Wed Jul 08 2026

Logo

પોરબંદરમાં ભારતીય નૌસેનાનું ‘દ્રષ્ટિ-10’ યુએવી ક્રેશ, મોટી જાનહાનિ ટળી

2026-07-08 21:02:11
Author: Vimal Prajapati
Article Image

પોરબંદરઃ ભારતીય નૌકાદળનું માનવરહિત હવાઈ વિમાન (યૂએવી) દ્રષ્ટિ-10, તાલીમ ઉડાન દરમિયાન એરફિલ્ડ નજીક ક્રેશ થયું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. રિપોર્ટ્સ પ્રમાણે આ ડ્રોન આજે બપોરે પોરબંદર એરફિલ્ડથી ઉડાન ભર્યાના થોડા જ સમય પછી ધારમપુર ગામ પાસે ખુલ્લા મેદાનમાં ક્રેશ થયું છે. જો કે, આમાં કોઈ જાનમાનને નુકસાન થયું નથી, જેથી રાહતનો શ્વાસ લેવામાં આવ્યો છે. આ મામલે ભારતીય નૌકાદળ દ્વારા સત્તાવાર રીતે જાણકારી પણ આપવામાં આવી છે. 

ડ્રોન વસ્તીવાળા વિસ્તારથી દૂર ખુલ્લા વિસ્તારમાં પડ્યું

આ સમગ્ર મામલે પોરબંદર જિલ્લા કલેક્ટર એસડી ધનાનીએ વિગતો આપતા જણાવ્યું કે, યૂએવી ધારમપુર ગામ પાસે ખુલ્લા મેદાનમાં ક્રેશ થયું છે. આ ઘટના પોરબંદર શહેરથી માત્ર છ કિમી દૂર જ ઘટી છે. ઘટનાની જાણ થતાની સાથે ભારતીય નૌકાદળના અધિકારીઓ સાથે અન્ય સંબંધીત ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ બાબતે આગળની તપાસ પણ શરૂ કરૂ દેવામાં આવી છે. વધુમાં જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે, આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. ડ્રોન વસ્તીવાળા વિસ્તારથી દૂર ખુલ્લા વિસ્તારમાં ક્રેશ થયું હતું, જેના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.

ભારતીય નૌકાદળે  ઘટનાની પુષ્ટિ કરી

આ ઘટનાની પુષ્ટિ કરતા ભારતીય નૌકાદળે એક્સ પર પોસ્ટ કરીને સત્તાવાર જાણકારી આપી છે. પોસ્ટમાં લખ્યું કે, બપોરે તાલીમ ઉડાન દરમિયાન પોરબંદર એરફિલ્ડ નજીક ક્રુ વગરનું એરિયલ વ્હીકલ દ્રષ્ટિ-૧૦ ક્રેશ થયું છે. જમીન પર કોઈને ઈજા કે જાનહાનિ થઈ નથી. ઘટનાના કારણની તપાસ કરવામાં આવી રહી છે.