આજકાલ જમાનો સોશિયલ મીડિયાનો છે અને સોશિયલ મીડિયા પર દરરોજ જાતજાતના વીડિયો વાઈરલ થતાં હોય છે જે જોઈને આપણી અક્કલ કામ કરવાનું બંધ કરી દે. હાલમાં સોશિયલ મીડિયા પર ભારતીય રેલવેનો આવો જ એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે કે જેણે પ્રવાસીઓની સુરક્ષા સામે સવાલો ઉપસ્થિત કર્યા છે. ચાલો જોઈએ શું છે આખી ઘટના...
સોશિયલ મીડિયા પર હાલમાં એક અત્યંત વિચિત્ર અને હેરાન કરી દેનારો વીડિયો વાયરલ થયો છે, જેમાં એક લોકો પાયલટની ગંભીર બેદરકારી સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ઈન્દોર જતી એક ટ્રેનને લોકો પાયલટે રસ્તામાં જ અધવચ્ચે અટકાવી દીધી હતી, માત્ર એટલા માટે કે તેમને રસ્તામાં આવેલા એક સ્ટોલ પરથી ગરમાગરમ 'સમોસા' ખાવાની ઈચ્છા થઈ હતી.
ઘટના એવી છે કે જ્યારે ટ્રેન એક ચોક્કસ વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી, ત્યારે લોકો પાયલટે ટ્રેનને નિયત સ્ટોપેજ ન હોવા છતાં ટ્રેક પર જ ઉભી રાખી દીધી હતી. પાયલટ નીચે ઉતર્યો અને નજીકના સમોસાના સ્ટોલ પરથી ગરમાગરમ સમોસા ખરીદીને પરત ટ્રેનમાં બેઠો હતો. ટ્રેનના આ અણધાર્યા સ્ટોપને કારણે માત્ર મુસાફરોને જ હાલાકી ભોગવવી પડી હતી તેવું નથી, પરંતુ આ કૃત્યથી ટ્રેનની સુરક્ષા સામે પણ ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.
આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ રેલવે તંત્ર દોડતું થયું છે. ભારતીય રેલવેએ આ મામલાને અત્યંત ગંભીરતાથી લીધો છે અને સંબંધિત લોકો પાયલટ વિરુદ્ધ ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, નિયત સ્ટોપેજ સિવાય ટ્રેન રોકવી એ ગંભીર શિસ્તભંગની કાર્યવાહી છે અને તેનાથી સુરક્ષાના પ્રોટોકોલનું ઉલ્લંઘન થાય છે.
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ વીડિયોએ નેટીઝન્સમાં પણ ખૂબ જ ચર્ચા જગાવી છે. ઘણા લોકોએ લોકો પાયલટના આ વર્તનને અત્યંત બેજવાબદાર અને લાપરવાહી ગણાવ્યું છે, જ્યારે કેટલાક લોકો સોશિયલ મીડિયા પર ફની કમેન્ટ કરી રહ્યા છે કે સમોસાનો સ્વાદ એટલો ખાસ હતો કે ટ્રેન પણ રોકવી પડી! તપાસ બાદ હવે જોવું રહ્યું કે આ 'સમોસા લાલચુ' પાયલટ સામે રેલવે તંત્ર કેવા પ્રકારના પગલાં લે છે.