મુંબઈઃ મહારાષ્ટ્ર સરકાર રાજ્યના દરેક ગામમાં સ્મશાનની સુવિધા ઉપલબ્ધ હોય તે સુનિશ્ચિત કરવા માટે એક વ્યાપક નીતિ ઘડશે, એમ રાજ્યના ગ્રામીણ વિકાસ પ્રધાન જયકુમાર ગોરેએ જણાવ્યું હતું.
રાજ્ય વિધાનસભામાં વિપક્ષી શિવસેનાના ધારાસભ્ય સંજય ડેરકર દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપતા ગોરેએ જણાવ્યું હતું કે, સરકારે 'દરેક ગામમાં સ્મશાન'ની નીતિ અપનાવી છે અને સુનિશ્ચિત કરશે કે જે ગામોમાં સ્મશાનની સુવિધા નથી, તેમને જમીન અને ભંડોળની ફાળવણીમાં અગ્રતા આપવામાં આવે.
પ્રધાને માહિતી આપી કે મહારાષ્ટ્રના ૪૦,૭૬૦ ગામોમાંથી ૩૨,૭૯૧ ગામોમાં સ્મશાન છે. તેમણે જણાવ્યું હતું કે સરકારે નિર્દેશ આપ્યો છે કે જે ગામોમાં સુવિધા નથી ત્યાં અન્ય વિકાસ કાર્યોને મંજૂરી આપતા પહેલા સ્મશાનગૃહની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં આવે. જે ગામોમાં સ્મશાન માટે જમીન ઉપલબ્ધ નથી, ત્યાં એક અલગ અને વ્યાપક નીતિ તૈયાર કરવામાં આવી રહી છે.
સરકાર જમીન ફાળવવી, નજીકના ગામો માટે સામૂહિક સ્મશાન બનાવવા અને જરૂરિયાત મુજબ જમીનનું સંપાદન કે ખરીદી કરવી જેવા વિકલ્પો પર વિચાર કરી રહી છે.
જિલ્લા કલેક્ટરોને એવા ગામોને શોધી અહેવાલો રજૂ કરવા કહેવામાં આવશે, જ્યાં સ્મશાનની સુવિધા નથી. આ પ્રોજેક્ટ્સ માટે નાણાકીય સહાય જિલ્લા આયોજન સમિતિઓ, જિલ્લા પરિષદ સેસ ફંડ અને અન્ય ઉપલબ્ધ ભંડોળ દ્વારા પૂરી પાડવામાં આવશે.
આ ચર્ચામાં ધારાસભ્યો અતુલ ભોસલે (ભાજપ), વિજય વડેટ્ટીવાર (કોંગ્રેસ), અમિત દેશમુખ (કોંગ્રેસ) અને અન્ય ધારાસભ્યોએ પણ ભાગ લીધો હતો.