Thu Jul 09 2026

Logo

એઆઈ પ્લૅટફોર્મનું એક્સેસ મેળવી રોકાણ પર અકલ્પ્ય નફાની લાલચે છેતરપિંડી

2026-07-09 17:28:54
Author: Yogesh C. Patel
Article Image

પાલઘર સાયબર પોલીસે બૅન્કના નિવૃત્ત કર્મચારીના 38 લાખ રૂપિયા બચાવ્યા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: ક્વૉન્ટમ એઆઈ પ્લૅટફોર્મનું એક્સેસ મેળવીને તેની મદદથી રોકાણ કરવા પર અકલ્પ્ય નફાની લાલચ બતાવી નાણાં પડાવવાનું ફ્રોડ સાયબર ઠગ ટોળકી દ્વારા કરવામાં આવી રહ્યું છે. લાલચમાં આવીને દહાણુના 70 વર્ષના નિવૃત્ત બૅન્ક કર્મચારીએ 48.53 લાખ રૂપિયાનું ટ્રાન્સફર કર્યા હતા, પરંતુ સાયબર પોલીસે ઝડપી કાર્યવાહી કરી 38.21 લાખ રૂપિયા બચાવી લીધા હતા.

પોલીસના જણાવ્યા મુજબ દહાણુના ચિખલે વડકતીપાડા ખાતે રહેતા બૅન્કના નિવૃત્ત કર્મચારી રામચંદ્ર વળવી ફેસબુક પર સ્ક્રોલ કરતા હતા ત્યારે તેમની નજર એક વીડિયો પર પડી હતી, જેમાં એક મૂર્તિ બોલતી હોવાનું દેખાતું હતું. આ મૂર્તિ ક્વૉન્ટમ એઆઈ પ્લૅટફોર્મ સંબંધી માહિતી આપતી હતી. ફરિયાદીને 100 નસીબવંતામાં તમારો સમાવેશ હોવાથી તમારી પસંદગી આ પ્લૅટફોર્મ માટે કરાઈ હોવાનું કહેવામાં આવ્યું હતું.

વીડિયો પર અમુક લોકો તેમને થયેલા નફાની વિગતો આપતા હતા. 21 હજાર રૂપિયા રોક્યા પછી રોજના 70થી 90 હજાર રૂપિયાની આવક થતી હોવાનું કોઈ કહેતું હતું તો એકે બેથી ત્રણ મિલિયનના નફાની વાત કરી હતી. લાલચમાં આવી ફરિયાદીએ પણ વીડિયો નીચે આપેલું ગૂગલ ફૉર્મ ભર્યું હતું અને સાથે 21 હજાર રૂપિયાનું રોકાણ કર્યું હતું.

શરૂઆતમાં ફરિયાદીને અમુક ડૉલરનો નફો દેખાડવામાં આવ્યો હતો અને એક વેબસાઈટ મારફત રકમ વિથડ્રોઅલ કરવાની છૂટ આપી હતી, જેને પગલે ફરિયાદીને વિશ્ર્વાસ બેઠો હતો. પછી વિવિધ સ્કીમની લાલચ બતાવી ફરિયાદીને અલગ અલગ બૅન્ક ખાતાંમાં 48.53 લાખ રૂપિયા ટ્રાન્સફર કરવાની ફરજ પડાઈ હતી.

પોતે છેતરાયા હોવાની જાણ થતાં ફરિયાદીએ ઘોલવડ પોલીસનો સંપર્ક સાધ્યો હતો. સાયબર પોલીસમાં ફરજ બજાવતા સબ-ઈન્સ્પેક્ટર સમીર ભોસલેએ તાત્કાલિક કાર્યવાહી કરી હતી. જે બૅન્ક ખાતાઓમાં ફરિયાદીએ નાણાં ટ્રાન્સફર કર્યાં હતાં તેના નોડલ ઑફિસરોનો સંપર્ક સાધી રૂપિયા ખાતાંમાં જ અટકાવી દીધા હતા. 38.21 લાખ રૂપિયા અટકાવી દેવામાં તેમને સફળતા મળી હતી.