ભુજ: ગાંધીધામના ભારતનગરમાં આવેલા સોનલનગર વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક ભાડાના મકાનમાં એકલી રહેતી અને જાણીતા જ્વેલરી શો-રૂમમાં નોકરી કરતી ૨૪ વર્ષીય યુવતીનો કોહવાઈ ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવતાં વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
કોણ છે આ યુવતી
મૂળ મધ્યપ્રદેશની વતની અને મૃતક મીનાક્ષી (પુત્રી લાલસિંહ પરિહાર) સોનલનગરમાં ભાડાના મકાનમાં એકલી રહીને જ્વેલરી શો-રૂમમાં નોકરી કરતી હતી. મકાનમાંથી અસહ્ય દુર્ગંધ આવવા લાગતાં આસપાસના પડોશીઓએ તાત્કાલિક '૧૧૨ જનરક્ષક સેવા'ને જાણ કરી હતી. બનાવની માહિતી મળતાં જ ગાંધીધામ 'એ' ડિવિઝન પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને દરવાજો ખોલી તપાસ હાથ ધરી હતી.
પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ, મૃતદેહ છેલ્લા ત્રણ-ચાર દિવસથી ઘરમાં પડ્યો હોવાથી ભારે ડીકમ્પોઝ થઈ ગયો હતો. 'એ' ડિવિઝન પોલીસ ઈન્સ્પેક્ટર એમ.જે. રાઠોડના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં ઘરમાં કોઈ ચોરી કે લૂંટ ચલાવાઈ હોવાના એંધાણ મળ્યા નથી. મૃતદેહ અત્યંત વિકૃત થઈ ગયો હોવાથી શરીર પર કોઈ ઈજાના નિશાન છે કે નહીં તે સ્પષ્ટ થઈ શક્યું નથી.
પોલીસે મોતના સાચા કારણનું સચોટ નિદાન મેળવવા માટે મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે જામનગર મોકલવાની તજવીજ હાથ ધરી છે અને આગળની વિધિવત તપાસ શરૂ કરી છે.
(ઉત્સવ વૈદ્ય)