Thu Jul 09 2026

Logo

મોરોક્કોના ફૂટબોલરની પત્રકાર પરિષદમાં બે પત્રકાર વચ્ચે ઝપાઝપીઃ ખેલાડીએ બધાને હસાવતાં કહ્યું...

Boston   2026-07-09 19:14:26
Author: Ajay Motiwala
Article Image

બૉસ્ટનઃ ફિફા વર્લ્ડ કપમાં ગુરુવારે (ભારતીય સમય અનુસાર મધરાત બાદ 1.30 વાગ્યાથી) રમાનારી ફ્રાન્સ-મોરોક્કો વચ્ચેની ક્વૉર્ટર ફાઇનલ માટે એક તરફ દેશ-વિદેશના અનેક પત્રકારો કવરેજ માટે પાક્કી તૈયારી કરી રહ્યા હતા ત્યારે બીજી બાજુ પત્રકાર પરિષદમાં બે પત્રકાર વચ્ચે ખટપટ થઈ હતી અને પછી તો તેઓ મારામારી પર ઉતરી આવ્યા હતા જેને પગલે મામલો ગંભીર થઈ ગયો હતો.

મોરોક્કો (Morocco)ના ખેલાડી બ્રાહિમ ડિયાઝ આ પ્રેસ કૉન્ફરન્સમાં પત્રકારોના સવાલના જવાબ આપી રહ્યો હતો ત્યારે અચાનક બે પત્રકાર વચ્ચે ઝઘડો શરૂ થયો હતો. વાત ત્યાં જ સુધી નહોતી અટકી. બન્ને પત્રકાર ઝપાઝપી પર ઉતરી પડ્યા હતા.

પત્રકાર પરિષદ (Press Conference)માં આવું ક્યારેય ન બને, પણ ફિફા વર્લ્ડ કપમાં માહોલ જ એવો છે જેમાં લગભગ દરેક મૅચમાં હરીફ ખેલાડીઓ એકમેકને નીચે પાડવા કોઈ કસર નથી છોડતા. મેદાન પર બનતી એવી ઘટનાની નકારાત્મકતા જાણે મનમાં ઘર કરી ગઈ હોય એમ બન્ને પત્રકાર પણ એકબીજાને ઝાંખા પાડવા ઝઝૂમી રહ્યા હતા.

મોરોક્કોને ખેલાડી બ્રાહિમ ડિયાઝ સ્તબ્ધ થઈ ગયો હતો. જોકે થોડી વાર પછી તે હળવું હસ્યો અને પત્રકાર પરિષદ ફરી શરૂ થઈ ત્યારે બોલ્યો, `મને શું સવાલ પૂછવામાં આવ્યો હતો એ જ હું ભૂલી ગયો.' આ સાંભળીને બધા હસી પડ્યા હતા અને વાતાવરણ હળવું થઈ ગયું હતું.

મોરોક્કો સામે 2018ના વર્લ્ડ ચૅમ્પિયન ફ્રાન્સનો મુકાબલો થતાં પહેલાંની મોરોક્કોની આ ટૂર્નામેન્ટમાં સ્થિતિ આ મુજબ હતીઃ બ્રાઝિલ સામે 1-1થી ડ્રૉ, સ્કૉટલૅન્ડ સામે 1-0થી વિજય, હૈતી સામે 4-2થી વિજય, નેધરલૅન્ડ્સ સામે પેનલ્ટી શૂટઆઉટમાં 3-2થી વિજય અને કૅનેડા સામે 3-0થી વિજય.