પાણી ઓસરતા નેતા-અધિકારીઓ દેખાતા લોકોએ ઉધડો લીધો, ઘરવખરી, ફર્નિચરને ભારે નુકસાન
અમદાવાદઃ વિશ્વમાં ટેક્સટાઈલ્સ અને ડાયમન્સ માટે જાણીતું સુરત શહેર હાલમાં તો આકાશી આફત સામે ઝઝૂમી રહ્યું છે. બે દિવસથી વરસાદ બંધ થયો છે, પરંતુ વરસાદ અને સ્થાનિક તંત્રને કારણે જે વિનાશ વેરાયો છે, તેણે રહેવાસીઓની આંખમાં આસું લાવી દીધા છે અને તંત્ર સામે રોષ વ્યકત કરવામાં આવી રહ્યો છે.
શહેરના ટેક્સટાઈલ્સ ઉદ્યોગને ભારે નુકસાન ગયું છે. ખાડી ઓવરફ્લો થતાં આસપાસની માર્કેટ્સના બેઝમેનન્ટમાં પાણી ભરાઈ જતા વેપારીઓનો માલ બગડી ગયો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, 26થી વધુ મુખ્ય ટેક્સટાઇલ માર્કેટોના બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોરમાં પાણી ઘૂસી જતાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે કરોડો રૂપિયાના તૈયાર કાપડ, કાચો માલ અને અન્ય સ્ટોક નાશ પામ્યો હતો. વેપારીઓએ આ તબાહીને તાજેતરના વર્ષોની સૌથી ભયાનક તબાહી ગણાવી હતી.
ટેક્સટાઈલ્સ ઉદ્યોગ સાથે જોડાયેલા એક વેપારીએ મુંબઈ સમાચાર સાથે વાત કરતા જણાવ્યું હતું કે પાણી ભરાવાને લીધે માલ બગડી ગયો, જે લગભગ 200 કરોડ આસપાસ હોઈ શકે. આ સાથે બે-ત્રણ દિવસથી માર્કેટ બંધ રાખવી પડી હોવાથી અન્ય રાજ્યોમાં માલ જઈ શક્યો નથી, આથી બીજું લગભગ રૂ. 400 કરોડ આસપાસનું નુકસાન થયું હશે.
અન્ય રાજ્યોમાંથી આવતા વેપારીઓ સુરતની સ્થિતિ જોઈને થોડા દિવસો આવશે નહીં, સાફસફાઈ અને કામ શરૂ થતા હજુ એકાદ બે દિવસ લાગી જશે. અમારા વર્કર્સ જ્યાં રહે છે તે વિસ્તારોમાં હજુ સ્થિતિ ખરાબ છે, આ સાથે ટ્રાન્સોર્ટેશન રાબેતામુજબ થવામાં સમય લાગશે. આ બધુ જોતા નુકસાન ઘણું મોટું છે. અન્ય એક વેપારીના જણાવ્યા અનુસાર હાલમાં આંકડો આપવો અઘરો છે, પરંતુ આવતીકાલથી સ્થિતિ સામાન્ય થઈ જાય તેવી કોશિશો તમામ કરી રહ્યા છે.
દરમિયાન ઈલેક્ટ્રોનિક્સ, કરિયાણા, સ્ટેશનરી સહિતના તમામ વેપારીઓને નુકસાન થયું છે. વેપારીઓને થયેલા નુકસાનના ઘણા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, જેમાં વેપારીઓ પોતાનો બગડી ગયેલો માલ ભેગો કરતા રડમશ થઈ જાય છે અને તેની આંખો ભીની થયેલી દેખાય છે. તો એક મહિલા તંત્રને પૂછી રહી છે કે અમે ભાડાના મકાનમાં રહીએ છીએ અને દુકાન પણ ભાડાની ચલાવીએ છીએ, અમારા નુકસાનની ભરપાઈ કોણ કરશે.
અહીંની પોદાર માર્કેટના દશ્યો સોશિયલ મીડિયામાં સામે આવ્યા હતા. આ એક જ માર્કેટમાં રૂ. 250 કરોડના નુકસાન થયાનું વેપારીઓ કહી રહ્યા છે ત્યારે સમગ્ર શહેરમાં નુકસાનીનો આંકડો ઘણો મોટો હોવાનું માનવામાં આવે છે.
બીજી બાજુ બુધવારથી પાણી ઓસરતા નેતાઓ અને અધિકારીઓ સર્વે કરવા તેમ જ લોકોને રાશન વેગેરેની કિટ આપવા નીકળ્યા હતા, પરંતુ લોકોએ તેમનો ઉધડો લીધો હોવાના અહેવાલો પણ આવી રહ્યા છે. શહેરના પર્વત પાટીયા વિસ્તારમાં ગુરુવારે પણ સ્થિતિ સામાન્ય થઈ ન હતી ત્યારે અહીં ટ્રેક્ટર લઈને આવેલા કોર્પોરેટર અને અધિકારીઓએ લોકોની નારાજગીનો સામનો કરવો પડ્યો હતો. લોકોએ તેમને ટ્રેક્ટરમા બેસીને નહીં પૂરના પાણીમાં ચાલીને નિરિક્ષણ કરો, 40 વર્ષથી આ સ્થિતિ છે વગેરે જેવા સવાલો કર્યા હતા.