પુણે: મહારાષ્ટ્રમાં ભારે વરસાદના લીધે ઘણા જિલ્લામાં પૂર જેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી, પરિણામે ચારેબાજુ જળબંબાકાર જોવા મળ્યો હતો. મહારાષ્ટ્રના પશ્ચિમી ઘાટના એક મહત્વના સ્ત્રોત ઉજની ડેમના પાણીનું સ્તર હાલમાં 'ડેડ સ્ટોરેજ લેવલ'થી ઉપર પહોંચી ગયું છે. આ ડેમનું જળસ્તર 492.880 મીટર નોંધાયું હતું. ડેમની કુલ પાણી સંગ્રહ ક્ષમતા 77.72 ટીએમસી (2201.09 એમસીયુએમ) છે, જયારે ઉપલ્બધ પાણીનો સંગ્રહ 14.06 ટીએમસી(398.28 એમસીયુએમ) નોંધવામાં આવ્યો છે. હાલમાં ડેમની લાઈવ સંગ્રહક્ષમતા 26.25 ટકા છે.
ગયા વર્ષની સરખામણીમાં આ દિવસે ડેમનું જળસ્તર 496,390 મીટર જેટલું હતું. તે સમયે કુલ પાણી સંગ્રહ 112.11 ટીએમસી અને હાજર જળ સંગ્રહ 48.45 ટીએમસી નોંધાયો હતો. ડેમના પાણી સંગ્રહ વિસ્તારમાં હાલમાં 4 મિમી વરસાદ પડ્યો હતો, જે આ વર્ષનો અત્યાર સુધીમાં કુલ 88 મિમી વરસાદ નોંધાયો હતો.
ઉજની ડેમ તરફ જળસ્તર વધ્યું
દોંડ નદી માપણી કેન્દ્ર પર ભીમા નદીનું જળસ્તર 503.370 મીટર નોધાયું છે અને ત્યાં 1,31,262 ક્યુસેક પાણી ઉજની ડેમ તરફ આગળ વધી રહ્યું છે. હાલમાં આ ડેમ પર કોઈ પણ માધ્યમ દ્વારા પાણી છોડવામાં આવી રહ્યું નથી. સ્પિલ-વે, પાવર હાઉસ, નદી સલુઈસ, મુખ્ય નહેર, ટનલ, સીના-માઢા લિફ્ટ સિંચાઈ યોજના અને દહીગાવ લિફ્ટ સિંચાઈ યોજના એમ બધી જગ્યાથી પાણીનો નિકાલ શૂન્ય છે.
આજુબાજુના ગામમાં એલર્ટ
ભારે વરસાદ બાદ ખડકવાસલા ડેમથી પાણી છોડવાનું પ્રમાણ વધારવામાં આવ્યું હતું અને મુથા નદીમાં 27,303 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. નદીના કિનારે વસેલા ગામોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું અને ગામવાસીઓને નદીથી દૂર રહેવાની સલાહ પણ આપવામાં આવી હતી.
કવડાસ ડેમ ઓવરફ્લો
મહારાષ્ટ્ર રાજ્યના પાલઘરમાં છેલ્લા કેટલાય દિવસથી પડી રહેલા મુશળધાર વરસાદના લીધે જિલ્લાના ડેમના પાણીનું જળસ્તર વધી ગયું હતું. ધામની ડેમ પોતાની ક્ષમતાથી 53 ટકા સુધી ભરાયું હતું, જયારે કવડાસ ડેમ ઓવરફ્લો થઈ રહ્યો હતો અને લગભગ 50,000 ક્યુસેક પાણી સૂર્યા નદીમાં છોડવામાં આવ્યું હતું.
સતારા જિલ્લામાં ભારે વરસાદના લીધે મહારાષ્ટ્રની 'લાઈફલાઈન' કહેવાતા કોયના ડેમમાં પાણીનો સ્ટોરેજ 35.71 ટીએમસી સુધી પહોંચી ગયો હતો, જેથી ડેમ હવે પોતાની કુલ ક્ષમતાના 33.93 ટકા ભરાયો હતો. જિલ્લા કલેકટર સંતોષ પાટિલના જણાવ્યા અનુસાર ડેમમાં પાણી 93,000 ક્યુસેકની ઝડપથી આગળ વધી રહ્યું છે. સૌથી વધુ 392.8 મિમી વરસાદ મહાબળેશ્વર રેવન્યુ સર્કલમાં નોંધાયો હતો.
ગોદાવરી નદીની જળસપાટીમાં ભારે વધારો થયો
મહારાષ્ટ્રના નાશિક જિલ્લામાં સતત વરસાદને કારણે ગોદાવરી નદીની જળસપાટીમાં ભારે વધારો થયો છે, જેના લીધે કેટલાક સ્થળોએ ભૂસ્ખલન અને રસ્તાઓ બંધ થવાની ઘટનાઓ સામે આવી છે. પાલખેડ અને નાંદુર મધ્યમેશ્વર સહિતના જળાશયોમાંથી પાણી છોડવામાં આવતાં પ્રશાસને ગોદાવરી, કડવા અને ગિરણા નદીના કિનારે રહેતા લોકોને માલસામાન અને પશુધન સાથે સુરક્ષિત સ્થળે ખસી જવા અપીલ કરી હતી.