નવી દિલ્હી: અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી યુદ્ધના સંકેત જોવા મળી રહ્યા છે. તેમાં પણ જો ફરીથી હોર્મુઝ સ્ટ્રેટને અસર થાય તો પણ ભારત માટે ફરી ઈંધણની કટોકટી સર્જાવાની શકયતા ઓછી છે.
હોર્મુઝ સ્ટ્રેટ પર નિર્ભરતા ઓછી થઈ
ભારતે તેની ઉર્જા વ્યૂહરચનામાં ફેરફાર કરી લીધો છે. પેટ્રોલિયમ મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતની લગભગ 70 ટકા ક્રૂડ ઓઇલ આયાત હવે હોર્મુઝ સ્ટ્રેટને બાયપાસ કરતા વૈકલ્પિક માર્ગો દ્વારા આવે છે. જે અગાઉ 55 ટકા હતી. સરકારનું કહેવું છે કે આ પરિવર્તનથી ભારતની ઉર્જા સુરક્ષા નોંધપાત્ર રીતે મજબૂત થઈ છે અને કોઈપણ એક દરિયાઈ માર્ગ પર નિર્ભરતા ઓછી થઈ છે.
ક્રૂડ ઓઇલ આયાત કરતાં દેશોની સંખ્યા 27 થી વધારીને 41 કરી
તેમજ અમેરિકા ઈરાન યુદ્ધ પૂર્વે ભારત પસંદગીના ખાડી દેશો પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદતું હતું. જ્યારે આ યુદ્ધ બાદ સરકારે નીતીમાં બદલાવ કર્યો છે. તેમજ કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું હતું કે ભારતે ક્રૂડ ઓઇલ આયાત કરતાં દેશોની સંખ્યા 27 થી વધારીને 41 કરી છે.
પુરવઠો અવિરત ચાલુ રહી શકે છે
જેમાં ઇરાક, રશિયા, સાઉદી અરેબિયા અને યુએઈ ઉપરાંત હવે બ્રાઝિલ, અંગોલા, નાઇજીરીયા, આર્જેન્ટિના, અલ્જેરિયા, કઝાકિસ્તાન, મલેશિયા અને અમેરિકા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવામાં આવી રહ્યું છે. જેના લીધે પુરવઠો અવિરત ચાલુ રહી શકે છે.
નવા લોજિસ્ટિકલ રૂટ પણ સ્થાપિત કર્યા
પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે જણાવ્યું છે કે આ ઉપરાંત નવા લોજિસ્ટિકલ રૂટ પણ સ્થાપિત કર્યા છે. સાઉદી અરેબિયાની પૂર્વ-પશ્ચિમ પાઇપલાઇન ક્રૂડ ઓઇલને સીધા યાન્બુ બંદર સુધી પરિવહન કરે છે. આ દરમિયાન, યુએઈની અબુ ધાબી ક્રૂડ ઓઇલ પાઇપલાઇન સીધા ફુજૈરાહ બંદર સુધી ક્રૂડ ઓઇલ વહન કરે છે, જે હોર્મુઝ સ્ટ્રેટની બહાર સ્થિત છે. જેના લીધે ભારતીય જહાજોની આ સંવેદનશીલ માર્ગમાંથી પસાર થવાની જરૂરિયાતમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
ગલ્ફ રાષ્ટ્રો ઉપરાંત અન્ય રાષ્ટ્રોમાં એલપીજી આયાત વધારી
દેશના ક્રૂડ ઓઇલ ઉપરાંત એલપીજી ગેસના પુરવઠા માટે પણ વ્યવસ્થા કરી છે. જેમાં પેટ્રોલિયમ મંત્રાલયના અહેવાલો અનુસાર ભારત તેની એલપીજી જરૂરિયાતોનો નોંધપાત્ર ભાગ ગલ્ફ રાષ્ટ્રો પાસેથી મેળવતું હતું. હવે ભારતે અમેરિકા, નોર્વે, કેનેડા, અલ્જીરિયા અને રશિયા જેવા દેશોમાંથી LPG આયાત વધારી દીધી છે. તેમજ રિફાઇનરીઓને ઘરેલુ LPG ઉત્પાદન વધારવા માટે સૂચના આપવામાં આવી છે જેથી ઘરોમાં ગેસ સિલિન્ડરનો પુરવઠો અવિરત મળતો રહે.
આશરે 74 દિવસનો ક્રૂડ ઓઇલ પુરવઠો
કેન્દ્ર સરકારના જણાવ્યા મુજબ ભારતમાં હાલમાં આશરે 74 દિવસનો ક્રૂડ ઓઇલ પુરવઠો છે. દેશમાં પેટ્રોલ, ડીઝલ અને LPGનો પુરવઠો જાળવવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ આયાત થોડા સમય માટે ભલે ખોરવાઈ જાય તો પણ રિફાઇનરીઓ સામાન્ય કરતાં વધુ ક્ષમતા પર કાર્યરત છે. તેમજ પશ્ચિમ એશિયામાં તણાવ વધે અથવા હોર્મુઝ સ્ટ્રેટને અસર થાય તો પણ દેશના ઇંધણ પુરવઠામાં તાત્કાલિક કોઇ અસર થાય તેવી શકયતા ઓછી છે.