મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે જણાવ્યું હતું કે તે સ્વતંત્રતા બાદ "શંકાસ્પદ સંજોગોમાં" ચર્ચ અને ખ્રિસ્તી મિશનરી સંસ્થાઓને હસ્તાંતરિત કરવામાં આવેલી જમીનો અંગે ત્રણ મહિનાની અંદર "વ્યાપક" તપાસ હાથ ધરવામાં આવશે. રાજ્યના મહેસૂલ પ્રધાન ચંદ્રશેખર બાવનકુળેએ રાજ્ય વિધાનસભામાં આ અંગે જાહેરાત કરી હતી.
દેવયાની ફરાંદે (ભાજપ) દ્વારા રજૂ કરાયેલા 'ધ્યાનાકર્ષક પ્રસ્તાવ'નો જવાબ આપતા બાવનકુળેએ જણાવ્યું હતું કે નાશિક ડાયોસીઝન ટ્રસ્ટ એસોસિએશન લિમિટેડને લગતા લાંબા સમયથી પડતર વિવાદની તપાસ કરવા અને તેનો ઉકેલ લાવવા માટે વિભાગીય કમિશનરના અધ્યક્ષપદે એક ઉચ્ચ-સ્તરીય સમિતિની રચના કરવામાં આવશે. સમિતિમાં સેટલમેન્ટ કમિશનર, ડિવિઝનલ કમિશનર, ઇન્સ્પેક્ટર જનરલ ઓફ રજિસ્ટ્રેશન વિભાગ અને પોલીસના પ્રતિનિધિઓનો સમાવેશ થશે.
બાવનકુળેએ જણાવ્યું હતું કે, સમિતિ સેટલમેન્ટ કમિશનર દ્વારા રાખવામાં આવેલા રેકોર્ડની ચકાસણી કરશે અને માત્ર નાસિકમાં જ નહીં, પરંતુ નંદગાંવ, ઔરંગાબાદ અને મહારાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં પણ ચર્ચ મિશનરીની જમીનોની તપાસ કરીને ત્રણ મહિનાની અંદર વિગતવાર અહેવાલ સુપરત કરશે.
તેમણે જણાવ્યું હતું કે સંબંધિત ખાનગી કંપનીના કામકાજની તપાસ પોલીસ અને ચેરિટી કમિશનરની કચેરી દ્વારા કરવામાં આવશે, જ્યારે હાઈકોર્ટ સમક્ષ રાજ્યનો પક્ષ અસરકારક રીતે રજૂ કરવા માટે સરકારના વિશેષ વકીલની નિમણૂક કરવામાં આવશે.
ફરાંદેએ આરોપ લગાવ્યો હતો કે ખ્રિસ્તી સંસ્થાઓ દ્વારા સંચાલિત શાળાઓ, કોલેજો અને હોસ્પિટલો માટે બ્રિટિશ સરકાર દ્વારા મૂળ રીતે આપવામાં આવેલી જમીન મૂળ ટ્રસ્ટીઓના મૃત્યુ પછી રેકોર્ડમાં હેરાફેરી કરીને ખાનગી હાથમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી.
તેમણે એવો પણ દાવો કર્યો હતો કે બાંધકામ અને મિલકતના વ્યવહારો માટે ખાનગી કંપની પાસેથી 'નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ' મેળવવા માટે રહેવાસીઓને મોટી રકમ ચૂકવવાની ફરજ પાડવામાં આવી હતી, અને આક્ષેપ કર્યો હતો કે જિલ્લા વહીવટીતંત્રમાંથી 1932 પહેલાના જમીન રેકોર્ડ અને ફાઇલો ગુમ છે.