Fri Aug 21 2026

Logo

મહારાષ્ટ્રમાં મરાઠી નહીં આવડતાં 1,268 ડ્રાઇવરને નોટિસ: મહિનામાં ભાષા શીખવાનું ફરજિયાત

2026-08-20 21:42:00
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: મહારાષ્ટ્રમાં વ્યાવસાયિક રિક્ષા, ટેક્સી, કેબ ચલાવતા ડ્રાઇવરો માટે હવે વ્યાવહારિક મરાઠી ભાષાનું જ્ઞાન ફરજિયાત બનાવવામાં આવ્યું છે. મુસાફરો સાથે સરળતાથી સંવાદ સાધી શકાય અને મુસાફરી દરમિયાન તેમની સુવિધા તથા સુરક્ષા જળવાઈ રહે તે હેતુથી રાજ્ય પરિવહન વિભાગે આજથી સમગ્ર રાજ્યમાં તપાસ અભિયાન શરૂ કર્યું હતું અને અત્યાર સુધીમાં પરિવહન વિભાગે  રાજ્યના 1,268 ડ્રાઇવરોને નોટિસ ફટકારાઈ હતી.

તપાસ દરમિયાન જે ડ્રાઇવરોને વ્યવહારિક મરાઠી ભાષાનું પૂરતું જ્ઞાન ન હોવાનું જણાશે, તેમને નોટિસ ફટકારવામાં આવશે અને એક મહિનાની અંદર મરાઠી ભાષા શીખવી ફરજિયાત રહેશે. જો આ સમયમર્યાદા દરમિયાન ડ્રાઇવર જરૂરી ભાષાકૌશલ્ય પ્રાપ્ત નહીં કરે, તો તેનો ડ્રાઇવર બેજ ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવશે, તેવી માહિતી પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઈકે આપી છે.

મુંબઈ MMRમાં 3,995 ડ્રાઇવરની તપાસ

આજે મુંબઈ મહાનગર ક્ષેત્રમાં હાથ ધરાયેલી તપાસ દરમિયાન કુલ 3,995 વાહનચાલકોની તપાસ કરવામાં આવી હતી. તેમાંથી 604 ડ્રાઇવરોને વ્યવહારિક મરાઠીનું પૂરતું જ્ઞાન ન હોવાનું જણાયું, જેના પગલે તેમને નોટિસ ફટકારવામાં આવી છે.

બીજી તરફ, મુંબઈ સિવાય રાજ્યના અન્ય વિસ્તારોમાં અત્યાર સુધી 4,222 ડ્રાઇવરોની તપાસ કરવામાં આવી છે. તેમાંથી 664 ડ્રાઇવરોને નોટિસ આપવામાં આવી છે. આ રીતે મુંબઈ મહાનગર ક્ષેત્ર અને રાજ્યના અન્ય વિસ્તારોને મળીને અત્યાર સુધી કુલ 8,217 ડ્રાઇવરોની તપાસ થઈ છે અને 1,268 ડ્રાઇવરોને નોટિસ આપવામાં આવી છે.

મહિનામાં મરાઠી શીખવાની તક

પરિવહન વિભાગના જણાવ્યા મુજબ, મરાઠી ભાષાનું પૂરતું જ્ઞાન ન ધરાવતા ડ્રાઇવરોને તાત્કાલિક બેજ સસ્પેન્ડ કરવાની જગ્યાએ સુધારાની તક આપવામાં આવશે. નોટિસ મળ્યા બાદ તેમને એક મહિનાનો સમય આપવામાં આવશે, જેથી તેઓ વ્યવહારિક મરાઠી શીખી શકે. પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઈકે જણાવ્યું કે મહારાષ્ટ્રમાં વ્યવસાય કરતા અને મુસાફરો સાથે સીધો સંપર્ક ધરાવતા વ્યાવસાયિક વાહનચાલકો માટે વ્યવહારિક મરાઠીનું જ્ઞાન માત્ર નિયમનો મુદ્દો નથી, પરંતુ તે મુસાફરોની સુવિધા અને સુરક્ષા સાથે પણ જોડાયેલો મુદ્દો છે.

30 સપ્ટેમ્બર સુધી તપાસ અભિયાન

રાજ્યમાં શરૂ કરવામાં આવેલી આ તપાસ ઝુંબેશ 30 સપ્ટેમ્બર 2026 સુધી ચાલુ રહેશે. આ દરમિયાન પરિવહન વિભાગ દ્વારા વાહનચાલકોના વ્યવહારિક મરાઠી ભાષાના જ્ઞાનની ચકાસણી કરવામાં આવશે. જેઓને ભાષાનું પૂરતું જ્ઞાન નહીં હોય તેમને સુધારાની તક આપવામાં આવશે. જોકે, એક મહિનાની સમયમર્યાદા પૂરી થયા બાદ પણ નિયમોનું પાલન નહીં કરનારા ડ્રાઇવરો સામે કાર્યવાહી કરવામાં આવશે અને તેમનો બેજ ત્રણ મહિના માટે સસ્પેન્ડ થઈ શકે છે.

‘મરાઠી શીખવાની તક છે, નિયમ ટાળવાની છૂટ નથી’

પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઈકે સ્પષ્ટ સંદેશ આપતા જણાવ્યું કે ડ્રાઇવરોને મરાઠી શીખવા માટે પૂરતો સમય આપવામાં આવી રહ્યો છે, પરંતુ નિયમનું પાલન ન કરવાની છૂટ આપવામાં આવશે નહીં. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, “મરાઠી શીખવા માટે તક છે, નિયમ ટાળવા માટે છૂટ નથી.”

પરિવહન વિભાગનું કહેવું છે કે વ્યાવસાયિક વાહનચાલકો મુસાફરો સાથે સીધા સંપર્કમાં રહે છે. આવી સ્થિતિમાં ડ્રાઇવર અને મુસાફર વચ્ચે સરળ સંવાદ થઈ શકે તે માટે વ્યવહારિક મરાઠીનું જ્ઞાન ઉપયોગી સાબિત થઈ શકે છે. રાજ્યભરમાં 30 સપ્ટેમ્બર સુધી ચાલનારી તપાસ બાદ નિયમોનું પાલન ન કરનારા ડ્રાઇવરો વિરુદ્ધ આગળની કાર્યવાહી કરવામાં આવશે.