ટર્ન લેવા પૂરતી જગ્યા ન હોવાથી ડ્રાઈવરે બેદરકારીથી બસ રિવર્સ લીધી: ગંભીર જખમી રાહદારી હૉસ્પિટલમાં
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ભાંડુપમાં બનેલી વિચિત્ર ઘટનામાં રિવર્સમાં આવેલી બેસ્ટની બસ અને રસ્તાને કિનારે મુકાયેલા છોડના મોટા કૂંડા વચ્ચે રાહદારી ફસાઈ ગયો હતો. ટર્ન લેવા અપૂરતી જગ્યાને કારણે ડ્રાઈવરે બેદરકારીથી બસ રિવર્સ લેતાં આ ઘટના બની હતી. ફસાયેલા રાહદારીને કાઢવાના પ્રયાસમાં ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો, જેને કારણે બસે ત્રણ વાહનને અડફેટે લીધાં હતાં. ગંભીર રીતે ઘવાયેલા રાહદારીને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો.
ડીસીપી ઝોન ઈસ્ટ-3ના ડેપ્યુટી પોલીસ કમિશનર અભયસિંહ દેશમુખે જણાવ્યું હતું કે ભાંડુપ પશ્ર્ચિમમાં કોંકણ નગર ખાતેની ક્રિટી કૅર હૉસ્પિટલ પાસે બુધવારની સવારે 8.30 વાગ્યે બનેલી ઘટનામાં ઘવાયેલા રાહદારીની ઓળખ અતુલ અનંત પાડવે (43) તરીકે થઈ હતી. અતુલ કોંકણ નગરનો જ રહેવાસી છે અને સારવાર માટે તેને મુલુંડની અગ્રવાલ હૉસ્પિટલમાં લઈ જવાયો હતો.
ભાંડુપમાં BEST બસનો વધુ એક અકસ્માત! રાહદારી ગંભીર રીતે ઘાયલ
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) July 8, 2026
ભાંડુપમાં BEST બસે પેડેસ્ટ્રિયનને ટક્કર મારતાં એક વ્યક્તિ ઘાયલ થયો છે. ઘાયલને હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે અને તપાસ ચાલુ છે.#BhandupAccident #BESTBus #PedestrianInjured #MumbaiAccident #RoadSafety #BhandupNews… pic.twitter.com/Z2kohjlT6G
બેસ્ટના પ્રવક્તાએ આપેલી માહિતી અનુસાર એ-425 રૂટની એસી બસનો ડ્રાઈવર ઘટનાસ્થળે જમણે વળાંક લેવાનો પ્રયાસ કરતો હતો. સાંકડો માર્ગ અને બ્રિજના પિલરને કારણે ટર્ન લેવામાં મુશ્કેલી પડી હતી. પરિણામે તેણે બસ રિવર્સ લીધી હતી. એ જ સમયે બસના પાછળના ભાગમાંથી પસાર થનારા અતુલ સાથે બસ અથડાઈ હતી.
બસ અને રસ્તાને કિનારે મૂકેલા છોડના મોટા કૂંડા વચ્ચે અતુલ ફસાઈ ગયો હતો. ઘટનાને પગલે રાહદારીઓનું ટોળું ભેગું થઈ ગયું હતું ટોળાએ ધક્કો મારી બસને આગળની તરફ ધકેલી હતી અને અતુલને બહાર કાઢ્યો હતો.એ જ વખતે બસ ઝાટકા સાથે આગળની તરફ ધસી ગઈ હતી અને ડ્રાઈવરે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો. બસે નજીકમાં પાર્ક બે બાઈક અને એક રિક્ષાને ટક્કર મારી હતી. ત્રણેય વાહનને ખાસ્સું નુકસાન થયું હતું.
ઘટનામાં જખમી અતુલના બન્ને પગમાં ગંભીર ઇજા થઈ હતી, જેને કારણે તેના પગમાંથી લોહી વહેવા લાગ્યું હતું. સારવાર માટે તેને મુલુંડની અગ્રવાલ હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો. ઘટનાની નોંધ કરી ભાંડુપ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.