Tue Jul 07 2026

Logo

નાશિકમાં મુશળધાર વરસાદથી ગોદાવરી નદીમાં પૂર, પુલ તૂટતો અનેક ગામનો સંપર્ક તૂટ્યો

2026-07-07 21:48:37
Author: Mumbai Samachar Team
Article Image

નાશિક: મહારાષ્ટ્રમાં નાશિક-કોલ્હાપુર ભારે વરસાદને કારણે જનજીવન પર ગંભીર અસર થઈ છે, જ્યારે નાશિકમાં વાદળ ફાટવાની ચેતવણી વચ્ચે નાશિક જિલ્લાના કેટલાક વિસ્તારમાં આજે ધોધમાર વરસાદ પડ્યો હતો, જેના કારણે ગોદાવરી નદીમાં પૂર આવ્યું હતું. પરિસ્થિતિ અત્યાર સુધી નિયંત્રણમાં છે અને વરસાદ સંબંધિત કોઈ મોટી ઘટના બની નથી, એમ એમ અધિકારીઓએ જણાવ્યું હતું.

નાશિક, ત્ર્યંબકેશ્વર, ઇગતપુરી અને સુરગાણા તાલુકામાં ભારે વરસાદ પડ્યો, પરંતુ ક્યાંય વાદળ ફાટવા જેવો વરસાદ નહોતો પડ્યો. ઉત્તર મહારાષ્ટ્ર જિલ્લાના અન્ય વિસ્તારમાં મધ્યમ વરસાદ નોંધાયો હતો.

દરમિયાન, જિલ્લા વહીવટીતંત્રે સંભવિત ભૂસ્ખલનની ચેતવણી વચ્ચે દેવલા તાલુકાના ભાબડબારી ઘાટને વાહનવ્યવહાર માટે બંધ કરી દીધો છે. ઇગતપુરીમાં સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની એક ટીમ તૈનાત કરવામાં આવી છે.

જિલ્લા અધિકારીઓએ જણાવ્યું હતું કે સોમવારે પાલઘર જિલ્લામાં લગભગ 450 મીમી વરસાદ પડ્યો હતો અને ત્ર્યંબકેશ્વર-નાશિક પટ્ટાને પાર કરે તેવી અપેક્ષા હતી. જોકે, વાવાઝોડું ઉત્તર તરફ સુરત તરફ અને દક્ષિણ તરફ અહિલ્યાનગરમાં અકોલે તરફ આગળ વધ્યું હોય તેવું લાગે છે. 
નાશિકના ઘાટ વિસ્તારમાં જોરદાર વરસાદ પડી રહ્યો છે, પરંતુ એકંદર પરિસ્થિતિ નિયંત્રણમાં છે. જોકે, વાદળ ફાટવા જેવી ઘટનાની શક્યતાને સંપૂર્ણપણે નકારી શકાય નહીં. વાવાઝોડું દક્ષિણ તરફ આગળ વધી ગયું છે.

ડિઝાસ્ટર મેનેજમેન્ટ મંત્રી ગિરીશ મહાજન ઇગતપુરી અને ત્ર્યંબકેશ્વર તાલુકાઓની મુલાકાત લીધાના એક દિવસ પછી જિલ્લા કલેક્ટર આયુષ પ્રસાદે પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે ઇગતપુરી તાલુકાના કેટલાક ગામોની મુલાકાત લીધી હતી.

જિલ્લામાં અવિરત વરસાદને કારણે આજે બપોરે 1 વાગ્યા સુધીમાં નંદુર-મધમેશ્વર બંધમાંથી 7,924 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જિલ્લા વહીવટી તંત્રે નદી કિનારા પર રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા જણાવ્યું છે. 

ત્ર્યમ્બકેશ્વર તાલુકામાં પાહિને અને ભીલમાલને જોડનારા રસ્તો તૂટવાને કારણે આસપાસના ગામડાઓનો સંપર્ક તૂટી ગયો છે. અગાઉ ગામ નજીક પુલનું કામ ચાલી રહ્યું હતું, જ્યારે એના માટે રસ્તો પણ બની રહ્યો હતો, પણ હવે એ તૂટી ગયો છે, જેને કારણે લગભગ પચાસેક ગામડાઓનો સંપર્ક તૂટ્યો છે. સામાન્ય લોકોને ત્ર્યમ્બકેશ્વરથી વાડા, પાલઘર જવાના રસ્તો છે, પરંતુ એના માટે ત્રણેક કિલોમીટરનો લાંબો ચક્કર મારવો પડશે.