Thu Jul 09 2026

Logo

આજે ફ્રાન્સના ફૅન્સને મોરોક્કો સામેની મૅચમાં કેમ રેફરીઓનો ડર છે?

Boston   2026-07-09 16:36:00
Author: Ajay Motiwala
Article Image

AP


બૉસ્ટનઃ ક્રિકેટમાં જેમ કેટલીક ટીમો અને એના ચાહકોને અમુક અમ્પાયરોના પક્ષપાતી વલણનો ડર હોય છે એવું ફૂટબૉલમાં પણ બનતું હોય છે જેમાં કેટલાક રેફરીઓના ચર્ચાસ્પદ નિર્ણયો અમુક ટીમોને સ્વીકાર્ય નથી હોતા અને હવે તો વીડિયો અસિસ્ટન્ટ રેફરી (વીએઆર) પણ કાર્યરત છે એટલે એનો વિવાદ પણ થતો રહેતો હોય છે. આજે (ભારતીય સમય અનુસાર મધરાત પછી 1.30 વાગ્યાથી) ફ્રાન્સ અને મોરોક્કો વચ્ચે ફિફા વર્લ્ડ કપની જે પ્રથમ ક્વૉર્ટર ફાઇનલ રમાવાની છે એ સંબંધમાં ફ્રાન્સ-તરફી પ્રેક્ષકોને મૅચના તમામ રેફરી (Referee)ઓનો ભય સતાવે છે.

તમામ પ્રકારના રેફરી આર્જેન્ટિનાના!

વાત એવી છે કે વિશ્વની આ સૌથી મોટી ખેલકૂદ ઇવેન્ટનો આ વખતનો તાજ જીતવા માટે ફ્રાન્સ (France) ફેવરિટ ગણાય છે અને આજે એની મોરોક્કો સામે ક્વૉર્ટર ફાઇનલ છે. આ મૅચના મુખ્ય રેફરી ફૅકુન્ડો ટેલો આર્જેન્ટિનાના છે. તેમના બન્ને સહાયક રેફરી (જુઆન પાબ્લો બેલાટી અને ગૅબ્રિયલ શાડે) પણ આર્જેન્ટિનાના છે. ચોથા રેફરી દારિયો હેરેરા પણ આર્જેન્ટિનાના છે અને રિઝર્વ અસિસ્ટન્ટ રેફરી ક્રિસ્ટિયન નૅવારો પણ આર્જેન્ટિનાના છે.

ઉલ્લેખનીય છે કે આર્જેન્ટિનાએ તાજેતરમાં ઇજિપ્ત સામેના પ્રી-ક્વૉર્ટર ફાઇનલ મુકાબલામાં 0-2થી પાછળ રહ્યા બાદ મૅચની છેવટની મિનિટોમાં (માત્ર 15 મિનિટમાં) ત્રણ ગોલ કરીને 3-2ના માર્જિન સાથે રોમાંચક વિજય મેળવ્યો હતો. આ મૅચમાં રેફરીને લગતો વિવાદ થયો હતો અને ઇજિપ્તએ ફિફા સમક્ષ સત્તાવાર ફરિયાદ નોંધાવી છે.

ફ્રાન્સના ફૅન્સને ડર હોવાનું કારણ શું છે?

હવે આજની મૅચના ફ્રાન્સ તરફી ચાહકો (Fans)ને ડર એ છે કે ટ્રોફી જીતવા માટે આર્જેન્ટિના પણ ફેવરિટ છે એટલે આજે મોરોક્કો સામે આર્જેન્ટિનાના રેફરીઓ ફ્રાન્સને કદાચ કોઈક રીતે અન્યાય કરશે કે જેથી કરીને સેમિ ફાઇનલમાં એ ન પહોંચી શકે. વર્તમાન વર્લ્ડ કપમાં ફિફાના પ્રમુખ જિયાની ઇન્ફેન્ટિનોએ કોઈ ટીમની તરફેણ થઈ હોવાના આક્ષેપ સંબંધમાં ખાસ કંઈ પગલાં નથી લીધા એટલે ફ્રાન્સના ફૅન્સને ડર છે કે આર્જેન્ટિનાના કોઈક રેફરી આજની મૅચમાં ફ્રાન્સની વિરુદ્ધમાં ખોટી રીતે નિર્ણય લેશે. એવું પણ બની શકે કે આર્જેન્ટિનાના રેફરીનો કોઈ નિર્ણય ફ્રાન્સ માટે ચર્ચાસ્પદ હશે તો ઘણાને એવું લાગશે કે રેફરીએ જાણી જોઈને ફ્રાન્સની ટીમને મુશ્કેલીમાં મૂકી દીધી.

જોકે ફ્રાન્સની ટીમના મૅનેજર (કોચ) ડિડીયા ડશૅમ્પ્સનું આર્જેન્ટિનાના રેફરીઓની હાજરી વિશે એવું માનવું છે કે `જે કંઈ પરિસ્થિતિ હશે, અમે એનો સામનો કરીશું. મને રેફરીઓ પર પૂરો વિશ્વાસ છે. અમારું હરીફ મોરોક્કો છે, રેફરી નહીં.'