Mon Oct 12 2026

Logo

ChatGPT પર ભૂલથી પણ શેર ન કરતાં આ 5 બાબતો! થઈ શકે છે જેલ, આર્થિક નુકસાન કે જીવનું જોખમ

2026-09-27 14:02:00
Author: Darshana Visaria
ChatGPT પર ભૂલથી પણ શેર ન કરતાં આ 5 બાબતો! થઈ શકે છે જેલ, આર્થિક નુકસાન કે જીવનું જોખમ

આજના આધુનિક ડિજિટલ યુગમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને ચેટબોટ્સ રોજિંદા જીવનનો મહત્વનો હિસ્સો બની ગયા છે. અભ્યાસ, રિસર્ચ, કોડિંગ, કન્ટેન્ટ રાઇટિંગ અને ઓફિસ વર્કમાં ChatGPT જેવા ટૂલ્સ લોકોનું કામ ઘણું સરળ બનાવી રહ્યા છે. પરંતુ સુવિધાની સાથે જો સાવચેતી ન રાખવામાં આવે તો તે ભારે મુશ્કેલી પણ નોતરી શકે છે. ચાલો જોઈએ કઈ છે આ ભૂલો કે જે કરવાથી બચવું જોઈએ...

આજકાલ જમાનો ડિજિટલ અને ટેક્નોલોજીનો છે અને આપણામાંથી મોટાભાગનો લોકો પોતાની સમસ્યાનું સમાધાન મેળવવા માટે ગૂગલ કે પછી એઆઈ તેમ જ ચેટબોટ્સની મદદ લઈ રહ્યા છે. જોકે, ઘણી વખત ચેટબોટ્સ સાથે દરેક પ્રકારની અંગત કે સંવેદનશીલ વિગતો શેર કરવી સુરક્ષિત નથી. અહેવાલો મુજબ, કેટલીક બાબતો એવી છે જેમાં એઆઈ પર સંપૂર્ણ નિર્ભર રહેવાથી કાનૂની વિવાદ, આરોગ્યનું મોટું જોખમ કે પ્રાઈવસી લીક જેવી ગંભીર સમસ્યાઓ સર્જાઈ શકે છે.

માનસિક તણાવ કે ડિપ્રેશનમાં પ્રોફેશનલ થેરાપિસ્ટનો વિકલ્પ નથી:
મુશ્કેલ સમયમાં AI સાથે મનની વાત કરવી સહજ લાગે છે, પરંતુ તે કોઈ પ્રોફેશનલ કાઉન્સિલર કે મનોચિકિત્સક નથી. સંશોધનો દર્શાવે છે કે ચેટબોટ યુઝરના પૂર્વગ્રહયુક્ત કે નકારાત્મક વિચારોને પડકારવાને બદલે તેને વધુ ગાઢ બનાવી શકે છે. ગંભીર માનસિક તણાવ, આત્મહત્યાના વિચારો કે ડિપ્રેશનના કિસ્સામાં AI પર આધાર રાખવાને બદલે હંમેશાં માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાત (સાયકિયાટ્રિસ્ટ) કે હેલ્પલાઇનનો જ સંપર્ક કરવો જોઈએ.

કાનૂની સલાહ કે કોર્ટ કેસ માટે AI પર નિર્ભરતા ટાળો:
કાનૂની બાબતોમાં ChatGPT ક્યારેય વકીલનું સ્થાન લઈ શકતો નથી. ઘણી વખત AI એવા નકલી કેસો અને અસ્તિત્વમાં ન હોય તેવી કલમો બનાવી દે છે (AI Hallucination). વૈશ્વિક સ્તરે 2,000થી વધુ એવા કેસ નોંધાયા છે જ્યાં AIની ખોટી દલીલોને કારણે કોર્ટમાં પક્ષકારોને દંડ કે શરમજનક સ્થિતિનો સામનો કરવો પડ્યો છે. કાયદાની સામાન્ય સમજ મેળવવી અલગ વાત છે, પરંતુ ચાલુ કેસની ફાઇલો, સંવેદનશીલ દસ્તાવેજો કે વિવાદોની વિગતો AI સાથે શેર ન કરવી જોઈએ.

બીમારીનું નિદાન, દવા અને ડાયેટ જાતે નક્કી ન કરો:
માત્ર લક્ષણોના આધારે કોઈ રોગનું નિદાન કરવું કે દવા-ડાયેટ શરૂ કરી દેવું અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. એક દર્દીએ મીઠામાંથી ક્લોરાઇડ ઘટાડવા માટે AIની ખોટી સલાહ માનીને ઝેરી ગણાતા સોડિયમ બ્રોમાઇડનું સેવન કર્યું હતું, જેના કારણે તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. કોઈ મેડિકલ ટર્મ સમજવા માટે AI ઉપયોગી છે, પરંતુ સારવાર અને પ્રિસ્ક્રિપ્શન માત્ર સર્ટિફાઇડ ડૉક્ટર પાસેથી જ લેવા જોઈએ.


વાત કરીએ કે એઆઈ પર કઈ ભૂલો કરવાથી બચવું જોઈએ એની તો ક્યારેય કંપનીના કોન્ફિડેન્શિયલ દસ્તાવેજો, સોર્સ કોડ, ગ્રાહકોનો ડેટા કે NDA (નોન-ડિસ્ક્લોઝર એગ્રીમેન્ટ) હેઠળ આવતી ગુપ્ત માહિતી ChatGPT માં પેસ્ટ કરવી નોકરી અને કંપની બંને માટે જોખમી છે. તાજેતરમાં જ સેમસંગના એન્જિનિયરોએ કંપનીનો ઇન્ટરનલ સોર્સ કોડ AI ટૂલમાં નાખ્યા બાદ ડેટા લીક થતાં કંપનીએ ઓફિશિયલ ડિવાઇસિસ પર જનરેટિવ AIના ઉપયોગ પર કડક પ્રતિબંધ મૂકવો પડ્યો હતો.

આ ઉપરાંત પાસવર્ડ, ઓટીપી (OTP), બેંક એકાઉન્ટ નંબર, ડેબિટ/ક્રેડિટ કાર્ડ વિગતો, પાસપોર્ટ નંબર કે કોઈપણ સરકારી ઓળખપત્રના ફોટો AI ચેટબોટમાં અપલોડ કરવા નહીં. અગાઉ ચેટબોટની કન્વર્સેશન લિંક્સ ગૂગલ સર્ચ રિઝલ્ટમાં ખુલ્લી પડી ગઈ હોવાના કિસ્સા પણ સામે આવી ચૂક્યા છે, જેથી તમારી નાનકડી બેદરકારી મોટો સાયબર ફ્રોડ નોતરી શકે છે.