Wed Jul 08 2026

Logo

ઇરાન સાથે ડીલ સમાપ્ત કરવાની ટ્રમ્પની જાહેરાત, કહ્યુંઃ સીઝફાયર સમયની બરબાદી

Ankara   2026-07-08 15:24:33
Author: Mumbai Samachar Team
Article Image

અંકારા: તુર્કિયેની રાજધાની અંકારામાં આયોજિત નાટો (NATO) શિખર સંમેલન દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને લઈને મોટું નિવેદન આપ્યું છે. મીડિયા સાથેની વાતચીતમાં ટ્રમ્પે જણાવ્યું કે તેમનું માનવું છે કે ઈરાન સાથે થયેલ મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ (MoU) હવે ખતમ થઈ ગયું છે. તેમણે દાવો કર્યો કે તાજેતરના ઘટનાક્રમ બાદ બંને દેશો વચ્ચે થયેલા આ કરારનું હવે કોઈ મહત્વ રહ્યું નથી.

'મને લાગે છે MoUનો હવે કોઇ અર્થ નથી'

પત્રકારોના સવાલોના જવાબ આપતા ટ્રમ્પે કહ્યું, "મને લાગે છે કે MoU હવે ખતમ થઈ ગયું છે." આ દરમિયાન તેમણે ઈશારો કર્યો કે અમેરિકા અને ઈરાન વચ્ચે પરિસ્થિતિ એવા સ્તરે પહોંચી ગઈ છે કે બંને દેશો વચ્ચેના કરારનું ભવિષ્ય હવે સમાપ્ત માની લેવું જોઈએ. ટ્રમ્પે ઉમેર્યું, "અમે ગઈકાલે રાત્રે ઈરાનના અત્યંત ખતરનાક લોકો પર ખૂબ જ શક્તિશાળી હુમલો કર્યો." તેમણે આ કાર્યવાહીને અમેરિકાની સુરક્ષા માટે જરૂરી ગણાવતા કહ્યું કે આ ઓપરેશન પૂરી તાકાત સાથે પાર પાડવામાં આવ્યું હતું.

ટ્રમ્પે કહ્યું કે મેં ઈરાનીઓને કહી દીધું છે કે તમે જેટલી વાર હુમલો કરશો, અમે તેનાથી પણ વધુ મોટા હુમલા કરીશું. તેમણે કહ્યું કે ઈરાનીઓ ખરાબ છે અને તેઓ મારા પર પણ હુમલો કરી શકે છે. અમે તેમને પસંદ નથી કરતા. અમે ઈરાનને પરમાણુ વિહીન કરવા જઈ રહ્યા છીએ.

ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે અમે ગઈકાલે રાત્રે ઈરાન પર બહુ મોટો હુમલો કર્યો. ટ્રમ્પે નાટો (NATO) પર પણ નિશાન સાધ્યું અને કહ્યું કે હું નાટોથી ખુશ નથી. તેઓ નંબર વન રાજ્ય-પ્રાયોજિત આતંકી દેશ ઈરાન વિરુદ્ધ મદદ કરવા માંગતા નથી. ઈરાન સાથેના સહમતિ પત્ર (MoU) પર ટ્રમ્પે કહ્યું કે હું સમજું છું કે તે હવે ખતમ થઈ ગયું છે. ઈરાન સાથે ડીલ કરવી એ સમયની બરબાદી છે. આ પહેલા ઈરાનના વિદેશ મંત્રાલયે તેલ પ્રતિબંધોમાં મળેલી છૂટ રદ કરવાના અમેરિકાના નિર્ણયની આકરી નિંદા કરી છે. ઈરાને તેને ઈસ્લામાબાદ સમજૂતી પત્ર (મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ) ની કલમ 10 નું ગંભીર ઉલ્લંઘન ગણાવ્યું છે.

ઈરાને અમેરિકાને આપી ચેતવણી

સાથે જ, ઈરાને ચેતવણી આપી છે કે તે પોતાના રાષ્ટ્રીય હિતો અને રાષ્ટ્રીય સુરક્ષાના રક્ષણ માટે તમામ જરૂરી પગલાં લેશે. ઈરાનના વિદેશ મંત્રાલયે પોતાના એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે, "મંત્રાલય ઈરાની તેલ નિકાસ પરના પ્રતિબંધોમાં આપવામાં આવેલી અસ્થાયી રાહત પાછી ખેંચવાના અમેરિકી ટ્રેઝરી વિભાગના નિર્ણયની કડક શબ્દોમાં નિંદા કરે છે. મંત્રાલય આ પગલાંને 18 જૂન 2026ના રોજ થયેલા 'યુદ્ધ વિરામ કરાર'ની કલમ 10નું ગંભીર ઉલ્લંઘન માને છે. મંત્રાલય આ વચનભંગના કારણે આવનારા પરિણામો માટે અમેરિકી સરકારને સંપૂર્ણપણે જવાબદાર ઠેરવે છે."

ઈરાને અમેરિકાને કરારની યાદ અપાવી

18 જૂન 2026ના કરારની યાદ અપાવતા ઈરાનના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, "કરાર પર હસ્તાક્ષર થયા ત્યારથી ઈરાને સંપૂર્ણ ઈમાનદારીથી કામ કર્યું છે અને કરાર હેઠળની પોતાની જવાબદારીઓને પ્રમાણિકતાથી પૂરી કરવા માટે પોતાની પૂરી ક્ષમતાનો ઉપયોગ કર્યો છે. આમ છતાં, અમેરિકી સરકારે પોતાની જૂની આદત મુજબ, અલગ-અલગ બહાના બનાવીને પોતાની જવાબદારીઓના ઉલ્લંઘનને યોગ્ય ઠેરવવાનો પ્રયાસ કર્યો છે અને સાથે જ પોતાના વચનો પૂરા કરવામાં નિષ્ફળ રહી છે."