Mon Sep 07 2026

Logo

ભાવનગર લઠ્ઠાકાંડમાં અસરગ્રસ્તોની સંખ્યા 61 પર પહોંચી, જાણો અત્યાર સુધીનો ઘટનાક્રમ

2026-08-21 10:53:00
Author: Vimal Prajapati
ભાવનગર લઠ્ઠાકાંડમાં અસરગ્રસ્તોની સંખ્યા 61 પર પહોંચી, જાણો અત્યાર સુધીનો ઘટનાક્રમ

ભાવનગરઃ ગુજરાતમાં શરમજનક અને ચિંતાજનક ઘટના ભાવનગરમાં બની! નકલી અને મિશ્રિત દારૂ પીવાના કારણે ભાવનગરમાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત થયાં હોવાનું સૂત્રો દ્વારા જણવા મળ્યું છે. એટલું જ નહીં પરંતુ લઠ્ઠાકાંડમાં અસરગ્રસ્તોની સંખ્યા 61 ને પાર પહોંચી ગઈ છે. જેના કારણે માત્ર ભાવનગર જ નહીં પરંતુ ગુજરાતભરની પોલીસ દોડતી થઈ ગઈ છે. અનેક પોલીસ કર્મચારીઓ સામે ગૃહ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ સાથે 30થી વધારે લોકો અત્યારે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

લઠ્ઠાકાંડમાં અત્યાર સુધી કુલ 61 લોકોને અસર થઈ 

તમને જણાવી દઈએ કે, ભાવનગર ઝેરી દારૂ લઠ્ઠાકાંડ મામલે અનેત મોટો ખુલાસોઓ થઈ રહ્યાં છે. અત્યાર સુધી કુલ 61 લોકોને ઝેરી દારૂની અસર થઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. જેમાંથી 10ની હાલત ગંભીર છે અને 5 દર્દીઓની સ્થિતિ વધુ નાજુક હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ દર્દીઓની સર ટી હોસ્પિટલ સહિત પાંચ ખાનગી હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે. આ તમામ સ્થિતિ પર રાજ્ય સરકાર દ્વારા નજર પણ રાખવામાં આવી રહી છે.

આ મામલે  21 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો

આ કેસમાં કાર્યવાહીની વાત કરવામાં આવે તો, પોલીસ દ્વારા 21 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ભાવનગર પોલીસ અને સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સતત અને સઘન તપાસ કરવામાં આવી રહી છે. છેલ્લા 24 કલાકમાં જ પોલીસે 14 આરોપીઓને દબોચી લીધા છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે આ લઠ્ઠાકાંડના મુખ્ય સૂત્રધાર ગૌતમ સોલંકી, ભાર્ગવ ભટ્ટ, રઈસની પણ પોલીસે ધરપકડ કરી લીધી છે. આ સાથે કેટલાક બુટલેગરોને પણ ઝડપી પાડવામાં આવ્યાં છે. 

પોલીસની વિવિધ ટીમો દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી

વધારે વિગતે વાત કરવામાં આવે તો, લઠ્ઠાકાંડ બાદ પોલીસ દ્વાર સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. આમાં A ડિવિઝન પોલીસ સ્ટેશન નજીક આવેલા સરકારી ક્વાર્ટરમાંથી પણ દારૂની 13 પેટીઓ મળી આવી છે. આ સાથે જિલ્લામાં બીજી પણ અનેક જગ્યાએ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસની વિવિધ ટીમો દ્વારા કચ્છ, સુરત અને અમદાવાદ ઉપરાંત દિલ્હી અને મધ્યપ્રદેશમાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. ભાવનગરમાં લઠ્ઠો બનાવનાર મુખ્ય કારીગરો મધ્યપ્રદેશના હોવાથી મધ્યપ્રદેશમાં પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે.

પોલીસ સામે પણ કાર્યવાહી કરવામાં આવી

ભાવનગર લઠ્ઠાકાંડ બાદ પોલીસ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. ફરજમાં બેદરકારી દાખવવા બદલ પોલીસ કર્મચારીઓ સામે પણ પગલા લેવામાં આવ્યાં છે. આ મામલે  અત્યાર સુધીમાં એલસીબી પીઆઈ મધુરધ્વજસિંહ સરવૈયા અને વરતેજ પીઆઈ એસ.બી.પઢેરિયા સહિત 4 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. આ સાથે સાથે નિલમબાગ પોલીસ મથકના મહિલા પોલીસ કર્મચારી ઉષાબેન ભીમાણીને પણ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં હોવાનું જાણવા મળ્યું છે.