Thu Jul 09 2026

Logo

ચીન સરકારની આંખમાં ખૂંચતા અર્થશાસ્ત્રીનું શંકાસ્પદ મૃત્યુઃ કૌભાંડનો કર્યો હતો પર્દાફાશ

Beijing   2026-07-09 15:42:00
Author: Devayat Khatana
Article Image

બીજિંગ: ચીનના અર્થતંત્ર અને કેપિટલ માર્કેટ પર સ્પષ્ટ પણ આકરો અભિપ્રાય આપનાર પ્રખ્યાત ચીની અર્થશાસ્ત્રી ગાઓ શાનવેનનું 55 વર્ષની વયે નિધન થયું છે. ચીનની સરકારી મીડિયાએ તેમના મૃત્યુનું કારણ 'બીમારી' ગણાવ્યું છે. સરકારી નિયંત્રણ હેઠળના ઇન્વેસ્ટમેન્ટ ગ્રુપ 'SDIC સિક્યોરિટીઝ'ના પૂર્વ મુખ્ય અર્થશાસ્ત્રી ગાઓ ચીનના સત્તાવાર GDP ડેટા પર ખુલીને પ્રશ્નો ઉઠાવવા માટે જાણીતા હતા. ચીનના કેપિટલ માર્કેટમાં સૌથી પ્રભાવશાળી મેક્રો-ઇકોનોમિસ્ટ્સમાંના એક ગણાતા ગાઓએ દાવો કર્યો હતો કે 2021 થી 2023 વચ્ચે ચીનનો GDP ગ્રોથ હકીકત કરતા 10 ટકા સુધી વધારીને બતાવવામાં આવ્યો હોઈ શકે છે.

વર્ષ 2024ના અંતમાં વોશિંગ્ટનમાં યોજાયેલી એક કોન્ફરન્સમાં ગાઓએ જણાવ્યું હતું કે છેલ્લાં બે-ત્રણ વર્ષમાં ચીનનો વાસ્તવિક GDP ગ્રોથ સરકારી આંકડા કરતા ઘણો ઓછો એટલે કે સરેરાશ લગભગ 2 ટકા રહ્યો હશે. તેમણે યુવા બેરોજગારી, રિયલ એસ્ટેટ ડેટા અને વપરાશમાં ઘટાડા જેવા મુદ્દાઓ પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમના આ નિવેદનોથી ચીન સરકાર ભારે નારાજ થઈ હતી. પરિણામે, સરકાર દ્વારા તેમના પર જાહેરમાં બોલવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો, તેમના વીડિયો અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ડિલીટ કરી દેવાયા અને નવેમ્બર 2025માં તેમને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યા હતા. જોકે, સૂત્રોના જણાવ્યા અનુસાર, જાન્યુઆરી 2025માં તેમને કેન્સર હોવાનું નિદાન પણ થયું હતું.

ગાઓ શાનવેનના નિધન પર લોકોએ ઘેરો શોક વ્યક્ત કર્યો છે. ચીન જેવા દેશમાં જ્યાં ખુલ્લે આમ બોલનારા અવાજોને સાંખી લેવામાં આવતા નથી, ત્યાં સોશિયલ મીડિયા પર લોકો તેમને નિડર થઈને સત્ય બોલનાર તરીકે યાદ કરી રહ્યા છે. ગાઓ તેમની પ્રભાવશાળી લેખન શૈલી માટે પણ પ્રખ્યાત હતા. તેમણે એકવાર કટાક્ષ કર્યો હતો કે ચીનમાં વૃદ્ધોમાં પૂરો ઉત્સાહ છે, યુવાનો નિર્જીવ છે અને આધેડ વયના લોકો જિંદગીથી થાકી ગયા છે, જે દર્શાવે છે કે કેવી રીતે નવી પેઢીઓ જૂની પેઢીઓની ભૂલોની કિંમત ચૂકવી રહી છે.