Thu Jul 09 2026

Logo

અમદાવાદના મોટેરામાં AMCનું મેગા ઓપરેશન: 70થી વધુ કોમર્શિયલ મકાનો તોડી પડાયા

2026-07-09 14:03:00
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ શહેરમાં 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ તથા અન્ય રમતોને લઈ સાબરમતી જનપથ ત્રણ રસ્તાથી ડીમાર્ટ સુધીના રોડ પર કોમર્શિયલ મિલકતોનું આજે ડિમોલિશન કરવામાં આવ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના જણાવ્યા મુજબ, હાલમાં માત્ર રોડલાઈનના અમલમાં આવતી કોમર્શિયલ મિલકતો જ તોડી પાડવામાં આવી રહી છે. રહેણાંક મિલકતોના ડિમોલિશન અંગે હાલ પૂરતું કોઈ પગલું લેવામાં આવ્યું નથી.

પ્રાપ્ત વિગતો અનુસાર,  સાબરમતી જનપથ ત્રણ રસ્તાથી ડી-માર્ટ સુધીનો રોડ વિસ્તારવામાં આવશે, જેના ભાગરૂપે ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી હતી.  આ રોડલાઈનના અમલીકરણમાં આવતી કોમર્શિયલ મિલકતોને AMC દ્વારા અગાઉ નોટિસ આપવામાં આવી હતી, અંદાજે 70થી વધુ કોમર્શિયલ મિલકતો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ડી માર્ટ બાદ જે કોમર્શિયલ અને રહેણાંક બિલ્ડિંગો આવેલી છે તેમાં હાઇ કોર્ટનો કેસ ચાલી રહ્યો છે ત્યારે હાલમાં ત્યાં કોઈ ડિમોલેશન નહીં કરવામાં આવે. સામેના ભાગે ONGCની ઓફિસ આવેલી છે, જેથી તેને શિફ્ટ કરવાની હોવાથી હાલમાં ત્યાં પણ ડિમોલિશન કામગીરી નહીં કરવામાં આવે.

જે લોકોની મિલક્ત તોડી પાડવામાં આવી તે પૈકીના એકે જણાવ્યું કે, અમે છેલ્લા 70 વર્ષથી અહીં દુકાન ચલાવીએ છીએ. તેના પર અમારી રોજી રોટી ચાલે છે. દુકાન તૂટી જતાં અમારે ખૂબ મોટું નુકસાન થયું છે. એક મહિનાની નોટિસ આપીને તોડી પાડવામાં આવી છે. કોઈણ પ્રકારનું વળતર આપવામાં આવ્યું નથી.

 કામગીરી દરમિયાન મોટેરા ડી-માર્ટથી સાબરમતી જનપથ તરફ આવતો રોડ સુરક્ષાના કારણોસર બંધ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે,  આ મેગા ડિમોલિશનથી મોટેરા વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યામાં ઘટાડો થશે અને ભવિષ્યમાં યોજાનાર આંતરરાષ્ટ્રીય રમતો માટે શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવામાં મદદ મળશે.