સુરત: ગુજરાતમાં છેલ્લા અનેક દિવસોથી પડી રહેલા વરસાદમાં ડાયમંડ સિટી સુરત ખૂબ જ પ્રભાવિત થયું છે. શહેરમાં લગભગ છેલ્લા ત્રણ દિવસથી ખાડી પૂરના કારણે સર્જાયેલી સ્થિતિ વચ્ચે સ્થાનિકોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. હજુ પણ આ વિસ્તારમાં 5 ફૂટ જેટલા પાણી ભરાયેલા હોવાથી લોકો પોતાના ઘરમાં જ કેદ રહેવા મજબૂર બન્યા છે. આ કપરી પરિસ્થિતિમાં જ્યારે સ્થાનિક કોર્પોરેટર અને મહાનગરપાલિકાના અધિકારીઓ ટ્રેક્ટરમાં બેસીને સ્થિતિનો તાગ મેળવવા પહોંચ્યા ત્યારે લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો.
રોષે ભરાયેલા નાગરિકોએ ટ્રેક્ટરનો ઘેરાવ કરીને નેતાઓ અને અધિકારીઓને નીચે ઉતાર્યા હતા અને પૂરના પાણીમાં પગપાળા ચલાવીને વાસ્તવિક પરિસ્થિતિનો અહેસાસ કરાવ્યો હતો.
પૂરગ્રસ્ત લોકોનો મુખ્ય રોષ વહીવટી તંત્રની ઘોર નિષ્ફળતા અને રાજકીય નેતાઓની ઉદાસીનતા સામે છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે જ્યારે તેઓ ભૂખ્યા-તરસા હતા ત્યારે કોઈ જનપ્રતિનિધિએ ડોકિયું સુદ્ધાં કર્યું ન હતું અને પૂર અંગે કોઈ જ આગોતરી જાણ પણ કરવામાં આવી ન હતી.
એટલું જ નહીં, રેસ્ક્યુ અને રાહત કામગીરી માટે તંત્ર દ્વારા ફાળવવામાં આવેલી બોટ પણ વારંવાર ખોટકાઈ જતી હોવાથી ફસાયેલા લોકો સુધી પહોંચવામાં તંત્ર વામણું સાબિત થયું છે. આ તમામ હાડમારીઓથી ત્રસ્ત નાગરિકોએ ૪૦ વર્ષથી ચાલી આવતા ભાજપના શાસન અને તેમની કામગીરી સામે વેધક સવાલો ઉઠાવીને પોતાનો ભારે જનઆક્રોશ ઠાલવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે સુરતમાં પડેલા અતિભારે વરસાદના કારણે જનજીવન ખૂબ જ પ્રભાવિત થયું છે. સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં સર્જાયેલી પૂરની સ્થિતિનો તાગ મેળવવા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સુરત પહોંચ્યા હતા અને હવે રાજ્ય સરકારે ખાડી પૂરની સમસ્યાના કાયમી ઉકેલ માટે ખાડી ડેવલપમેન્ટ માટે રૂપિયા 500 કરોડની ફાળવણી કરવાની જાહેરાત કરી હતી.
તેમણે અલથાણ સ્થિત ICCC- ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરમાં પદાધિકારી-અધિકારીઓ સાથે રિવ્યુ બેઠક યોજીને ભારે વરસાદથી પૂરની સ્થિતિ, પાણી ઓસર્યા બાદ સાફસફાઈ, રોગ નિયંત્રણ પગલા તેમજ નુકસાનગ્રસ્ત વિસ્તારોમાં આર્થિક સહાય ચૂકવવાની કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી હતી.