Thu Sep 03 2026

Logo

હવે અમદાવાદમાં પબ્લિકને ફ્રી પાર્કિંગ આપશે તેને  AMC આપશે પ્રોપર્ટી ટેક્સમાં છૂટ! જાણો શું છે નિયમ?

2026-07-09 16:10:00
Author: Devayat Khatana
હવે અમદાવાદમાં પબ્લિકને ફ્રી પાર્કિંગ આપશે તેને  AMC આપશે પ્રોપર્ટી ટેક્સમાં છૂટ! જાણો શું છે નિયમ?

અમદાવાદ: શહેરમાં જેમ જેમ વિકાસ થઈ રહ્યો છે તેમ તેમ અનેક સમસ્યાઓ પણ ઊભી થઈ રહી છે. શહેરના વિકાસની સાથેસાથે જ  વાહનોનું ભારણ અને ટ્રાફિકની સમસ્યા વધી રહી છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ટ્રાફિક અને ગેરકાયદે પાર્કિંગની સમસ્યાઓના ઉકેલ માટે એક પહેલ શરૂ કરવામાં આવી છે. તો ચાલો વાત કરીએ અમદાવાદ મ્યુનિસપિલ કોર્પોરેશનની સ્માર્ટ પાર્કિંગ પહેલ અને પ્રોપર્ટી ટેક્સ પ્રોત્સાહન યોજના વિશે.

આજે આપણે જ્યારે પણ કઈક ખરીદી કરવા, ઓફિસ કે અન્ય કોઈ કામથી બહાર જઈએ ત્યારે આપણને આપનું વાહન પાર્ક કરવા માટે પ્રશ્ન ખૂબ સતાવે છે, જો કે મનપાના સર્વેમાં એ જાણવા મળ્યું હતું કે શહેરમાં મોલ, થિયેટર, હોટેલ, હોસ્પિટલ અને શૈક્ષણિક સંસ્થાઓ જેવા વ્યાવસાયિક એકમો પાસે પાર્કિંગની સુવિધા હોવા છતાં તેઓ મુલાકાતીઓને તેનો લાભ પૂરો પાડતા નથી, પરિણામે રસ્તાઓ પર વાહનો પાર્ક થાય છે અને ટ્રાફિકની સમસ્યા સર્જાય છે.

આથી શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાને સુધારવા માટે AMC દ્વારા એક વિશેષ યોજનાનો અમલ કરવામાં આવ્યો છે, જેમાં જે વ્યાવસાયિક એકમો પોતાની પાર્કિંગની જગ્યા નાગરિકોના નિશુલ્ક ઉપયોગ માટે ઉપલબ્ધ કરાવશે, તેમને જાહેર ઉપયોગ માટે અપાયેલા ક્ષેત્રફળના પ્રમાણમાં પ્રોપર્ટી ટેક્સમાં વેરા માફીનો લાભ મળશે.

AMCની  આ પહેલથી શહેરના નાગરિકોને સુરક્ષિત અને વ્યવસ્થિત પાર્કિંગ મળશે, રસ્તા પરના ગેરકાયદે અને આડેધડ થતાં પાર્કિંગમાં ઘટાડો થશે જેના પરિણામે શહેરની ટ્રાફિક વ્યવસ્થા વધુ સુવ્યવસ્થિત બનશે. આ માટે સૌપ્રથમ AMC ની વેબસાઇટ પર જઈને અથવા દર્શાવેલ QR કોડ સ્કેન કરીને પબ્લિક ઇન્ફોર્મેશન એસ્ટેટ અંતર્ગત પાર્કિંગ અવેલેબિલિટી એન્ડ શેરિંગ કન્સેન્ટ ફોર્મ ભરવાનું રહેશે.

આ ફોર્મમાં અરજી કરનાર ઝોન, વોર્ડ, પ્રોપર્ટી ટાઇપ, ટેનામેન્ટ નંબર, માલિકનું નામ, સંપર્ક નંબર, અને મિલકતનું સંપૂર્ણ સરનામું દાખલ કરવાનું રહેશે. ત્યારબાદ જમીન અને પાર્કિંગ માટે ઉપલબ્ધ કુલ વિસ્તાર, વર્તમાન ઉપયોગ, અને નાગરિકો માટે ઉપલબ્ધ કરાવી શકાય તેવી પાર્કિંગની વિગતો ભરવાની રહેશે.

અંતે કાનૂની અને સુરક્ષાને લગતી માહિતી, તેમજ એક્સેસિબિલિટી સંબંધિત વિગતો આપી, ડિક્લેરેશન વાંચીને ફોર્મ સબમિટ કરવાનું રહેશે. જો કે આ માટે એકમોએ પાર્કિંગ સંચાલન માટે કોઈ જવાબદાર વ્યક્તિની નિમણૂક કરવી પડશે તેમજ 'અમદા પાર્ક એપ' (AmdaPark App) દ્વારા પાર્કિંગ બુક કરવાની સુવિધા આપવી પડશે અને યોગ્ય સાઈનેજ તેમજ પાર્કિંગ વેની વ્યવસ્થા કરવી પડશે.

જો કોઈ વ્યાવસાયિક એકમ આ વેરામાફીનો લાભ લેવા ન ઈચ્છતું હોય, તો તેણે પણ નિયત સમયમર્યાદામાં AMC ના પોર્ટલ પર સેલ્ફ અસેસમેન્ટ મોડ્યુલ દ્વારા પોતાની વિગતો ફરજિયાત સબમિટ કરવાની રહેશે. આ પહેલ માત્ર ટેક્સ રાહત માટે નથી, પરંતુ શહેરમાં ઉપલબ્ધ પાર્કિંગના સંસાધનોનો અસરકારક ઉપયોગ સુનિશ્ચિત કરીને હજારો નાગરિકોની આવન-જાવન વધુ સુગમ બનાવવા માટે છે.