અયોધ્યાઃ અયોધ્યાના રામ મંદિમાં થયેલી દાનચોરીના કેસમાં દૈનિક ધોરણે નવા નવા વળાંક સામે આવી રહ્યા છે. દરરોજ તપાસના ધમધમાટ આગળ વધ્યા બાદ અને કેટલાક મોટા અધિકારીઓના નિવેદન બાદ ચોંકાવનારી ઘટનાઓ બની હોવાનું જાણવા મળી રહ્યું છે. આ કેસમાં હવે નવો ખુલાસો એ થયો છે કે, દાનમાં કેશ મળતી હતી એ કેશની ગણતરી માટે બેંકનો જે સ્ટાફ જતો હતો એની સાથે કેટલાક અન્ય લોકો પણ જતા હતા.તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, દાનમાં મળેલી નોટની ગણતરી દરમિયાન નહીં પણ ગણતરી શરૂ થાય એ પહેલા જ ચોરી થઈ જતી હતી. સૂત્રોમાંથી મળતી વિગત અનુસાર પકડાયેલા આરોપીઓએ દાનમાં આવેલી નોટની થોકડીનો વહીવટ કરવા ચોક્કસ યોજના બનાવી હતી. આ પછી બેંકના કર્મચારીઓ એ નોટને મશીનમાં ગણવા માટે રાખતા હતા.
પૂછપરછમાં થયો મોટો ખુલાસો
આરોપીઓના પોલીસ રીમાન્ડમાંથી એક મોટો ખુલાસો થયો છે. આ પછી પોલીસ રામ મંદિરમાં કેશની ગણતરી માટે જતા બેંક સ્ટાફ અંગે પૂછપરછ કરીને માહિતી ભેગી કરી રહી છે. ક્યા સમયે કેટલો સ્ટાફ ગયો અને સ્ટાફમાં અન્ય કોઈ અધિકારી હતા કે નહીં એ અંગે ખાસ તપાસ કરવામાં આવી રહી છે. આરોપી લવકુશ મિશ્રા, અનુકલ્પ મિશ્રા અને કરૂણેશ પાંડે પોલીસ રીમાન્ડમાં છે. પોલીસે આરોપીઓની પૂછપરછ કરી હતી. એ પછી પોલીસે પોતાની ટીમ સાથે દરોડા પાડ્યા હતા. અનુકલ્પ પાસેથી જે તે સમયે તેણે ભેગા કરલા ₹20 લાખ રોકડ રૂપે મળી આવ્યા છે. આ સાથે એક સોનાની ચેઈન, મોબાઈલ તથા એના પિતાના નામે ખરીદવામાં આવેલી ડીઝાયર કાર પણ જપ્ત કરી લેવામાં આવી છે. તપાસમાંથી એ વિગત પણ મળી છે કે, આરોપી લવકુશે ચોરીના પૈસામાંથી પત્ની માટે એક સોનાનું લોકેટ પણ બનાવ્યું હતું, જે પછી તેને ગિફ્ટમાં આપવામાં આવ્યું હતું.
બેંક મેનેજર પણ રડારમાં
પોલીસે આ લોકેટ પણ જપ્ત કરી લીધું છે. આ સિવાય જે પૈસા વધ્યા હતા એનું ક્યાં, શું અને કેવી રીતે કર્યું એ અંગે પોલીસ તપાસ ચાલું છે. વરૂણેશ પાસે રહેલા ₹15 હજાર જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું હતું કે, પૂછપરછ દરમિયાન કેટલીક મોટી અને મહત્ત્વની જાણકારી મળી છે. કેસની તપાસ હજુ ચાલું છે. અયોધ્યા પોલીસના રડાર પર SBI બેંકના પૂર્વ મેનેજર છે. જેનું નામ ગોવિંદ મિશ્ર છે. તેઓ હાલમાં લખનઉ બ્રાંચમાં પોસ્ટેડ છે. આગામી સમયમાં એમની પૂછપરછ કરવામાં આવશે અને બેંક કર્મચારીઓની પૂરપરછ થશે. હાલમાં આ મંદિરમાં ગણતરી કરવા માટે જતા બેંક સ્ટાફની યાદી તૈયાર કરવામાં આવી રહી છે.અનિલ મિશ્રાએ બેંક સાથે MoU સાઈન કરેલા છે. આ અઠવાડિયામાં એનું પણ નિવેદન લેવામાં આવશે. આ કેસમાં SBIએ હાયર કરેલી એજન્સીની પણ તપાસ કરવામાં આવશે. ડ્રેસકોડ, ઈન્ટરવ્યૂ તથા ભરતી કરનારા લોકોની પણ પૂછપરછ થશે.
નિયુક્તિ ન હતી છતાં કેમ કેશ લઈ ગયા?
સૂત્રો ત્યાં સુધી કહે છે કે, હજું પણ મંદિર સાથે જોડાયેલા કેટલાક પદાધિકારીઓ અને અધિકારીઓ પોલીસ તથા SITના રડારમાં છે. આ કેસમાં પહેલા SITની રચના થઈ હતી અને પછી પોલીસ ફરિયાદ ફાઈલ થઈ હતી. એ પછી પોલીસે આઠ વ્યક્તિઓની ધરપકડ કરી હતી.આ કેસમાં ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાય અને ટ્રસ્ટી અનિલ મિશ્રાનું રાજીનામું સ્વીકારી લીધું છે. SBIના ભૂતપૂર્વ મેનેજર ગોવિંદ મિશ્ર પણ અયોધ્યા પોલીસના રડાર પર છે. ધરપકડ કરાયેલા તમામ આરોપીઓ ટ્રસ્ટ અને બેંક વચ્ચેના MoU અનુસાર થર્ડ-પાર્ટી આઉટસોર્સ્ડ કર્મચારીઓ હતા. આનો અર્થ એ થયો કે તેઓ બેંક અથવા ટ્રસ્ટ દ્વારા સીધા હાઉસકીપિંગ ફરજો માટે નિયુક્ત કરવામાં આવ્યા ન હતા.તે કંપની દ્વારા ભાડે રાખવામાં આવ્યા હતા જ્યાંથી બેંકે તેના સ્ટાફને આઉટસોર્સ કર્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેઓ બધા આઉટસોર્સ્ડ કર્મચારીઓ હતા.
આઉટસોર્સિંગ સ્ટાફ પર કેમ નજર ન રહી?
કામ ચલણી નોટો સીધી કરવાનું અને તેમને સુઘડ ઢગલાઓમાં ગોઠવવાનું હતું. ભક્તો ઘણીવાર દાન પેટીઓમાં કરચલીવાળી અથવા ગડી ગયેલી સ્થિતિમાં જમા કરાવે છે. આ કર્મચારીઓનું કાર્ય તેમને યોગ્ય રીતે સીધી અને ગોઠવવાનું હતું.પણ ગણતરી સુધી પહોંચે એ પહેલા આ દાનમાંથી કેટલીક રકમ ચોરી થઈ જતી હતી. આઉટસોર્સિંગ સ્ટાફ પર કેમ નજર રાખવામાં ન આવી અને કોની મીઠીકૃપા અંતર્ગત આ આઉટસોર્સિંગને જરૂરી મંજૂરી આપી દેવામાં આવી એ સવાલનો જવાબ હજું મળવાનો બાકી છે. હજુ સુધી પોલીસ માત્ર પોતાના સૂત્રો, આરોપી પાસેથી મળેલી હકીકત અને કેટલાક પુરાવાઓ પરથી નક્કી થનારા કેટલાક રિપોર્ટ સુધી જ પહોંચી છે. હજુ સુધી પોલીસે કોઈ પ્રકારના બેંકના કર્મચારીઓની પૂછપરછ કરી નથી. આગામી દિવસોમાં હવે બેંક કર્મચારીઓની પૂછપરછ થઈ શકે છે. સુભાષ શ્રીવાસ્તવ - જેમણે ગણતરી પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું - એક ભૂતપૂર્વ બેંકર હતા જેમને એક ખાનગી કંપની દ્વારા પણ આઉટસોર્સ કરવામાં આવ્યા હતા.
ગણતરીમાં જાય એ પહેલા જ ચોરાતી નોટ
મશીનમાંથી જ કરંસી નોટ અલગ થઈ જતી હતી, એ પછી જ એનું બંડલ તૈયાર થતું હતું. જે પછી બેંકમાં જમા થતું હતું. આ પછી નોટ ગણવાના મશીનમાં એનું ફરીથી અને અલગથી કાઉન્ટિંગ થતું હતું. આનો સીધો અર્થ એ થયો કે નોટ ગણતરી સુધી પહોંચે એ પહેલા જ ચોરાઈ જતી હતી. હવે પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે, આખરે નોટની ગણતરી પહેલા કેવી રીતે આટલી મોટી રકમ ભેગી થઈ અને કેવી રીતે નોટ મંદિર કે ટ્રસ્ટથી ઘર સુધી પહોંચી. સૂત્રો જણાવે છે કે, આ માટે ચોક્કસ માણસો ચોક્કસ યોજના અનુસાર કામ કરતા હતા. બેંક સ્ટાફ સુધી ગણતરીની નોટ પહોંચે એ પહેલા જ ચોરાઈ જતી. ડાયરેક્ટ દાનપેટીમાંથી ઠલવાયેલી કેશમાંથી નોટ ચોરવામાં આવી હતી.