Thu Jul 09 2026

Logo

મુંબઈ-દિલ્હીમાં વરસાદે અલ-નીનોની 'આગાહી' ખોટી સાબિત કરી, જાણો વાસ્તવિકતા?

2026-07-09 16:13:10
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: મેઘરાજાએ લગભગ દેશના મોટા ભાગના રાજ્યોમાં પોતાની મહેર વરસાવી છે. મુંબઈ અને રાજધાની દિલ્હીમાં પણ વરસાદે ધબધબાટી બોલાવી દીધી હતી, પરંતુ મુંબઈ અને દિલ્હીના આ ભારે વરસાદે કેટલાક પ્રશ્નો ઊભા કરી દીધા છે. થોડા મહિના અગાઉ હવામાન વૈજ્ઞાનિકો અલ-નિનોની અસરને લઈને ચિંતા વ્યક્ત કરી રહ્યા હતા. ભારતીય હવામાન વિભાગ દ્વારા સામાન્ય વરસાદથી લઈને દુષ્કળ જેવી પરિસ્થિતિઓની સંભાવનાઓ વ્યક્ત કરી હતી, પરંતુ મહારાષ્ટ્રના મોટા ભાગના શહેરોમાં અને રાજધાની દિલ્હીમાં પણ ભારે વરસાદ જોવા મળ્યો હતો. આ સ્થિતિ જોતા હવામાન વિભાગની આગાહી ખોટી સાબિત થઈ કે શું તે જાણીએ. 

અલ-નીનો શું છે?

અલ-નીનો પ્રશાંત મહાસાગરથી જોડાયેલી એક પ્રાકૃતિક જળવાયું ઘટના છે. જેમાં દરિયાની સપાટીનું તાપમાન સામાન્યથી ઊંચું જાય છે. જેની અસર દુનિયાભરના દેશોની આબોહવા પર પડે છે. ભારતમાં સામાન્યરીતે અલ-નીનો દરમિયાન ચોમાસું નબળું પડી શકે છે. વરસાદ ઓછો પડવાથી ખેતી અને જળ સ્ત્રોત પર આની અસર પડે છે. જો કે દરેક વખતે આની અસર એક જેવી નથી હોતી, અન્ય બીજા હવામાનલક્ષી પરિબળો પણ ચોમાસાને અસર કરે છે. 

IMDએ શું કહ્યું હતું?

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અલ-નીનો ચોમાસાને અસર કરી શકે છે, અને સાથે એ પણ જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં એક જેવી પરિસ્થિતિ હશે નહીં. અમુક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડી શકે છે, જયારે અમુક જગ્યાએ ઓછો વરસાદ નોંધાઈ શકે છે. હવામાન વિભાગની આગાહી આખા દેશના સરેરાશ ચોમાસાને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. 

વરસાદે ઊભા કર્યા પ્રશ્નો?

થોડા દિવસોથી દિલ્હી-એનસીઆરમાં પણ વરસાદ પડતા દિલ્લીવાસીઓને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી હતી. જેણે હવામાન વિભાગના પ્રારંભિક અનુમાનો પર સવાલો ઉભા કર્યા છે. દેશની રાજધાનીમાં વરસાદની ધમાકેદાર બેટિંગથી સર્વત્ર જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ હતી. આ સાથે જ એ પણ સંકેત આપ્યો છે કે અલ-નીનોના પ્રભાવ છતાં હવામાન પ્રણાલી જેવા કે લો-પ્રેશર અને ભેજવાળા ચોમાસાના પવનો દિલ્હી-એનસીઆરમાં પોતાની અસર બતાવી રહ્યા છે. 

પાટનગર દિલ્હીમાં આગામી 24 કલાકમાં 180થી 250 મિલિમીટર વરસાદ પડવાનું અનુમાન છે. મુંબઈના માફક દિલ્હીનો આ વરસાદ એ વાતની સાબિતી આપે છે કે ચોમાસું એક વ્યાપક પ્રક્રિયા છે. આ સંદર્ભમાં વાતાવરણમાં થતા તાત્કાલિક ફેરફારો ઘણી વાર વૈશ્વિકસ્તરના મુખ્ય પરિબળો (અલ-નીનો) કરતા પણ વધુ અસરકારક સાબિત થાય છે. 

મુંબઈમાં કેટલો વરસાદ પડ્યો?

મુંબઈમાં વરસાદ ફક્ત અલ નીનોથી નક્કી થતો નથી, તેની પાછળ કેટલાક સ્થાનિક અને ક્ષેત્રીય કારણો પણ હોય છે, જેમાં અરબ સાગરથી આવનારા ભેજવાળા પવનો, ચોમાસાના પવનોનું જોર વધવું, પશ્ચિમ ઘાટની ભૌગોલિક અસર અને સમુદ્રના તાપમાનમાં થતા ફેરફારો મુખ્ય પરિબળો છે, જયારે આ દરેક સ્થિતિ એકસાથે બને છે ત્યારે મુંબઈમાં થોડા જ સમયમાં ભારે વરસાદ થઈ શકે છે, જેથી કોઈ એક શહેરના વરસાદથી સમગ્ર દેશના ચોમાસાનું આકલન શક્ય નથી. 

શું અલ-નીનોની અસર પૂર્ણ થઈ ગઈ?

જો કોઈ ક્ષેત્રમાં સારો વરસાદ પડે તો તેનો અર્થ એ નથી કે અલ-નીનોની અસર પૂર્ણ થઈ છે, અલ-નીનોની અસર ચોમાસા હવામાન મુજબ અલગ અલગ સમય અને અલગ અલગ વિસ્તારોમાં બદલી શકે છે. કેટલીકવાર અલ-નીનોની અસર છતાં અમુક રાજ્યોમાં વધારે વરસાદ પડી શકે છે. બીજી તરફ અમુક ક્ષેત્રોમાં વરસાદ આંશિક જોવા મળે છે.આ જ કારણથી વૈજ્ઞાનિકો ફક્ત એક શહેરના આકડાના આધારે નિષ્કર્ષ કાઢી શકતા નથી. 

હવામાન વિભાગની આગાહી ખોટી પડી?

હવામાન વિભાગ શક્યતાઓના આધારે પૂર્વાનુમાન જાહેર કરે છે, તેની કોઈ નિશ્ચિત જાહેરાત હોતી નથી. આ ઉપલબ્ધ વૈજ્ઞાનિક આંકડાઓ, સમુદ્રનું તાપમાન, પવનોની દિશા અને કેટલાક જળવાયું સંકેતોના આધારે તૈયાર કરવામાં આવતા હોય છે. જો કોઈ વિસ્તારોમાં અનુમાનથી વધુ વરસાદ પડે તો તેનો અર્થ એવો નથી કે સમગ્ર આગાહી ખોટી હતી. હવામાન વિભાગમાં ઘણી વાર સ્થાનિક પરિસ્થિતિ મોટા પાયે જળવાયુંની ઘટનાને વધારે કે ઘટાડે છે.

હવામાનનું અનુમાન કેમ બદલાય છે?

હવામાન એક અત્યંત જટિલ પ્રણાલી છે. તેમાં ઘણા પરિબળો કાર્યરત હોય છે. સમુદ્રનું તાપમાન, પવનોની ગતિ અને દિશા, ઓછા દબાણવાળા વિસ્તારો, હિન્દ મહાસાગરની સ્થિતિ, ચોમાસાની સ્થિતિ, પશ્ચિમી વિક્ષેપ જેવા પરિબળો સાથે કાર્ય કરે છે. આ કારણોના લીધે હવામાનમાં અચાનક જ પલટો આવી શકે છે.

ખેડૂતો માટે આનો શું અર્થ છે?

જો કોઈ પણ ક્ષેત્રમાં સારો વરસાદ પડે છે તો ખેડૂતોને રાહત મળે છે. જળાશયોમાં પાણીનો સ્ત્રોત વધે છે. સિંચાઇની સ્થિતિ ઉત્તમ થાય છે. ખરીફ પાકોમાં નફો મળે છે, પરંતુ સંપૂર્ણ દેશની ખેતીનું આકલન ફક્ત મુંબઈના વરસાદથી થઈ શકતું નથી. જે વિસ્તારોમાં વરસાદ ઓછો પડે છે, ત્યાં ખેડૂતોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આ કારણે જ ખેતીથી જોડાયેલા અમુક નિર્ણયો સ્થાનિક આબોહવા અને વરસાદના આંકડાને જોઈને લેવા જોઈએ. 

જળવાયુ પરિવર્તનની ભૂમિકા શું છે? 

જાણકારોના મતે જળવાયુ પરિવર્તનના લીધે હવામાન પહેલાની સરખામણીમાં વધારે અનિશ્ચિત થઈ ગયું છે. કેટલીકવાર ખૂબ ઓછા સમયમાં વધારે વરસાદ પડે છે, અને બીજી તરફ લાંબા સમય સુધી દુષ્કાળ પણ જોવા મળે છે. એક જ ઋતુમાં ક્યાંક પૂર તો ક્યાંક દુષ્કાળ જેવી સ્થિતિ બની શકે છે. તેથી જ ફક્ત એક ઘટનાના આધારે સમગ્ર હવામાનનું નિષ્કર્ષ કાઢવું યોગ્ય નથી. 

ટૂંકમાં, એવું કહી શકાય કે હવામાન વિભાગનું કામ સંભવિત પરિસ્થિતિ બતાવવાનું છે. વાસ્તવિક હવામાં પ્રાકૃતિક કારણોના લીધે બદલાઈ શકે છે. આ જ કારણે નવા આંકડાઓના આધારે વૈજ્ઞાનિકો નવા આંકડાઓના આધારે પોતાના પૂર્વાનુમાનમાં સુધારા કરતા રહેતા હોય છે.