Thu Jul 09 2026

Logo

દિલ્હી-NCRમાં આભ ફાટ્યું: અનેક રસ્તાઓ બન્યા સ્વિમિંગ પૂલ, ગાઝિયાબાદમાં શાળાઓ બંધ

2026-07-09 13:23:00
Author: Vimal Prajapati
Article Image

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં કુદરતે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. મોડી રાતથી શરૂ થયેલો અનરાધાર વરસાદ સવાર સુધી સતત ચાલુ રહેતા દિલ્હી, નોઈડા, ગુરુગ્રામ અને ગાઝિયાબાદમાં અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. આ અતિભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. સવારના સમયે ઓફિસે કે કામે નીકળેલા લોકો રસ્તાઓ પર કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાયા હતા, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં ઘરોની અંદર પાણી ભરાઈ જવાથી લોકો કેદ થઈ ગયા છે.

માત્ર ૩ કલાકમાં ૩૫ mm વરસાદ ખાબક્યો

ભારતીય હવામાન વિભાગના આંકડા પ્રમાણે, દિલ્હીમાં મોડી રાત્રે 02:30 વાગ્યાથી સવારના 05:30 વાગ્યા સુધીના માત્ર ત્રણ કલાકના ટૂંકા ગાળામાં જ 34.9 મિલીમીટર વરસાદ ખાબક્યો હતો. હવામાન વિભાગે આગામી કલાકો માટે પણ ચેતવણી જાહેર કરતા જણાવ્યું છે કે, દિલ્હી-NCRમાં હજુ પણ ગાજવીજ અને તીવ્ર પવન સાથે ભારે વરસાદ પડી શકે છે. પ્રશાસન દ્વારા નાગરિકોને સાવચેત રહેવા અને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.

પાણી ભરાઈ ગયાં હોવાથી તંત્ર પણ એલર્ટ થયું

દિલ્હીમાં ખાસ કરીને નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયાં હોવાથી તંત્ર પણ એલર્ટ મોડમાં હોવાનું જાણવા મળ્યું છે. ભારે વરસાદના કારણે દિલ્હીના અનેક વિસ્તારો પ્રભાવિત થયાં છે. જેમાં ખાસ કીરને મુનિરકા, પીતમપુરા, શાલીમાર બાગ સહિત અનેક ક્ષેત્રોમાં રસ્તા પર પાણી ભરાઈ ગયાં છે. જેથી વાહન વ્યવહાર પણ ખોરવાયો છે. 

તમામ શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી

આ સાથે નોઈડામં અનેક સેક્ટરોમાં અને ગાઝિયાબાદમાં પણ સાહિબાબાદમાં શ્યામ પાર્કમાં પણ પાણી ભરાયા છે. જેથી લોકોને ઓફિસ જવા માટે પણ ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે ગાઝિયાબાદના ટીએમ રવિન્દ્ર કુમારે આજે 1થી 12 સુધીની તમામ શાળાઓમાં રજા જાહેર કરી દીધી છે. આ સાથે લોકોને પણ કામ સિવાય બહાર ના નીકળવા માટે અપીલ કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજી પણ આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. 

વાહનોની રફતાર થંભી, પ્રશાસન એલર્ટ મોડ પર

દિલ્હીના પીતમપુરા અને શાલીમાર બાગ જેવા વ્યસ્ત વિસ્તારોમાં મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેના કારણે વાહનો બંધ પડી જતાં કિલોમીટરો લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. સ્થાનિક વહીવટી તંત્ર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો પંપ દ્વારા પાણી નિકાલની કામગીરીમાં જોતરાઈ છે. હવામાન વિભાગના મતે ચોમાસું હાલમાં ખૂબ જ સક્રિય હોવાથી આખો દિવસ અટકી-અટકીને વરસાદી ઝાપટાં ચાલુ રહેવાની પૂરેપૂરી સંભાવના છે.