Thu Jul 09 2026

Logo

સોનમ વાંગચુકના અનશન વચ્ચે CJPની 20 જુલાઈના સંસદ માર્ચની જાહેરાત, વિદ્યાર્થીઓને જોડાવવા અપીલ

2026-07-09 18:53:55
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ કોક્રોચ જનતા પાર્ટી(સીજેપી) ચોમાસુ સત્રના પહેલા દિવસે એટલે કે ૨૦ જુલાઇના રોજ સંસદ સુધી માર્ચ કાઢશે. પાર્ટીએ આ જાહેરાત કરી હતી. દરમિયાન પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓને લઇને કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી સાથે જંતર-મંતર ખાતે સીજેપીનું વિરોધ પ્રદર્શન ૨૦મા દિવસમાં પ્રવેશી ચૂક્યું છે.

સીજેપીએ એક નિવેદનમાં જણાવ્યું કે માર્ચ જંતર-મંતરથી શરૂ થશે. આ દરમિયાન ૨૮ જૂનથી અનિશ્ચિતકાળ માટે અનશન કરી રહેલા કાર્યકર્તા સોનમ વાંગચુક પણ હાજર રહેશે. કોકરોચ જનતા પાર્ટીએ દેશભરના વિદ્યાર્થીઓ, વાલીઓ અને નાગરિકોને આ માર્ચમાં જોડાવા અપીલ કરી છે.

પાર્ટીનું કહેવું છે કે પરીક્ષામાં કથિત ગેરરીતિઓને કારણે આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા, પારદર્શક અને વિશ્વસનીય પરીક્ષા પ્રણાલીની માંગ કરવા અને કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન પર રાજીનામું આપવા દબાણ કરવા માટે આ માર્ચનું આયોજન કરવામાં આવશે.

વાંગચુકે બુધવારે રાત્રે એક પોસ્ટમાં દેશભરના લોકોને સંસદ માર્ચમાં જોડાવા માટે અપીલ કરી હતી. આ દરમિયાન સીજેપીના સ્થાપક અભિજીત દિપકેએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેઓ ભારે વરસાદ છતાં વિરોધ સ્થળ પર તાડપત્રી લગાવવાની મનાઇ કરવા બદલ દિલ્હી પોલીસના જવાનો સાથે દલીલ કરતા જોવા મળે છે.

વીડિયોમાં દિપકેએ કહ્યું કે દિલ્હી પોલીસ અમને તાડપત્રી લાવવાની મંજૂરી આપી રહી નથી. રાતભર વરસાદ પડ્યો હતો અને છેલ્લા ૧૨ દિવસથી ભૂખ હડતાળ કરી રહેલા વિદ્યાર્થીઓની સુરક્ષા માટે તાડપત્રીની જરૂરીયાત છે. છેલ્લા ત્રણ દિવસથી અમે વિરોધ સ્થળની અંદર તાડપત્રી લાવવાના પ્રયાસો કરી રહ્યા છીએ.