Thu Jul 09 2026

Logo

રાંચીની દીકરીનો કમાલ! 120 મિનિટમાં 120 પાના લખીને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, મેઘા રાણીની અદભૂત સિદ્ધિ!

2026-07-09 15:38:00
Author: Darshana Visaria
Article Image

રાંચી: ઝારખંડની રાજધાની રાંચીની એક હોનહાર વિદ્યાર્થિની મેઘા રાણીએ પોતાની અસાધારણ લેખન ક્ષમતા અને એકાગ્રતાના દમ પર વિશ્વસ્તરે નામ રોશન કર્યું છે. ડો. મેઘા રાણીએ માત્ર 120 મિનિટ એટલે કે બે કલાકમાં 120 પાના લખીને એક નવો વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો છે, જે સાંભળીને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા છે. ખાસ વાત તો એ છે કે આ 120 પાનામાં તેમણે ઝારખંડનો ઈતિહાસ, સંસ્કૃતિ અને વારસાને શબ્દોમાં વ્યક્ત કર્યો છે. હવે એ જ પાંડુલિપી અપન ઝારખંડના નામના પુસ્તકમાં પ્રકાશિત થશે. 

સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ માટે બે કલાકમાં 120 પાના લખવા એ ખૂબ જ પડકારજનક કામ છે. આ રેકોર્ડ માટે મેઘાએ અત્યંત ઝડપ અને સચોટતાની સાથે લેખન કર્યું હતું. તેની આ ક્ષમતાએ માત્ર લેખન ગતિ જ નહીં, પરંતુ માનસિક એકાગ્રતાના નવા માપદંડો સ્થાપ્યા છે. વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યા બાદ મેઘા રાણી રાંચી અને સમગ્ર દેશ માટે ગૌરવનો વિષય બની છે.

આ રેકોર્ડની શરૂઆત આ જ વર્ષે જાન્યુઆરી મહિનામાં જયપુરથી થઈ હતી. મે મહિનામાં દુનિયાભરના જજની હાજરીમાં ઓનલાઈન લાઈવ વર્લ્ડ રેકોર્ડ અટેમ્પ્ટ આયોજિત કરવામાં આવ્યો હતો. તમામ સાક્ષીઓની પૂરતી તપાસ કર્યા બાદ 'બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ' અને ઈન્ફ્લ્યુએન્સર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડે આ ઉપલબ્ધિના માન્યતા આપી હતી. 

મેઘા રાણી પોતાની શૈક્ષણિક સિદ્ધિઓ અને નવીનતમ કાર્યો માટે જાણીતી છે. તેણે આ મુકામ હાંસલ કરવા માટે કલાકો સુધી સતત અભ્યાસ અને રિયાઝ કર્યો હતો. આટલી ઝડપથી અને સચોટ રીતે લખવું એ તેની વર્ષોની મહેનત અને સમર્પણનું પરિણામ છે. તેણે સાબિત કરી દીધું છે કે જો મક્કમ નિર્ધાર અને સખત મહેનત હોય, તો કોઈપણ રેકોર્ડ તોડી શકાય છે.

મેઘાની આ સિદ્ધિથી તેના પરિવારજનો અને શિક્ષકોમાં અત્યંત આનંદનું વાતાવરણ છે. સ્થાનિક સ્તરે તેનું અભિવાદન કરવામાં આવી રહ્યું છે. મેઘાના આ રેકોર્ડથી તેવા તમામ વિદ્યાર્થીઓને પ્રેરણા મળશે જેઓ પોતાની ક્ષમતાઓમાં વિશ્વાસ રાખે છે. વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યા બાદ હવે મેઘા ભવિષ્યમાં પણ આવી જ રીતે દેશનું નામ રોશન કરવા માટે આશાસ્પદ છે.