સુરતઃ ડાયમન્ડ સિટિ અને ટેક્સટાઈલ્સ સિટી તરીકે જાણીતા સુરત શહેરની હાલત હાલમાં તો વૉટર સિટી જેવી થઈ ગઈ છે. મંગળવારે એક જ દિવસમાં શહેરમાં 14 ઇંચ કરતા વધારે પામી પડી જતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને લગભગ આખું સુરત પાણી પાણી થઈ ગયું છે. ખાસ કરીને ગરીબ ઘરના નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોની ઘરવખરી સહિતની વસ્તુઓ પણ પાણી તાણી ગયું છે. લોકો ઘુંટણસમા પાણીમા અછતો વચ્ચે જીવી રહ્યા છે ત્યારે અહીંના મહાનગરપાલિકાના પદાધિકારીઓનો નાસ્તાની જયાફતો ઉડાડતો એક વીડિયો બહાર આવ્યો છે, જેણે લોકોમાં રોષની લાગણી પેદા જન્માવી છે.
અહેવાલો દ્વારા મળતી વિગતો અનુસાર સુરત મહાનગરપાલિકાના તાપી ભવનમાં સમિતિના અધ્યક્ષ-ઉપાધ્યક્ષોની નિમણૂક બાદ યોજાયેલી નાસ્તા પાર્ટીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ ભવન સત્તાધારી પક્ષ ભાજપના કાર્યાલય કરતા માંડ 500 મીટર દૂર હોવાનું જાણવા મળ્યું હતું. અહીં તાપી ભવન ખાતે વિવિધ સમિતિઓના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષોની નિમણૂક બાદ ભાજપના હોદ્દેદારો, નવા પદાધિકારીઓ અને તેમના સમર્થકોની નાસ્તા પાર્ટીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
એક તરફ શહેર પાણીમાં ગરકાવ થઈ ગયા જેવી સ્થિતિમાં હતું, વીજસેવા ખોરવાઈ હતી, જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે ફાંફાં હતા. લોકો ફરિયાદો કરતા હતા કે મત માગવા આવનારા લોકો આવા સમયે ગાયબ થઈ ગયા અને મતદારોની મદદે આવ્યા ન હતા. આ મામલે પક્ષ તરફથી કોઈ સ્પષ્ટતા આવી નથી.