Mon Oct 05 2026

Logo

વરસાદમાં કેળવેની અવસ્થાનું વરવું દૃશ્ય

2026-07-08 19:25:51
Author: Yogesh C. Patel
વરસાદમાં કેળવેની અવસ્થાનું વરવું દૃશ્ય

દરવાજાને સ્ટ્રેચર બનાવીને છાતીસમાણાં પાણીમાં સગર્ભાને હૉસ્પિટલ લઈ જવાઈ

પાલઘર: છેલ્લા ચાર-પાંચ દિવસથી મુશળધાર વરસાદને કારણે પાલઘર જિલ્લાની કપરી પરિસ્થિતિનો ચિતાર આપતું દૃશ્ય મંગળવારે જોવા મળ્યું હતું. સગર્ભાને અચાનક પીડા ઊપડતાં ઘરના દરવાજાને ઉખેડી તેનો ઉપયોગ સ્ટ્રેચર તરીકે કરાયો હતો અને છાતીસમાણાં પાણીમાંથી પસાર થઈને સ્થાનિકો મહિલાને હૉસ્પિટલે લઈ ગયા હતા.મહિલાએ બાદમાં સફાળે ગ્રામીણ હૉસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો હતો. માતા અને બાળક બન્ને સ્વસ્થ હોવાનું હૉસ્પિટલના અધિકારીએ બુધવારે જણાવ્યું હતું.

ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયોમાં સ્થાનિકો છાતી જેટલાં ભરાયેલાં પાણીમાંથી સ્ટ્રેચર પર મહિલાને લઈ જતાં હોવાનું દેખાય છે.કેળવે રોડના માયખોપ ગામમાં રહેતી પ્રિયંકા રવિ યાદવને મંગળવારે એકાએક પ્રસૂતિની પીડા ઊપડી હતી. ચાર-પાંચથી દિવસથી વરસતા ભારે વરસાદને કારણે યાદવના ઘરની આસપાસનો પરિસર પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. પરિણામે એમ્બ્યુલન્સને ઘર સુધી લાવવી અશક્ય હતું.

પ્રિયંકાની હાલત જોઈ યાદવ પરિવાર ચિંતા કરવા લાગ્યો હતો. સ્થાનિક આશા કાર્યકર્તા દિવ્યા ઘરાત અને સામાજિક કાર્યકર ચેતન ગાવડ યાદવના ઘરે પહોંચ્યા હતા. પરિસ્થિતિનો તાગ મેળવી તેમણે સ્થાનિકોની એક ટીમ બનાવી હતી.આ ટીમે નજીકના એક ઘરનો લાકડાનો દરવાજો ઉખેડી કાઢ્યો હતો અને તેના પર પ્રિયંકાને બેસાડી હતી. પછી સ્ટ્રેચરનું ખભે બૅલેન્સ રાખીને આ ટીમ છાતીસમાણાં પાણીમાંથી પસાર થઈ હતી. પાણી ભરેલા પરિસરમાંથી પસાર થયા પછી પ્રિયંકાને સુરક્ષિત રીતે સફાળે ગ્રામીણ હૉસ્પિટલ લઈ જવાઈ હતી, જ્યાં ડૉક્ટરોની દેખરેખમાં તેણે બાળકને જન્મ આપ્યો હતો. (પીટીઆઈ)