Thu Jul 09 2026

Logo

થાણેમાં બિલ્ડિંગના બે માળની ગેલેરી તૂટી પડતા આખી બિલ્ડિંગ ખાલી કરાવી

2026-07-09 20:23:09
Author: Sapna Desai
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે:
થાણે પશ્ર્ચિમમાં રેસિડેન્શિયલ બિલ્ડિંગની બીજા અને ત્રીજા માળની ગેલેરીનો હિસ્સો ગુરુવારે સવારના તૂટી પડ્યો હતો, તેને પગલે બિલ્િંડગ તાત્કાલિક ખાલી કરાવીને તેને તરત તોડી પાડવાનો આદેશ પાલિકાએ આપ્યો છે. સદ્નસીબે કોઈ જખમી થયું નહોતું.

થાણે પશ્ર્ચિમમાં જાંભળી નાકા, બજાર પેઠમાં મહાવીર દુકાન નજીક ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળની લક્ષ્મી અપાર્ટમેન્ટ  નામની બિલ્િંડગ આવેલી છે. ગુરુવારે સવારના ૧૧.૪૮ વાગ્યાની આસપાસ બિલ્ડિંગના બીજા અને ત્રીજા માળની ગેલેરનીનો હિસ્સો અચાનક તૂટી પડ્યો હતો. તો બિલ્ડિંગનો બાકીનો હિસ્સો અત્યંત જોખમી હાલતમાં જણાઈ આવ્યો હતો.

પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ આ બિલ્ડિંગ લગભગ ૪૫ વર્ષ જૂની છે અને તેને પહેલાથી ‘સી-વન’ શ્રેણીમાં એટલે કે રહેવાને લાયક નહીં એવી અત્યંત જોખમી બિલ્ડિંગ, જેને તાત્કાલિક તોડી પાડવાની શ્રેણીમાં મૂકવામાં આવી હતી.

થાણે ડિઝાસ્ટર કંટ્રોલ મેનેજમેન્ટના ઉચ્ચ અધિકારી યાસીન તડવીના જણાવ્યા મુજબ સવારના ૧૧.૪૮  વાગે બિલ્ડિંગની ગેલેરીનો હિસ્સો તૂટી પડ્યો હોવાનો અને બિલ્ડિંગનો બાકીનો હિસ્સો જોખમી હાલતમાં હોવાનો કોલ ડિઝાસ્ટર મેનેજમેન્ટને આવ્યો હતો. તેને પગલે તરત ઈમરજન્સી રિસ્પોન્ડ ટીમ, ડિઝાસ્ટર કંટ્રોલ, થાણે ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સિસ, ફાયરબ્રિગેડ સહિત લોકલ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

તકેદારીના પગલારૂપે અને બિલ્ડિંગનો બાકીનો હિસ્સો જોખમી હાલતમાં હોવાથી બિલ્ડિંગને તાત્કાલિક ખાલી કરાવી દેવામાં આવી હતી. થાણે પાલિકાના આંકડા મુજબ આ બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર ચાર દુકાનોઆવેલી છે. આ ચારેય દુકાનો વેલજી કરસન કારિયાની છે. પહેલા માળા પર જયેશ મનસુખલાલ શાહની રૂમ આવેલી છે. જ્યારે બીજા અને ત્રીજા માળા પર ચિંતામણી સાવંત અને કમલેશ તેજસ્વી કરોત્રાની રૂમ આવેલી છે.

બિલ્ડિંગ અત્યંત જોખમી હાલતમાં હોવાથી મોડેથી પાલિકાના અધિકારી સહિત પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટના અધિકારી તેનું ઈન્સ્પેકશન કરી ગયા હતા.