Fri Sep 04 2026

Logo

ઑનલાઇન ગૅમિંગ, ક્રિકેટ બૅટિંગને નામે છેતરપિંડી માટે મ્યુલ અકાઉન્ટ્સ પૂરાં પાડનારી ગેન્ગ ઝડપાઇ

2026-08-21 08:22:51
Author: Yogesh D. Patel
ઑનલાઇન ગૅમિંગ, ક્રિકેટ બૅટિંગને નામે છેતરપિંડી માટે મ્યુલ અકાઉન્ટ્સ પૂરાં પાડનારી ગેન્ગ ઝડપાઇ

110માંથી 17 બૅંક ખાતાંમાં બે મહિનામાં 25.45 કરોડના વ્યવહાર થયા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ઑનલાઇન ગૅમિંગ, ક્રિકેટ બૅટિંગ તેમ જ કસિનોના નામે છેતરપિંડી આચરવા માટે મ્યુલ અકાઉન્ટ્સ પૂરાં પાડનારી આંતરરાજ્ય ટોળકીના ત્રણ સભ્યની ડોંગરી પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે તપાસ દરમિયાન સીઝ કરેલા 110 બૅંક ખાતાંમાંથી 17 બૅંક ખાતાંમાં બે મહિનામાં 25.45 કરોડ રૂપિયાના વ્યવહાર થયા હોવાનું જાણવા મળ્યું હતું. 

ડોંગરી પોલીસે સેન્ડહર્સ્ટ રોડ સ્ટેશન નજીકથી ધરપકડ કરેલા આરોપીની ઓળખ મધ્ય પ્રદેશના નિખિલ કમલકુમાર જસવાની (28), રાહુલ શ્યામલાલ પરવાની (32) અને જય બિહારીલાલ તીરથાની (26) તરીકે થઇ હતી. પોલીસે ગુનામાં સંડોવાયેલા અન્ય પાંચ ફરાર આરોપીને ઓળખી કાઢ્યા છે, જેમાં માનખુર્દમાં રહેનારી જ્યોતિ પાટીલ, જય ડોંગરે અને નિશા ડોંગરેને ભારતીય ન્યાય સુરક્ષા સંહિતાની  કલમ 35 (3) હેઠળ નોટિસ આપવામાં આવી હતી. 

પોલીસે ત્રણેય આરોપી પાસેથી 70 ડેબિટ કાર્ડ, વિવિધ બૅંકની 42 પાસબૂક, 23 મોબાઇલ, ત્રણ લેપટોપ, 12 બૅંક કિટ અને કાર સહિત પચાસ લાખ રૂપિયાની મતા જપ્ત કરવામાં આવી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું. 

ડોંગરી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર કાનવડેને 29 જુલાઇ, 2026ના રોજ માહિતી મળી હતી કે મુંબઈમાં અલગ અલગ બૅંકમાં ખોલવામાં આવેલા ખાતાંની માહિતી અને સિમકાર્ડ સેન્ડહર્સ્ટ રોડ રેલવે સ્ટેશન નજીક એક વ્યક્તિ પાસે લાવવામાં આવે છે અને તેને એક્ટિવ કર્યા બાદ અન્યત્ર મોકલવામાં આવે છે. આવા બૅંક ખાતાંનો ઉપયોગ ઑનલાઇન ગૅમિંગ અને સાયબર ફ્રોડ માટે થાય છે. આ માહિતી મળ્યા બાદ ઘટનાસ્થળે જઇને નિખિલ જસવાનીને તાબામાં લીધો હતો અને તેની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે બાદમાં નિખિલ જસવાનીના બે સાથીદારને પણ ઝડપી પાડીને લોકઅપભેગા કરી દીધા હતા. ગુનાની તપાસનો રેલો ડોંગરી ઉપરાંત નવી મુંબઈના બેલાપુર, પનવેલ અને ઉસ્માનાબાદ સુધી પહોંચ્યો હતો.

પોલીસે જણાવ્યું હતું કે આર્થિક રીતે જરૂરતમંદો, ગરીબોને નજીવી આર્થિક મદદ કરીને તેમના નામે બૅંક ખાતાં ખોલવાં, તે ખાતાંની પાસબૂક, ડેબિટ કાર્ડ, ચેકબૂક અને સિમકાર્ડ કબજે લઇને સાયબર ઠગાઇ માટે તેનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.

પોલીસે સીઝ કરેલા 110 બૅંક ખાતાંમાંથી 17 ખાતાંની માહિતી સંબંધિત બૅંક પાસેથી મગાવી હતી અને તેમાં કરાયેલા આર્થિક વ્યવહારો તથા અન્ય બાબતોની તપાસ કરતાં વિવિધ રાજ્યોમાં 38 સાયબર ગુના/ફરિયાદોે દાખલ હોવાનું જાણવા મળ્યું હતું. આ ગુના મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગણા, દિલ્હી, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, કેરલમ, તમિળનાડુ, ગુજરાત, જમ્મુ-કાશ્મીર, પશ્ર્ચિમ બંગાળમાં દાખલ હોવાનું પોલીસે જણાવ્યું હતું.