Thu Jul 09 2026

Logo

મેસી નંબર-વન, પણ રોનાલ્ડો ટૉપ-ટેનમાં પણ નથીઃ જાણો, શ્રેષ્ઠ ગોલકર્તાઓની આંકડાબાજી

New York   2026-07-09 17:15:00
Author: Ajay Motiwala
Article Image

ન્યૂ યૉર્કઃ ફેડરેશન ઇન્ટરનૅશનલ દ ફૂટબૉલ અસોસિયેશન (FIFA) દ્વારા આયોજિત વર્લ્ડ કપનું આયોજન 1930ની સાલથી થાય છે, આ 96મું વર્ષ છે અને અત્યારે 23મો વર્લ્ડ કપ ચાલી રહ્યો છે ત્યારે ખૂબ રસપ્રદ અને આશ્ચર્યજનક આંકડા જાણવા મળ્યા છે જેમાં વ્યક્તિગત પર્ફોર્મન્સની વાત કરવામાં આવી છે. 96 વર્ષના ઇતિહાસમાં કોઈક ખેલાડીએ લાખો ચાહકોને પ્રભાવિત કર્યા છે તો કોઈક પ્લેયરના ફૉલોઅર્સની સંખ્યા કરોડોમાં છે. જે કંઈ હોય, સૌથી વધુ ગોલ કોણે કર્યા એ મુદ્દો અહીં સૌથી મહત્ત્વનો છે અને એમાં કરોડોનો લાડલો લિયોનેલ મેસી (MESSI) મોખરે છે.

જેમ જેમ વિશ્વ કપનો ઇતિહાસ બદલાતો ગયો એમ સૌથી વધુ ગોલ (GOAL) કરનાર ખેલાડીઓની યાદીમાં બદલાવ થતો ગયો. ભૂતકાળમાં પેલે, ડિયેગો મૅરડોના, ડેવિડ બેકહૅમ, મિરોસ્લાવ ક્લોઝ,  રોનાલ્ડો નૅઝારિયો (બ્રાઝિલ), રોનાલ્ડિન્યો, વેઇન રૂની વગેરે ખેલાડીઓ ખૂબ ચમક્યા અને સૌથી વધુ ગોલ કરનારાઓની યાદીમાં નામ લખાવતા ગયા, પણ હાલમાં તો સુપરસ્ટાર લિયોનેલ મેસી સર્વોચ્ચ સ્થાને છે.

મેસી સૌથી વધુ છ વર્લ્ડ કપ રમ્યો છે જેમાં તેણે સૌથી વધુ 21 ગોલ કર્યા છે. તેણે 2006માં જર્મનીમાં આયોજિત ફિફા વર્લ્ડ કપમાં એક ગોલથી શરૂઆત કરી હતી. 2010ના સાઉથ આફ્રિકાના વર્લ્ડ કપમાં તે એકેય ગોલ નહોતો કરી શક્યો, પરંતુ 2014માં બ્રાઝિલમાં તેણે ચાર ગોલ, 2018માં રશિયામાં એક ગોલ, 2022માં કતારમાં સાત ગોલ કર્યા હતા. આ વખતે અમેરિકા, કૅનેડા, મેક્સિકોમાં સંયુક્ત રીતે આયોજિત વર્લ્ડ કપમાં તેણે અત્યાર સુધીમાં આઠ ગોલ કર્યા છે. નવાઈની વાત એ છે કે મેસી 39 વર્ષનો થઈ ગયો છે અને આ વખતે તેણે નવા તેમ જ પોતાનાથી ઘણા યુવાન ખેલાડીઓ વચ્ચે સૌથી વધુ આઠ ગોલ કર્યા છે.

એક રોનાલ્ડો ઇન, બીજો રોનાલ્ડો ટૉપ-ટેનની બહાર

મેસી પછી (ગુરુવાર, નવમી જુલાઈની બપોર સુધીમાં) બીજા નંબરે ફ્રાન્સનો કીલિયાન ઍમ્બપ્પે હતો. તેના નામે 19 ગોલ હતા. તેણે 2018માં રશિયામાં ચાર ગોલ, 2022માં કતારમાં આઠ ગોલ કર્યા હતા અને આ વખતે ક્વૉર્ટર ફાઇનલની પહેલાં સાત ગોલ કર્યા હતા. બ્રાઝિલનો રોનાલ્ડો લુઇસ નૅઝારિયો દ લિમા ટૉપ-ટેનની યાદીમાં છે, પણ છઠ્ઠો અને છેલ્લો વર્લ્ડ કપ રમનાર પોર્ટુગલના ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનું નામ ટૉપ-ટેનમાં નથી. બ્રાઝિલનો રોનાલ્ડો નૅઝારિયોએ વર્લ્ડ કપ ટૂર્નામેન્ટોમાં કુલ 15 ગોલ કર્યા હતા અને તેણે બ્રાઝિલને 1994 તથા 2002ની સાલમાં ટ્રોફી અપાવી હતી.

ફિફા વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી વધુ ગોલકર્તા ખેલાડીઓ

(1) લિયોનેલ મેસી (આર્જેન્ટિના): 31 મૅચમાં 21 ગોલ
(2) કીલિયાન ઍમ્બપ્પે (ફ્રાન્સ): 19 મૅચમાં 19 ગોલ
(3) મિરોસ્લાવ ક્લોઝ (જર્મની): 24 મૅચમાં 16 ગોલ
(4) રોનાલ્ડો નૅઝારિયો (બ્રાઝિલ): 19 મૅચમાં 15 ગોલ
(5) ગર્ડ મુલર (જર્મની): 13 મૅચમાં 14 ગોલ
(6) હૅરી કેન (ઇંગ્લૅન્ડ): 15 મૅચમાં 14 ગોલ
(7) જસ્ટ ફૉન્ટેન (ફ્રાન્સ): છ મૅચમાં 13 ગોલ
(8) પેલે (બ્રાઝિલ): 14 મૅચમાં 12 ગોલ
(9) સૅન્ડોર કૉક્સિસ (હંગેરી): પાંચ મૅચમાં 11 ગોલ
(10) જુર્ગેન ક્લિન્સમૅન (જર્મની): 17 મૅચમાં 11 ગોલ
(11) ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (પોર્ટુગલ): 26 મૅચમાં 11 ગોલ
(12) હેલ્મૂટ રાન (જર્મની): 10 મૅચમાં 10 ગોલ
(13) ગૅબ્રિયલ બૅટિસ્ટૂટા (આર્જેન્ટિના): 12 મૅચમાં 10 ગોલ
(14) ગૅરી લિનેકર (ઇંગ્લૅન્ડ): 12 મૅચમાં 10 ગોલ
(15) ટેઑફિલો કુબિલસ (પેરુ): 13 મૅચમાં 10 ગોલ