મુંબઈ: સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ટ્રેનના ‘હનીમૂન કોચ’ ના મામલામાં ભારતીય રેલવે દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ ઘટનામાં ગંભીર બેદરકારી દાખવવા બદલ ફરજ પર તૈનાત ચીફ ટિકિટિંગ ઈન્સ્પેક્ટર (CTI) ગિરીશ કુમારને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. રેલવેની પ્રારંભિક તપાસમાં બહાર આવ્યું છે કે એક ખાનગી ડેકોરેટરે સત્તાવાર મંજૂરી વગર ટ્રેનના ફર્સ્ટ એસી કોચમાં પ્રવેશ કર્યો હતો, જેને રેલવે પ્રશાસને સુરક્ષામાં એક મોટી ચૂક ગણાવી છે, અને કાર્યવાહી પણ કરી છે.
શું છે આ હનીમૂન કોચ મામલો?
આ અનોખી અને વિવાદાસ્પદ ઘટના બલ્હારશાહ-મુંબઈ નંદીગ્રામ એક્સપ્રેસમાં સામે આવી છે. ટ્રેનના ફર્સ્ટ એસી કોચમાં મુસાફરી કરી રહેલા એક નવદંપતી માટે આખો કૂપે ખાસ રીતે સજાવવામાં આવ્યો હતો. એક પ્રાઈવેટ ડેકોરેટર જાલના સ્ટેશનેથી આ કોચમાં ચઢ્યો હતો અને ચાલતી ટ્રેનમાં આખી કેબિનને રોમેન્ટિક લુક આપ્યો હતો.
ટ્રેનના ફર્સ્ટ ACમાં સુહાગરાત, વીડિયો થયો વાયરલ | ViralVideo | Wedding | Railway News
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) July 8, 2026
ભારતીય રેલવેના ફર્સ્ટ AC કોચનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં એક વ્યક્તિએ પોતાની સુહાગરાત માટે આખા કેબિનને ફૂલ, લાઇટિંગ અને આકર્ષક ડેકોરેશનથી 5-સ્ટાર હોટલ જેવી સુઇટમાં ફેરવી… pic.twitter.com/N2dYaMTbmg
આ સજાવટનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ફર્સ્ટ એસી કોચને કોઈ બોલિવુડ ફિલ્મના સીનની જેમ લાઈટો, ફુગ્ગા અને ગુલાબથી સજાવવામાં આવ્યો હતો. ટ્રેનની બર્થ પર ગુલાબની પાંખડીઓથી દિલ આકાર બનાવવામાં આવ્યો હતો, તેમજ ફેયરી લાઈટ્સ, મીણબત્તીઓ લગાવી દેવામાં આવી હતી. આનો વીડિયો વાયરલ થતાં લોકોએ રેલવે વિભાગને ટેગ કરીને ભારે આલોચના કરી હતી.
આખી ઘટનાની ઉચ્ચ સ્તરીય વિભાગીય તપાસના આદેશ
આ મામલાને ગંભીરતાથી લઈને રેલવે વિભાગે CTI તો કાર્યવાહી કરી છે, તેની સાથે સાથે આખી ઘટનાની ઉચ્ચ સ્તરીય વિભાગીય તપાસના આદેશ પણ આપી દીધા છે. આ તપાસમાં એ શોધી કાઢવામાં આવશે કે ડેકોરેટર કોની મદદથી કોચની અંદર સુધી પહોંચ્યો હતાં. હવે ભવિષ્યમાં આવી બેદરકારી રોકવા માટે જવાબદાર લોકો સામે કયા કડક પગલાં લેવામાં આવશે તે પણ જોવાનું રહેશે.
આ મામલે રેલવેના શું નિયમો છે?
રેલવેના કાયદા અને સુરક્ષા નિયમોની વાત કરવામાં આવે તો, કોઈપણ ખાનગી વ્યક્તિ કે ડેકોરેટર રેલવે પ્રશાસનની લેખિત પૂર્વ મંજૂરી વગર ટ્રેનના એસી કે અન્ય કોઈ કોચમાં આ પ્રકારની સજાવટ કરી શકે નહીં. સુરક્ષાના કારણોસર ચાલતી ટ્રેનમાં બહારની વ્યક્તિઓનો પ્રવેશ અને જ્વલનશીલ વસ્તુઓ કે લાઈટોનો ઉપયોગ પ્રતિબંધિત છે.