ન્યૂ યૉર્કઃ 2026ના ફિફા વર્લ્ડ કપમાં ઘણા ગોલકીપરે કરોડો ચાહકોની વાહ-વાહ મેળવી છે, પણ માંડ પાંચ લાખ લોકોની વસતી ધરાવતા કેપ વર્ડે (Cape Verde) નામના ટચૂકડા દેશના 40 વર્ષીય ગોલકીપર વૉઝિન્યા (Vozinha) જેટલી નામના બીજા કોઈએ નથી મેળવી અને એ સફળતા તેને જાણીતી પ્રોફેશનલ ક્લબ સુધી દોરી રહી છે, કારણકે અટકળ એવી છે કે અમેરિકાની ઇન્ટર માયામી ક્લબની ટીમ વૉઝિન્યાને સાઇન કરવા માગે છે. આ કરાર થશે તો વૉઝિન્યાને લાખો ડૉલરની ફી મળશે. નવાઈની વાત એ છે કે લિયોનેલ મેસી મેજર લીગ સૉકર (એમએલએસ) ઇન્ટર માયામીનો કૅપ્ટન છે અને જો ડીલ થશે તો વૉઝિન્યા તેની કૅપ્ટન્સીમાં રમશે. ઇંગ્લૅન્ડનો સૉકર-લેજન્ડ ડેવિડ બેકહૅમ ઇન્ટર માયામીનો સહ-માલિક છે. વૉઝિન્યાનો જી. ડી. શાવેઝ ક્લબ સાથેનો કૉન્ટ્રૅક્ટ વર્લ્ડ કપ પહેલાં જ પૂરો થઈ ગયો હતો અને તેને હવે ઇન્ટર માયામી સહિત કોઈ પણ ક્લબ ખરીદી શકે છે. બ્રાઝિલની કેટલીક ક્લબો પણ તેને ખરીદવા રેસમાં છે.
કેપ વર્ડેને આ વર્લ્ડ કપ પહેલાં ફૂટબૉલ જગતમાં ભાગ્યે જ કોઈ ઓળખતું હતું. પશ્ચિમ આફ્રિકાના દરિયા કાંઠાની નજીક વસેલો આ દેશ 10 એવા ટાપુઓથી બનેલો છે જેના ઉદભવ જ્વાળામુખી ફાટ્યા બાદ થયા હતા. આ દેશની ફૂટબૉલ ટીમને આ વખતે પહેલી જ વખત ફિફા વર્લ્ડ કપમાં રમવા મળ્યું અને એણે પોતાના સ્પેન (0-0), ઉરુગ્વે (2-2) અને સઉદી અરેબિયા (0-0) જેવી મજબૂત ટીમો સામેની મૅચ ડ્રૉ કરાવી હતી અને એનું સૌથી વધુ શ્રેય કેપ વર્ડેના ગોલકીપર વૉઝિન્યાને જાય છે.
કેપ વર્ડેએ લીગ રાઉન્ડમાં પોતાની સામે કોઈને પણ ન જીતવા દીધા અને ઉરુગ્વેને તો સ્પર્ધાની બહાર જ કરી દીધું હતું. વૉઝિન્યાએ ત્રણેય ટીમ સામેની મૅચમાં અનેક વખત ગોલ થતા રોક્યા હતા અને નૉકઆઉટ રાઉન્ડમાં તો તેણે હદ કરી દીધી હતી. આર્જેન્ટિના સામે કેપ વર્ડેનો 2-3થી પરાજય જરૂર થયો, પણ એ પહેલાં વૉઝિન્યાએ બે વખત લિયોનેલ મેસીને ગોલ કરવામાં નિષ્ફળ બનાવ્યો હતો. વૉઝિન્યાના ફૉલોઅર્સ 50,000માંથી બે કરોડથી પણ વધી ગયા છે.
એ મૅચ પછી ખુદ વૉઝિન્યા આર્જેન્ટિનાની ટીમને અભિનંદન આપવાની સાથે મેસી પાસે પહોંચી ગયો હતો. ખુદ વૉઝિન્યાએ એક મુલાકાતમાં કહ્યું છે, `હું મેસીને મળ્યો ત્યારે તે મને ભેટ્યો હતો અને મને કહ્યું કે યુ આર ગે્રટ...તમારા દેશની પ્રજાને તમારા પર ખૂબ ગર્વ થશે.' વૉઝિન્યાએ ઇન્ટરવ્યૂમાં એવું પણ કહ્યું કે `લિયો મેસી જેવા મહાન ખેલાડી તરફથી આવા અભિનંદન મળે એનાથી વિશેષ બીજું શું કહેવાય. મેં પણ મેસીને કહ્યું કે યુ આર બેસ્ટ. ત્યાર પછી મેં મેસીને કહ્યું કે આપણે જર્સીની આપ-લે કરીએ? મેસીએ મને કહ્યું કે ઇન્ટરવ્યૂ પછી તમને ટનલમાં (ડ્રેસિંગ રૂમ તરફ જતી વખતે) આપીશ.'