Thu Jul 09 2026

Logo

નિદા ખાન-કૃષ્ણજન્મની નાશિકના જજની વિચિત્ર સરખામણી

2026-07-09 18:59:43
Author: Yogesh C. Patel
Article Image

જામીન આપતી વખતે જજે નોધ્યું: જેલમાં બાળકને જન્મ આપવાનો આઘાત મહિલા માટે અસહ્ય

નાશિક: ધર્માંતર અને જાતીય શોષણના ચર્ચાસ્પદ નાશિક ટીસીએસ કેસમાં સગર્ભા આરોપી નિદા ખાનને જામીન આપતી વખતે તેના જીવનના સંજોગોને ભગવાન શ્રીકૃષ્ણના જન્મના સંજોગો સાથે સરખાવતા નાશિકની સેશન્સ કોર્ટે એવું નિરીક્ષણ કર્યું હતું કે જેલમાં બાળકને જન્મ આપવાનો આઘાત કોઈ પણ મહિલા માટે અસહ્ય હોય છે.

એડિશનલ સેશન્સ જજ કે. જી. જોશીએ જોકે આદેશમાં નોંધ્યું હતું કે એકંદર તપાસ દર્શાવે છે કે સહઆરોપીની મદદથી નિદાએ ‘પીડિતાનું બ્રેનવૉશ’ કરવાનો પ્રયાસ કર્યો હતો અને તેમની વિચારધારા તેમ જ ધર્મ બદલવાનો પણ પ્રયાસ કર્યો હતો.

જાતીય સતામણી અને કથિત ધર્માંતરના કેસ વિશે આદેશમાં એવું પણ જણાવાયું હતું કે આરોપીઓએ પીડિતાને ‘હિન્દુ ધર્મમાં વાંધાજનક કથાઓ છે,’ એવું મનાવવાનો પ્રયત્ન કર્યો હતો. ધરપકડના લગભગ બે મહિના પછી છઠ્ઠી જુલાઈએ નિદાના જામીન મંજૂર થયા હતા. જામીન આદેશની નકલ ગુરુવારે ઉપલબ્ધ થઈ છે, જેમાં જજે એ વાત પર ભાર મૂક્યો છે કે એફઆઈઆરમાં ખાનની ભૂમિકાનો સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે.

નિદા પાંચ મહિનાની ગર્ભવતી છે, એવી તેના વકીલની દલીલને ધ્યાનમાં લઈ જજે જામીન મંજૂર કર્યા હતા. કોર્ટે નોંધ્યું હતું કે ભગવાન કૃષ્ણની જેમ જેલમાં જન્મનો આઘાત અથવા તે સંબંધી સામાજિક આભડછેટ કોઈના માટે પણ સહ્ય નથી. આવી વિકટ પરિસ્થિતિ ટાળવા અને જન્મનારા બાળકને આવકારવા તેમ જ એકંદર કલ્યાણ માટે આરોપીની તરફેણમાં ન્યાયાલયીન વિવેકબુદ્ધિ અજમાવવી ન્યાયી અને યોગ્ય રહેશે.

જજે જણાવ્યું હતું કે ગર્ભવતીને જેલમાં રાખવાથી કોઈ હેતુ સરશે નહીં, કારણ કે તપાસ પૂરી થઈ ગઈ છે અને આરોપનામું દાખલ થઈ ચૂક્યું છે. નિદાના વકીલ રાહુલ કાસલીવાલે એવો પણ દાવો કર્યો હતો કે નિદા નિર્દોષ છે અને તેને ખોટી રીતે સંડોવવામાં આવી છે. તે ઉચ્ચ શિક્ષિત છે અને એપ્રિલ, 2026માં સેવામાંથી દૂર કરાઈ તે પહેલાં તે ટીસીએસમાં એસોસિયેટ તરીકે કામ કરતી હતી. કોર્ટે નિદાને 75 હજારના પર્સનલ બોન્ડ અને તેટલી જ રકમની સોલ્વન્ટ શ્યોરિટી સાથે જામીન  આપ્યા હતા. (પીટીઆઈ)