શનિવાર બપોરના ત્રણ વાગ્યા સુધી ૩૬,૦૦૦થી વધુ મૂર્તિના વિસર્જન
૧૦ દિવસમાં ૧,૯૯,૧૮૫ મૂર્તિના વિસર્જન
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈગરાએ ધૂમધામથી ઢોલતાશા સાથે ‘ગણપતિ બાપ્પા મોર્યા, અગલે બરસથી જલદી આ’ના ગગનભેદી નારા સાથે ગણપતિબાપ્પાને ભાવભીની વિદાય આપી હતી. મુંબઈમાં શુક્રવારે અનંત ચતુર્દશીના શરૂ થયલું ગણેશવિસર્જન શનિવારે બપોર સુધી એટલે કે ૩૦ કલાકથી પણ વધુ સમય ચાલ્યું હતું. ગણેશોત્સવના ૧૦ દિવસમાં કુલ ૧,૯૯,૨૧૩ મૂર્તિના વિસર્જન થયા હતા. કોઈ પણ જાતના અનુચિત બનાવ વગર મુંબઈમાં શાંતિપૂર્વક ગણેશવિસર્જન પાર પડતાં મુંબઈ મહાનગરપાલિકા સહિત મુંબઈ પોલીસે રાહત અનુભવી હતી.
અનંત ચતુર્દશીના દિવસે વહેલી સવારથી ગણેશ વિસર્જન માટેની શોભાયાત્રાઓ શરૂ થઈ હતી, જેમાં કાલાચોકીના મહારાજાની વિસર્જન યાત્રા વહેલી સવારના નીકળ્યા બાદ ગણેશગલીના પ્રખ્યાત લાલબાગ સાર્વજનિક ઉત્સવ મંડળના ‘મુંબઈચા રાજા’ની શોભાયાત્રા નીકળી હતી. એ બાદ લાલબાગચા રાજા તેમના મંડપમાંથી બહાર નીકળ્યા હતા. દિવસ દરમ્યાન લાલબાગ, પરેલ, ગિરગાંવ અને મુંબઈના ઉપનગરોમાંથી અન્ય પ્રમુખ ગણેશ મૂર્તિઓની શોભાયાત્રાઓ પણ નીકળી હતી. મુંબઈના ગિરગાંવ ચોપાટી, દાદર, જૂહુ ચોપાટી સહિત અનેક વિસર્જન સ્થળે લાખોની સંખ્યામાં ગણેશભક્તો પોતાના લાડલા ગણપતિબાપ્પાને વિદાય આપવા ઊમટી પડ્યા હતા. શુક્રવારથી સવારથી શરૂ થયેલું ગણેશ વિસર્જન છેક બીજા દિવસે એટલે કે શનિવાર બપોર સુધી ચાલ્યું હતું.
શનિવારના બપોરના ત્રણ વાગ્યા સુધીમાં જુદા જુદા વિર્સજન ઘાટ સહિત કૃત્રિમ તળાવમાં ૩૬,૧૨૮ ગણેશમૂર્તિના વિસર્જન થયા હતા, જેમાં ગિરગાંવ ચોપાટી પર શનિવારે સવારના પણ અનેક ગણેશમંડળોની મોટી ગણેશમૂર્તિઓ વિસર્જન માટે લાઈનમાં ઊભી હતી, જેના વિસર્જન થવામાં છેક બપોર થઈ ગઈ હતી. છતાં મોટી સંખ્યામાં ગણેશભક્તોએ ગિરગાંવ ચોપાટી પર ગણપતિબાપ્પા મોર્યા સાથે તેમની વિદાય આપવા માટે કલાકો સુધી બેસી રહ્યા હતા.
બોકસ
૧૦ દિવસમાં એક લાખથી વધુ મૂર્તિના વિસર્જન
ગણેશોત્સવ દરમ્યાન આ વર્ષે કુલ ૧,૯૯,૧૮૫ મૂર્તિના વિસર્જન થયા હતા, જેમાં સાર્વજનિક ગણેશ મંડળોની ૧૦,૪૨૧, ઘરની ૧,૮૨,૦૨૯, ગૌરી-હરતાલિકા ૬,૭૩૪ મૂર્તિનો સમાવેશ થાય છે, જેમાં મુંબઈમાં શુક્રવારથી શનિવાર સાંજ સુધીમાં, ગિરગાંવ, દાદર અને જુહુ ચોપાટી સહિત સમગ્ર શહેરમાં ૭,૦૨૫ સાર્વજનિક મૂર્તિઓ, ૨૮,૬૫૫ ઘરની મૂર્તિ અને ૫૬૦ ગૌરી-હરતાલિકા મૂર્તિ સહિત કુલ ૩૬,૨૪૦ મૂર્તિઓના કૃત્રિમ તળાવો તથા કુદરતી જળાશયોમાં વિસર્જન કરવામાં આવ્યું હતું.
બોકસ
કૃત્રિમ તળાવ ભક્તોની પસંદગી
મુંબઈમાં આ વર્ષે પણ કૃત્રિમ તળાવમાં ગણેશમૂર્તિનું વિસર્જનનું પ્રમાણ વધુ રહ્યું હતું. મુંબઈમાં ૬૭ નૈસર્ગિક વિસર્જન સ્થળ અને ૨૭૮ ઠેકાણે ૩૮૨થી વધુ કૃત્રિમ તળાવ ઉપલબ્ધ કરી આપવામાં આવ્યા હતા. હાઈ કોર્ટના નિર્દેશ અનુસાર છ ફૂટથી ઊંચી ગણેશમૂર્તિના વિસર્જન કૃત્રિમ તળાવમાં કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
બોકસ
૯૩૪.૨૬ મેટ્રિક ટન નિર્માલ્ય જમા
પાલિકાના ઘન કચરા વ્યવસ્થાપન વિભાગે ગણેશોત્સવ દરમિયાન ‘નિર્માલ્ય’ (ફૂલ અને પૂજા-અર્ચનાની અન્ય સામગ્રી) એકત્રિત કરવા માટે વિશેષ વ્યવસ્થા કરી હતી. પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું કે સાર્વજનિક ગણેશ મંડળો પાસેથી એકત્રિત કરાયેલા નિર્માલ્ય પર યોગ્ય પ્રક્રિયા કરવામાં આવી રહી છે. મુંબઈભરમાં વિવિધ વિસર્જન સ્થળોએ કુલ ૬૧૩ નિર્માલ્ય કળશ (સંગ્રહ પાત્રો) અને ૮૩૮ સમર્પિત નિર્માલ્ય વાહનો તહેનાત કરવામાં આવ્યા હતા. કુલ ૯૩૪.૨૬ મેટ્રિક ટન નિર્માલ્ય એકત્રિત કરવામાં આવ્યું હતું.
બોકસ
ગિરગાંવ ચોપાટી પર ખાસ વ્યવસ્થા
ગણેશમૂર્તિના વિસર્જન નિર્વિઘ્ન પાર પાડવા માટે પાલિકાના ૨૫,૦૦૦થી વધુ કર્મચારી-અધિકારીઓ ફરજ પર તહેનાત હતા. વિવિધ વિસર્જન સ્થળે ૧,૧૯૪ સ્ટીલ પ્લેટ, ૨૩ જમર્ન તરાફા, ૩૪ ક્રેન, ૮૫ એમ્બ્યુલન્સ અને ૧૦ મોટરબોટ પણ સજ્જ રાખવામાં આવી હતી. નાગરિકોની સુરક્ષા માટે ૧,૧૩૨ લાઈફગાર્ડ તહેનાત કરવામાં આવ્યા હતા. વિસર્જન સ્થળે રાતના સમયે ભક્તો માટે ૬,૦૫૨ ફ્લડલાઈટ અને સર્ચલાઈટની વ્યવસ્થા કરવામાં આવી હતી. ભીડનું નિયંત્રણ કરવા અને નાગરિકોને માર્ગદર્શન આપવા ૨૬૧ સ્વાગત કક્ષ, ૨૨૮ કંટ્રોલ રૂમ અને ૭૫ વોચ ટાવર ઊભા કરવામાં આવ્યા હતા.
બોકસ
ગિરગાંવ ચોપાટી પર ખાસ વ્યવસ્થા
અનંત ચતુર્દશી માટે ગિરગાંવ ચોપાટી પર ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં અહીં ૧૨ કૃત્રિમ તળાવ, ૨૦ વોચ ટાવર, ૨૨ તરાફા, ૯૦ શૌચાલય અને ૨,૦૦૦ મનુષ્યબળ તહેનાત કરવામાં આવ્યું હતું. એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ત્રણ એમ્બ્યુલન્સ, ૫૪૮ ફ્લડલાઈટ, ૧૧ સર્ચલાઈટની વ્યવસ્થા સાથે જ પાર્કિંગની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરવામાં આવી હતી. સાર્વજનિક ગણેશમંડળોના ૭૨૫ સ્વયંસેવકોને ફર્સ્ટ રિસ્પોન્સ ઈમરજન્સી મેનેજમેન્ટની ટ્રેનિંગ આપવામાં આવી હતી. પાલિકાના કર્મચારીની સાથે મુંબઈ પોલીસ, ડિઝાસ્ટર કંટ્રોલ, બેસ્ટ, મુંબઈ ફાયરબિગ્રેડ, આરોગ્ય વિભાગ, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટુકડી પણ તહેનાત કરવામાં આવી હતી.
બોકસ
કોર્ટના નિયમનું ઉલ્લંઘન
મુંબઈમાં લગભગ ૧૨,૦૦૦થી વધુ સાર્વજનિક ગણેશમંડળો આવેલા છે. મોટાભાગના મંડળોએ શુક્રવારે તેમના બાપ્પાનું વિસર્જન કર્યું હતું. વિસર્જનના દિવસે ઢોલ-તાશા, ફટાકડા, આતિશબાજી, ગુલાલની સાથે ડીજેનો ઘોંઘાટ રહ્યો હતો. પ્રદૂષણને મુદ્દે મુંબઈ હાઈ કોર્ટે ગણેશોત્સવ સહિત તમામ ધર્મના ઉત્સવોને અને શોભાયાત્રામાં ધ્વનિ અને વાયુ પ્રદૂષણરોકવા માટે સાર્વજનિક ઠેકાણે સહિત રસ્તા પર ફટાકડા, ડીજે, લેઝર લાઈટ, બીમ્સ વગેરેના વપરાશ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો હતો. છતાં મુંબઈમાં અનેક જગ્યાએ આ નિયમોનું ઉલ્લંઘન થયું હોવાનું જણાઈ આવ્યું હતું.
બોકસ
‘એક ગણપતિ, એક ઝાડ’ ઉપક્રમ
મુંબઈના મેયર રિતુ તાવડે દ્વારા કલ્પના કરવામાં આવેલી ‘એક ગણપતિ, એક વૃક્ષ’ પહેલ હેઠળ શનિવારે ભાયખલામાં રાણીબાગ સ્થિત મેયરના બંગલામાં ‘શાડુ’ (માટી)ની ગણેશ પ્રતિમાના વિસર્જન બાદ બાકી રહેલી માટી અને પાણીનો ઉપયોગ કરીને એક છોડ વાવ્યો અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. પર્યાવરણપૂરક ગણેશમૂર્તિ માટે મૂર્તિકારોને ૯૪૦ મેટ્રિક ટનથી વધુ માટી મફત આપવામાં આવી હતી. તેમ જ આ વર્ષે ૨૫,૪૦૦ લિટર પર્યાવરણ અનુરૂપ રંગ મફત આપવામાં આવ્યો હતો.