Thu Jul 09 2026

Logo

ગુજરાતના ઉનાવામાંથી વરિયાળીનો ભેળસેળવાળો 19.6 લાખનો 26 ટન જથ્થો જપ્ત

2026-07-09 18:45:00
Author: Chandrakant Kanoja
Article Image

(મુંબઈ સમાચાર ટીમ) 

ગાંધીનગર : ગુજરાતના  ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ મોટી કાર્યવાહી કરીને મહેસાણા જિલ્લાના ઊંઝા પાસે આવેલા ઉનાવા ખાતેથી કેમિકલ કલરની ભેળસેળવાળો રૂ. 19.6 લાખની કિંમતનો 26 ટનથી વધુ વરિયાળીનો મોટો જથ્થો ઝડપી પાડીને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.

ફ્લાઈંગ સ્કોડે ઉનાવા ખાતે બે જગ્યાએ અચાનક દરોડા પાડ્યા

આ  કામગીરી અંગે વધુ વિગતો આપતા આરોગ્ય રાજ્ય મંત્રી  પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ફ્લાઈંગ સ્કોડે ઉનાવા ખાતે બે જગ્યાએ અચાનક દરોડા પાડ્યા હતા. જેમાં (૧) મે. ભાર્ગવકુમાર પ્રવીણભાઈ પટેલનું ગોડાઉન અને (૨) મે. પટેલ રાકેશકુમાર તલસીભાઈની પેઢી ગેરકાયદે પ્રવૃત્તિ કરતા ઝડપાઈ ગયા હતા. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, વરિયાળીને વધુ પડતી લીલી અને આકર્ષક બતાવવા માટે તેમાં કેમિકલયુક્ત અખાદ્ય કલરની ભેળસેળ કરવામાં આવતી હતી. 

26  ટન જેટલો વરિયાળીનો તમામ લુઝ જથ્થો સીઝ

આ સિવાય, આ બંને આસામીઓ પાસે ખાણી-પીણીની વસ્તુઓના ઉત્પાદન માટે જરૂરી એવું ફૂડ સેફ્ટી લાઈસન્સ પણ નહોતું. આ  તપાસ દરમિયાન ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા અખાદ્ય કલરની પ્રબળ શંકાના આધારે વરિયાળીના ત્રણ કાયદેસરના નમૂના  લઈને લેબોરેટરીમાં વિશ્લેષણ માટે મોકલી આપવામાં આવ્યા છે. આ સાથે જ તંત્રએ સ્થળ પરથી રૂ.19.6 લાખથી વધુની અંદાજિત કિંમતનો 26  ટન જેટલો વરિયાળીનો તમામ લુઝ જથ્થો સીઝ કરી લીધો છે અને જવાબદારો સામે કાયદેસરની કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે.

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સતત એલર્ટ 

લોકોના સ્વાસ્થ્યની રક્ષા માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સતત એલર્ટ હોવાનું જણાવતા મંત્રી  પ્રફુલ પાનશેરીયાએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે, આગામી દિવસોમાં પણ ગેરકાયદે કામ કરનારા અને મિલાવટખોરો સામે આ ચેકિંગ ઝુંબેશ વધુ તેજ અને કડક બનાવવામાં આવશે.