જ કડક શિસ્તભંગના પગલાં લેવામાં આવે છે.
ક્ષાના ઉચ્ચતમ ધોરણોનું પાલન કરવાની સૂચના
એરલાઈને એ પણ સ્પષ્ટ કર્યું હતું કે તમામ ક્રૂ મેમ્બર્સને સુરક્ષાના ઉચ્ચતમ ધોરણોનું પાલન કરવાની સૂચના આપવામાં આવે છે અને એર ઈન્ડિયા આ અંગે સમયાંતરે જાગૃતિ અભિયાનો પણ ચલાવે છે.
4 ઓગસ્ટના રોજ ફૂકેટથી દિલ્હી જઈ રહેલી ફ્લાઇટ 300 ફૂટ નીચે ઉતરી હતી
ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે 4 ઓગસ્ટના રોજ ફૂકેટથી દિલ્હી જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ માં અચાનક ટેકનિકલ ખામી સર્જાવાને કારણે તે લગભગ 300 ફૂટ નીચે ઉતરી ગઈ હતી. જ્યારે મુખ્ય પાઈલટ સુદીપ વશિષ્ઠ જેઓ આ ઘટના સમયે વિમાનનું સંચાલન કરી રહ્યા હતા.તેમનો ડ્રગ ટેસ્ટ કરવામાં આવ્યો, ત્યારે તેઓ બે વખત કેનાબીસ (ગાંજો)ના ઉપયોગ માટે પોઝિટિવ જણાયા હતા.
20 લોકોને ઇજા થઇ હતી
ઓડિશામાં બનેલી આ ઘટના દરમિયાન કુલ 137 મુસાફરો અને આઠ ક્રૂ સભ્યોમાંથી 20થી વધુ મુસાફરો અને ચાર ક્રૂ સભ્યોને ઈજાઓ થઈ હતી. તેમજ વિમાનને દિલ્હીમાં સુરક્ષિત રીતે ઉતાર્યું હતું.
પાયલોટે કહ્યું દવા લીધી હતી
જોકે,સસ્પેન્ડ કરાયેલા પાઈલટ સુદીપ વશિષ્ઠે તેમના બચાવમાં જણાવ્યું હતું કે તેઓ અંગત કારણોસર ઊંઘની સમસ્યાનો સામનો કરી રહ્યા હતા અને તેમના ફેમિલી ડોક્ટરે તે સ્થિતિ માટે તેમને દવા લખી આપી હતી.