Tue Oct 20 2026

Logo

એકસ્ટ્રા અફેરઃ ટાઈગર શ્રોફ પર હુમલો: પોલીસ-સરકારને સીધો પડકાર

2026-10-20 07:41:00
Author: Bharat Bharadwaj
એકસ્ટ્રા અફેરઃ ટાઈગર શ્રોફ પર હુમલો: પોલીસ-સરકારને સીધો પડકાર

 


ભરત ભારદ્વાજ

મુંબઈમાં અભિનેતા ટાઈગર શ્રોફ પર ધોળે દિવસે થયેલા હુમલાએ આખા દેશને ખળભળાવી મૂક્યો છે. મુંબઈ જેવા પ્રમાણમાં સલામત મનાતા મેટ્રો સિટીમાં સમી સાંજે બનેલી ઘટનાથી લોકોને આઘાત લાગે એ સ્વાભાવિક છે. ટાઈગર રવિવારે સાંજે જુહૂ વિસ્તારમાં પુષ્પા નરસી પાર્કમાં ફૂટબોલ રમવા ગયેલો. 

લગભગ બે કલાક લગી ફૂટબોલ રમ્યા પછી સાંજે 7 વાગ્યે ચાહકો સાથે સેલ્ફી લીધા પછી ટાઈગર કારમાં બેઠો ને ટાઈગરની કાર જેવી ગેટની બહાર નીકળી કે તરત બહાર રાહ જ જોઈને ઊભેલા બે શૂટરે 5 ગોળી ધરબી દીધી. બંને શૂટરને લઈ જવા બાઈક સવાર પણ તૈયાર હતો એટલે એકાદ મિનિટમાં ગોળીએ મારવાનું કામ પત્યું એટલે બાઈક સવાર બંનેને લઈને રફુચક્કર થઈ ગયો.
 
શ્રોફની કાર પર હુમલાખોરોએ કરેલા પાંચ રાઉન્ડ ફાયરિગમાં ટાઈગર શ્રોફ માંડ માંડ બચ્યો હતો પણ તેના ડ્રાઇવર ફિરદૌશને ગોળીઓ વાગી. ટાઈગરને ગોળી વાગી નહોતી પણ ડાબા હાથમાં ગનપાઉડર અને કાચના ટુકડાથી ઈજા થયેલી. બાજુમાં ઊભેલાો એક ઓટોરિક્ષા ડ્રાઈવર અને એક યુવક પણ આ રીતે ઘાયલ થયાં હતાં. 

ગોળીઓનો અવાજ સાંભળીને લોકો ભેગાં થઈ ગયેલાં એટલે હુમલાખોરો છૂ થઈ ગયેલા તેથી ટાઈગરે કારમાંથી બહાર આવીને લોકોની મદદથી ફિરદૌશને બાજુની સીટ પર બેસાડ્યો અને પોતે કાર ચલાવીને નાણાવટી હોસ્પિટલ પહોંચ્યો. બીજાં ઘાયલોને પણ હોસ્પિટલ લઈ જવાયા. બીજી તરફ શૂટર્સ બાઈક લઈને અંધેરી વેસ્ટ રેલવે સ્ટેશન પહોંચેલા. બાઈકને અંધેરી સ્ટેશન પાસે પાસે છોડીને ત્રણેય બોરીવલી જતી ટે્રનમાં બેસી ગયા ને ત્યાંથી રાજસ્થાન ભાગી ગયેલા. 

ટાઈગર હોસ્પિટલ પહોંચ્યો ત્યાં લગીમાં સાડા સાત થઈ ગયેલા ને આખા દેશમાં વાત ફેલાઈ ગયેલી તેથી ચાહકોનાં ટોળાં ઉમટવા માંડ્યાં. નેતા ને પોલીસ અધિકારીઓ પણ દોડતા થઈ ગયેલા ને ટાઈગર પર કોણે ગોળીઓ છોડાવી તેની કડીઓ મેળવવાની મથામણ ચાલતી હતી ત્યાં રાત્રે 10 વાગ્યે લોરેન્સ બિશ્નોઈ ગેંગનો હુમલાની જવાબદારી લેતો સંદેશ આવી ગયો. 

લોરેન્સ બિશ્નોઇ ગેંગના મુકાયેલી સોશ્યલ મીડિયા પોસ્ટમાં દાવો કરી દેવાયો કે, ટાઇગર શ્રોફ પર હુમલાની જવાબદારી અનિલ પંડિત અને હરમન સંધુ લઈએ છીએ. આ હુમલા માટે ટાઈગર શ્રોફની સલમાન ખાન સાથેની સારાસારી જવાબદાર છે અને પહેલાં પણ ટાઇગર શ્રોફને ફોન પર ધમકી આપેલી પણ એ ના માન્યો તેથી ગોળીઓ છોડવી પડી. હવે પછી મુંબઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અમારી વાત નહીં માને કે સલમાન ખાન સાથે કામ કરશે તેના આવા જ હાલ થશે. 

બિશ્નોઈ ગેંગના અનિલ પંડિતે ટાઈગર પર ગોળીબાર પછી સલમાન ખાનને પણ ધમકી આપતી ઓડિયો ક્લિપ મોકલી હોવાનું કહેવાય છે. ઓડિયો ક્લિપમાં સલમાન લોરેન્સ બિશ્નોઈની માફી ના માગે તો તેના આખા પરિવારને ઉડાવી દેવાની ધમકી અપાઈ છે. બિશ્નોઈ ગેંગે સલમાનને પહેલાં પણ અનેક વાર ધમકીઓ આપી છે અને તેના ઘર પર ગોળીઓ પણ છોડાવી છે તેથી સલમાન આ બધાથી ટેવાઈ ગયેલો છે. સલમાન આ ધમકીઓને એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાખે છે પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બધાંની ફેં ફાટી ગઈ છે ને હવે પછી કોનો વારો પડશે તેની ચિંતામાં ઊંઘ હરામ થઈ ગઈ છે. 

આ ફફડાટ સમજી શકાય એવો છે કેમ કે બિશ્નોઈ ગેંગ છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી સતત ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલાં લોકોને ટાર્ગેટ કરી રહી છે. લોરેન્સ ગેંગે 29 મે, 2022ના રોજ સાંજે. પ્રખ્યાત પંજાબી ગાયક અને કૉંગ્રેસ નેતા શુભદીપ સિંહ સિદ્ધુ ઉર્ફે સિદ્ધુ મૂસેવાલાની પંજાબના માનસા જિલ્લાના જવાહરકે ગામ પાસે ગોળી મારીને હત્યા કરીને પહેલી વાર પોતાની નોંધ લેવડાવી હતી. મુસેવાલાની હત્યા તો ગેંગ વોરમાં થયેલી પણ તેના કારણે પેદા થયેવા ફફડાટથી લોરેન્સને સેલિબ્રિટીને ટાર્ગેટ કરવાનો ચસકો લાગી ગયો એટલે લોરેન્સ ગેંગે સલમાનને પકડી લીધો. 

સલમાન ખાન કાળિયાર શિકાર કેસના કારણે બિશ્નોઈ સમાજ માટે પહેલેથી વિલન છે. હમ સાથ સાથ હૈ ફિલ્મના શૂટિગ વખતે 1998માં સલમાન ખાને કાળિયાર હરણનો શિકાર ગુડા બિશ્નોઈ ગામ પાસે કરેલો. બિશ્નોઈ સમાજ માટે કાળિયાર પવિત્ર હોવાથી બિશ્નોઈ સમાજ સલમાનને નફરત કરે છે તેનો લાભ લઈને લોરેન્સે સલમાન પર પસ્તાળ પાડવાનું શરૂ કરીને ધમકીઓ આપવા માંડી કે જેથી બિશ્નોઈ સમાજમાં પોતે હીરો બની જાય. 

સલમાન આ ધમકીઓને ઘોળીને પી ગયો છે. સલમાને પોતાની સિક્યુરિટી પણ જડબેસલાક કરી દીધી છે તેથી બિશ્નોઈ ગેંગ તેનું કશું બગાડી શકતી નથી એટલે સલમાન સાથે સંબંધ ધરાવતાં લોકોને ટાર્ગેટ કરાય છે. સલમાનને ડરાવવા માટે બિશ્નોઈ ગેંગે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન બાબા સિદ્દીકીની 2024ના ઓક્ટોબરમાં હત્યા કરાવી દીધેલી. આ સિવાય કપિલ શર્માના કાફે અને રોહિત શર્માના ઘર પણ ગેંગે ફાયરિગ કરાવ્યાં છે. 

લોરેન્સ ગેંગ આ ખેલને સલમાનના કાળિયાર કેસ સાથે જોડી રહી છે પણ વાસ્તવમાં બોલિવૂડમાં ડર પેદા કરીને ખંખેરવાનો તેનો ઈરાદો છે એ સ્પષ્ટ છે. એવું ના હોય તો સલમાનને કે તેની નજીકનાં લોકોને જ કેમ ટાર્ગેટ કરાય છે ? કાળિયાર કેસમાં તો સલમાન સિવાય સૈફ અલી ખાન, સતિષ શાહ, સોનાલી બેન્દ્રે, કરિશ્મા કપૂર વગેરે પણ સામેલ હતાં. બિશ્નોઈ ગેંગ તેમને કેમ ટાર્ગેટ નથી કરી રહી ? બીજું એ કે, રોહિત શેટ્ટી અને કપિલ શર્માના સલમાન સાથે વ્યવસાયિક સંંબધો છે, અંગત નિકટતા નથી પણ છતાં તેમને ટાર્ગેટ કરીને ગોળીઓ છોડાઈ. તેની પાછળનું ગણિત ના સમજાય એવું નથી જ. 

લોરેન્સ બિશ્નોઈ ગેંગ સલમાનને દાઉદ ઈબ્રાહીમ સાથે સંંબંધ હોવાની વાતો પણ ચલાવ્યા કરે છે. આ વાતો કેટલી સાચી એ ખબર નથી પણ દાઉદ સાથે સંબંધો હોવાની શંકાના દાયરામાં તો ઘણાં લોકો છે પણ તેમને કોઈને લોરેન્સ ગેંગ કશું કરતી નથી ને માત્ર ને માત્ર સલમાન પાછળ હાથ ધોઈને પડેલી છે. દાઉદની વાતો કરીને લોરેન્સ ગેંગ એક કાંકરે બે પક્ષી મારી રહી છે. પોતે દેશપ્રેમી હોવાની છાપ પણ ઉભી કરી રહી છે અને બોલિવૂડમાં ફફડાટ પણ ફેલાવી રહી છે.

ટાઈગર પર હુમલા પછી પોલીસે ત્રણને પકડયા છે પણ એ બધાં નાનાં નાનાં પ્યાદાં છે. લોરેન્સ સહિતના અસલી ખેલાડીઓને તો કંઈ થયું નથી. લોરેન્સ સાબરમતી જેલમાં બંધ હોવા છતાં તેના નામે ગેંગ ચાલે, ધમકીઓ અપાય ને હુમલા થાય એ શરમજનક કહેવાય. ટાઈગર પર હુમલા પછીની ધમકી સીધો પોલીસ અને સરકારને પડકાર છે પણ આપણે ત્યાં નથી પોલીસમાં શરમ કે નથી સરકારમાં બેઠેલાં લોકોમાં શરમ તેથી આ બધું ચાલ્યા કરવાનું. હુમલા થયા કરશે ને ખુલ્લી ધમકીઓ પણ અપાશે પણ કોઈનું કશું બગાડી નહીં શકાય.