Thu Jul 09 2026

Logo

સુરતમાં ખાડી પૂરની સમસ્યાના ઉકેલ માટે રૂપિયા 500 કરોડની ફાળવણી, મુખ્યમંત્રીએ  સ્થિતીની સમીક્ષા કરી

2026-07-09 17:41:31
Author: Chandrakant Kanoja
Article Image

( મુંબઈ સમાચાર ટીમ) 

સુરત: સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં સર્જાયેલી પૂરની સ્થિતિનો તાગ મેળવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરત પહોંચ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે સુરતમાં ખાડી પૂરની સમસ્યાના કાયમી ઉકેલ માટે ખાડી ડેવલપમેન્ટ માટે રૂપિયા 500  કરોડની ફાળવણી કરવામાં  આવશે. 

આર્થિક સહાય ચૂકવવાની કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી

સીએમ ભૂપેન્દ્ર પટેલે  અલથાણ સ્થિત ICCC- ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરમાં પદાધિકારી-અધિકારીઓ સાથે રિવ્યુ બેઠક યોજીને ભારે વરસાદથી પૂરની સ્થિતિ, પાણી ઓસર્યા બાદ સાફસફાઈ, રોગ નિયંત્રણ પગલા તેમજ નુકસાનગ્રસ્ત વિસ્તારોમાં આર્થિક સહાય ચૂકવવાની કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી હતી. 

તેમણે નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવી રહેલી કામગીરીની વિગતવાર જાણકારી મેળવી હતી અને જનજીવનની સ્થિતિ પૂર્વવત કરવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. 

અસરગ્રસ્તોને ઝડપભેર કેશ ડોલ્સ આપવા તાકીદ 

તેમણે તમામ વરસાદી અસરગ્રસ્તોને ઝડપભેર કેશ ડોલ્સ અને ઘરવખરી સહાયની ચૂકવણી કરવાના દિશાનિર્દેશો પણ તંત્રવાહકોને આપ્યા હતા.

આ ઉપરાંત સીએમ ભૂપેન્દ્ર પટેલે  સુરતમાં ખાડીપૂરની સ્થિતિ વારંવાર ન સર્જાય તે માટે લાંબાગાળાના નિવારણલક્ષી આયોજનની આવશ્યકતા હોવાનું ભારપૂર્વક જણાવ્યું હતું. એટલું જ નહિં, ભારે વરસાદની વિકટ સ્થિતિ અને પૂર દરમિયાન સામે આવેલી વહીવટી ક્ષતિઓનું ભવિષ્યમાં પુનરાવર્તન ન થાય તે માટે તાત્કાલિક એક્શન પ્લાન બનાવીને અમલમાં મૂકવા તાકીદ કરી હતી. 

 ભારે વરસાદ, પૂર કે અન્ય કુદરતી આપત્તિની પરિસ્થિતિઓમાં જનપ્રતિનિધિઓ અને અધિકારીઓ કુદરતી આફતોનો સામનો કરવામાં સેતુરૂપ બને તે જરૂરી છે એમ જણાવીને મુખ્યમંત્રીએ તમામ વિભાગો પરસ્પર સંકલન સાધીને પોતાની કામગીરી સુનિશ્ચિત કરે અને ભવિષ્યના આયોજન માટે ખાડી પૂર અટકાવવાનું નક્કર આયોજન કરે તેવી કડક સૂચના આપી હતી.

ભવિષ્યમાં ખાડીપૂરની સમસ્યામાંથી કાયમી મુક્તિ મળશે

પૂરની સ્થિતિ સંદર્ભે નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર નાગરિકોની સુરક્ષા માટે કટિબદ્ધ છે. સુરતમાં ખાડી પૂરના કારણે સર્જાતી પાણી ભરાવવાની સમસ્યાના કાયમી નિવારણ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ.૫૦૦ કરોડની માતબર રકમ ખાડી ડેવલપમેન્ટ અને સુધારણા કાર્યો માટે મંજૂર કરવામાં આવી છે. જેથી ભવિષ્યમાં ખાડીપૂરની સમસ્યામાંથી કાયમી મુક્તિ મળશે. 

મુખ્યમંત્રીએ નવસારીમાં પણ બેઠક કરી સ્થિતીની સમીક્ષા કરી 
  
મુખ્યમંત્રી ત્યારબાદ નવસારી પહોચ્યા હતા અને નવસારી શહેર, જિલ્લામાં તાજેતરના ભારે વરસાદને કારણે જે સ્થિતી ઉભી થઈ છે તેમાં વહીવટી તંત્રની બચાવ-રાહત-સહાય કામગીરીની સમીક્ષા કરી હતી. તેમણે નવસારી-વલસાડના જિલ્લા કલેક્ટરો, પોલીસ અધિક્ષક તેમજ જિલ્લા વિકાસ અધિકારીઓ અને ધારાસભ્યો પદાધિકારીઓ સાથે બેઠક કરી હતી અને જરૂરી દિશા નિર્દેશો આપ્યા હતા.