Wed Sep 02 2026

Logo

'લાઈફલાઈન' બની 'અસુરક્ષિત'?: ચાલતી ટ્રેનના દિવ્યાંગ કોચમાંથી વૃદ્ધ પ્રવાસીને ફેંકી દીધો, જાણો કોણ છે આરોપી?

2026-08-20 21:06:54
Author: Mumbai Samachar Team
'લાઈફલાઈન' બની 'અસુરક્ષિત'?: ચાલતી ટ્રેનના દિવ્યાંગ કોચમાંથી વૃદ્ધ પ્રવાસીને ફેંકી દીધો, જાણો કોણ છે આરોપી?

(અમારા પ્રતિનિધિ તરફથી) 

મુંબઈ:
પશ્ચિમ રેલવેમાં 'ચાકુકાંડ'થી ડઘાયેલા મુંબઈગરાઓને માંડ હાશકારો અનુભવ્યો છે ત્યારે જ ફરી મુંબઈની 'લાઈફલાઈન' ગણાતી લોકલ ટ્રેનના દિવ્યાંગ કોચમાંથી એક પ્રવાસીએ વૃદ્ધ પ્રવાસીને ચાલતી ટ્રેનમાંથી ફેંકી દેવાથી મૃત્યુ થયું હતું. મુંબઈ સબર્બન રેલવેમાં ત્રણ મહિનામાં બીજો હિંસક બનાવ બનતા પ્રવાસીઓની સુરક્ષા મુદ્દે ગંભીર સવાલો ઊભા થયા છે.

ધોળે દિવસ બનાવ બનતા ચકચાર

પોલીસના અહેવાલ અનુસાર ઘટના આજે ધોળે દિવસે લોકલ ટ્રેનમાં બનાવ બન્યો હતો. 20 ઓગસ્ટ 2026ના બપોરે આશરે 1.24 વાગ્યે બની હતી. ચર્ચગેટથી બોરીવલી તરફ જતી સ્લો લોકલ (ટ્રેન નંબર 90467) બાંદ્રા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પર જઈ રહી હતી ત્યારે ટ્રેનમાં (કોચ નંબર 1508C) હાજર મુસાફરોએ રેલવે કર્મચારીઓને માહિતી આપી હતી કે બાંદ્રા અને માહિમ વચ્ચે ચાલતી ટ્રેનમાંથી એક મુસાફરને ધક્કો મારવામાં આવ્યો હતો. 

ભાભા હોસ્પિટલમાં મૃત જાહેર કર્યો

આ બનાવની માહિતી મળતાં સબ-ઇન્સ્પેક્ટર અરુણ કુમાર પાંડે પોલીસ સ્ટાફ સાથે બાંદ્રા અને માહિમ વચ્ચેના કિલોમીટર નંબર 14/03 નજીક પહોંચ્યા હતા. ત્યાં એક વ્યક્તિ બેભાન હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે તેને સારવાર માટે ખસેડ્યો હતો અને આશરે બપોરે 2.45 વાગ્યે ભાભા હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો. જોકે, સારવાર દરમિયાન તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. 

શેખે પીરિસને ટ્રેનમાંથી ધક્કો માર્યો

બનાવ અંગે રેલવે પોલીસે વધુમાં જણાવ્યું હતું કે આજે ચર્ચગેટ જતી લોકલ ટ્રેન માહિમ અને બાંદ્રા સ્ટેશન વચ્ચેથી પસાર થઈ રહી હતી ત્યારે બપોરે 1:23 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. દિવ્યાંગો માટે અનામત ડબ્બામાં સીટ બાબતે પ્રવાસી વચ્ચે વિવાદ થયો હતો, જે વિવાદ વકરતા ટ્રેનમાંથી ફેંકી દેવામાં આવ્યો હતો. મૃતકની ઓળખ કેજિટન પોલ ડેનિસ પીરિસ (62 વર્ષ રહેવાસી, સાંતાક્રૂઝ પૂર્વ તરીકે કરવામાં આવી છે. 62 વર્ષના વૃદ્ધ પ્રવાસી અને અમજદ શેખ વચ્ચે ઝઘડો થયો હતો. શાબ્દિક ઝઘડો શારીરિક ઝઘડામાં પરિણમ્યો હતો. ઝપાઝપી દરમિયાન શેખે પીરિસને ધક્કો માર્યો, જેના કારણે તે ચાલતી ટ્રેનમાંથી પડી ગયો હતો.

માનસિક અસ્થિરતા દેખાડી પોલીસને ભ્રમિત કરવાનો પ્રયત્ન 

ઘટના બાદ સરકારી રેલવે પોલીસ (GRP)એ આરોપી (અમજદ સફરુદ્દીન શેખ, ઉંમર 48 વર્ષ)ને પૂછપરછ માટે કસ્ટડીમાં લીધો હતો. પ્રાથમિક પૂછપરછ દરમિયાન શેખે  શરૂઆતમાં બચવા માટે માનસિક તકલીફ હોવાનો તેમજ ભૂતપ્રેતની અસર હોવાનો ઢોંગ કર્યો હતો અને કહ્યું કે એક કાગડો ટ્રેનના કોચમાં આવી રહ્યો હતો. કાગડાને ભગાડવાનો પ્રયાસ કરતી વખતે સામેના મુસાફરને ધક્કો લાગી ગયો હતો. પોલીસને તેના ગર્દુલ્લા હોવાની શંકા ગઈ અને  શરૂઆતમાં હત્યાના પ્રયાસમાં અટકાયત કરાઇ હતી પરંતુ પ્રવાસીનું મૃત્યુ નિપજતા આ હત્યાના ગુનામાં પરિણમ્યો હતો.  પોલીસના જણાવ્યા મુજબ તેણે પોતાનું સરનામું ચર્ચગેટ (પૂર્વ)માં ચર્ચગેટ દરગાહ નજીક ફૂટપાથ હોવાનું જણાવ્યું છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન શેખે જણાવ્યું હતું કે  હોવાનો દાવો કર્યો હતો. જોકે, પોલીસ હજુ આ નિવેદનની ચકાસણી કરી રહી છે. મુસાફરને ખરેખર અકસ્માતે ધક્કો લાગ્યો હતો કે અન્ય કોઈ કારણસર તે ટ્રેનમાંથી નીચે પડ્યો હતો તેના અંગે તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

BNSની કલમ 103 હેઠળ કેસની કાર્યવાહી

પોલીસ અહેવાલ મુજબ, ઘટનામાં અમજદ શેખ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 103 હેઠળ કેસ નોંધવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન, ઘટનાની તપાસ માટે ફોરેન્સિક ટીમને ઘટનાસ્થળે બોલાવવામાં આવી છે. બાંદ્રા GRPના ઇન્સ્પેક્ટરે પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી છે. પોલીસ દ્વારા ઘટનાસ્થળની તપાસ, સાક્ષીઓના નિવેદનો અને અન્ય ઉપલબ્ધ પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી ચાલુ છે. બાંદ્રા GRP દ્વારા સમગ્ર મામલાની વધુ તપાસ કરવામાં આવી રહી છે.

પ્રવાસીઓની સુરક્ષા મુદ્દે ફરી સવાલ?

આ અગાઉ 23મી જૂનના પશ્ચિમ રેલવેમાં ચર્ચગેટ-નાલાસોપારા ટ્રેનમાં એક યુવકની ચાકુ મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના ફરી એક વખત મુંબઈની લોકલ ટ્રેનોમાં મુસાફરોની સુરક્ષા અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. ચાલતી ટ્રેનમાં એક મુસાફરને ધક્કો મારવો અને તે ટ્રેક પર પટકાઈ જવો એ માત્ર વ્યક્તિગત વિવાદનો મુદ્દો નથી. તે લાખો દૈનિક મુસાફરોની સુરક્ષા સાથે જોડાયેલો પ્રશ્ન છે. જો બે મુસાફરો વચ્ચે કોઈ વિવાદ થાય, કોઈ વ્યક્તિ અચાનક આક્રમક વર્તન કરે અથવા કોઈ મુસાફરનું વર્તન અન્ય લોકો માટે જોખમ ઊભું કરે તો આવી સ્થિતિમાં ટ્રેનના કોચમાં તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની વ્યવસ્થા કેટલી અસરકારક છે?